ભારત અંતિમ ટેસ્ટ જીતે અથવા ડ્રો કરે તો કિવિઝ સામે ફાઇનલ રમશે, હારશે તો કાંગારૂ ફાઇનલમાં પહોંચશે
ભારતીય ટીમે ત્રીજા ટેસ્ટ મેચમાં શાનદાર પર્ફોમન્સ કરી મેચ બીજા દિવસે જ જીતી લીધા બાદ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપથી માત્ર એક જ કદમ દૂર છે. ત્યારે ૨ દિવસમાં જ ટેસ્ટ મેચ પૂરો થઈ જતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ગ્રાઉન્ડમાં કે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ મેદાન છે જ્યાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં જીત હાસંલ કરી છે. જો કે પીચ નબળી ન હોતી પરંતુ નિમ્નકક્ષાની બેટીંગે બે જ દિવસમાં ટેસ્ટને સમેટી લીધું આ વાત ચોક્કસ છે કેમ કે પીચ તો ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી હતી પરંતુ બેટસમેનોએ જ જાણે નબળી બેટીંગ કરી હોય તેમ ધડાધડ વિકેટો ખરવા લાગી. અબતકએ મેચના પ્રથમ દિવસે જ લખ્યું હતું કે ભારત ગુલાબી દડાંના મેચમાં ત્રીજા દિવસે જ ફૂલગુલાબી જીત મેળવી લેશે ત્યારે આ વાત સંપૂર્ણ સાચી પડી છે. જો કે બેટ્સમેનો દ્વારા ખૂબ જ નબળી બેટીંગ કરવામાં આવી હોય મેચ બીજા જ દિવસે સમેટાઈ ગઈ.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડને ૧૦ વિકેટે પરાજય આપ્યો છે. કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ખરેખર કમાલ કરી છે. આમ કહી શકાય કે નામ ઈન્ડિયાના ’કેપ્ટન’નું અને કામ ઈન્ડિયન કેપ્ટનનું. ૪૯ રનના ટાર્ગેટને ભારતે વિના વિકેટે ચેઝ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં ૮૧ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં ૧૧૨ રનનમાં ઓલ આઉટ થયું હતું. ભારતે પ્રથમ ઈનિંગમાં ૧૪૫ રન બનાવ્યા હતા અને બીજી ઈનિગમાં વિના વિકેટે ૪૯ રન બનાવ્યા હતા.
આ મેચમાં અક્ષર પટેલે ૧૧ વિકેટ ઝડપી હતી. અશ્વિને આ મેચમાં ૭ વિકેટ ઝડપીને કેરિયરની ૪૦૦ વિકેટ પૂરી કરી છે. ૧૪૪ વર્ષમાં ૨૨મી વાર એવું બન્યું કે મેચનું પરિણામ બે દિવસમાં આવ્યું હોય. આ ટેસ્ટના બે દિવસમાં બન્ને ટીમ મળીને ૩૦ વિકેટો પડી હતી.આ પહેલા ભારતે ૨૦૧૮માં અફઘાનિસ્તાનને બેંગલુરુ ટેસ્ટમાં બે દિવસમાં હરાવ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડની આ ૧૨ ટેસ્ટ હતી જે બે દિવસમાં પૂરી થઈ હોય. અક્ષર પટે પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ ૧૧૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી અક્ષર પટેલે ૬ વિકેટ, અશ્વીને ૩ વિકેટ અને ઈશાંત શર્માએ ૧ વિકેટ લીધી હતી. ભારત પોતાની પ્રથમ ઈનિંગમાં ૧૪૫ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારતને ૩૩ રનની લીડ મળી હતી. જો રૂટ અને જેક લીચે તરખાટ મચાવ્યો હતો. જો રૂટે ૫ વિકેટ અને લીચે ૪ વિકેટ ઝડપી હતી. પાંચમાં દિવસથી જેમ બોલ ટર્ન થઈ રહ્યો હતો. મેચનો સંપૂર્ણ સ્કોર જોવા માટે અહિં ક્લિક કરો
વિરાટે સ્વીકાર્યું : બંને ટીમની બેટિંગ નબળી રહી
વિરાટ કોહલીએ કહ્યું કે, બંને ટીમની બેટિંગની ક્વોલિટી ખરાબ હતી. આ પિચ બેટિંગ કરવા માટે બહુ સારી હતી. અમે બેટિંગમાં ફર્સ્ટ ઇનિંગ્સમાં સારો દેખાવ કરી શક્યા નહી. ૩૦માંથી ૨૧ વિકેટ એવા બોલમાં પડી જે સ્પિન નહોતા થયા. જ્યારે તમે સતત ટર્ન માટે રમો તો આવું થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં દર વખતે ૨ દિવસમાં રિઝલ્ટ નહિ આવે. બુમરાહે કહ્યું મેચ રમીને વર્ક લોડ મેનેજ થઈ રહ્યો છે. ઇશાંતે મને કહ્યું ૧૦૦મી ટેસ્ટમાં બોલિંગ નથી કરવા મળી રહ્યા. સુંદર ખુશ હતો કે ૩ બોલ નાખવા મળ્યા. ઘણા પ્લેયર્સ કઈ કરી શક્યા નહી. આટલી જલ્દી મેચ પતી હોય એવું પહેલા મેં ક્યારેય અનુભવ્યું નથી. ઘણા લોકોને બીક હતી જ્યારે જાડેજા ઇનજર્ડ થયો. મને ખબર નથી ગુજરાતી અને લેફ્ટ આર્મ સ્પિનર્સનો શું નાતો છે. અક્ષર જાડેજા કરતાં પણ ઝડપથી નાખે છે. આપણે બધાએ પ્રાઉડ કરવું જોઈએ કે અશ્વિન જેવો લેજેન્ડ આપણી ટીમમાં છે. કપ્તાન તરીકે ખુશ છું કે એ મારી ટીમમાં છે. હું એને લેજેન્ડ કહીને જ બોલાવીશ. આવતી મેચ પહેલા એક્સ્ટ્રા આરામ મળ્યો.
અક્ષર અને અશ્ર્વિનનો ઇંગ્લેન્ડ સામે તરખાટ
આ મેચમાં વિરાટ કોહલી ટોસ હારી ગયો હતો. ટર્નિંગ ટ્રેક પર ટોસ હારવાનો અર્થ મેચ હારવા સમાન છે. જોકે, ટીમ ઈન્ડિયાના સ્પિનર્સ અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને આ સ્થિતિનું નિર્માણ થવા દીધુ નહીં. પણ અહીની મુશ્કેલ પીચ પર ઈંગ્લેન્ડના બેટ્સમેન ટકી શક્યાં નહીં. ઈંગ્લેન્ડની ૨૦ વિકેટ પૈકી ૧૮ વિકેટ આ બે બોલરે ઝડપી હતી. અક્ષરે ૧૧ અને અશ્વિને ૭ વિકેટ લીધી હતી. ત્રીજા સ્પિનર વોશિંગ્ટન સુંદરે પણ એક વિકેટ લીધી હતી.જ્યારે ભારતીય ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમ ખાતેની ત્રીજી ટેસ્ટમાં કુલ ૯ વિકેટ લઈને કરિયર ૪૦૦મી વિકેટ લીધી છે. અશ્વિને પોતાની ૭૭મી ટેસ્ટમાં ૪૦૦ વિકેટ પૂરી કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો છે. શ્રીલંકાનો મુથૈયા મુરલીધરને ૭૨ ટેસ્ટમાં ૪૦૦વિકેટ પૂરી કરી હતી અને આ સૂચિમાં પ્રથમ સ્થાને છે.