જેતપુરથી પકડીને પિંજરામાં પુરી દેવાયેલા સાવજોને ફરીવાર સાસણ-ગીર મોકલાશે !!
જેતપુર ખાતેથી 8 સાવજોને પકડીને પિંજરામાં પુરી દેવાની ઘટનાનો પ્રાણી પ્રેમીઓ દ્વારા વિરોધ કરાતાં તમામ સાવજોને ફરીવાર તેમના કુદરતી રહેઠાણ તરફ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, જેતપુરમાંથી પકડી લેવાયેલા તમામ સાવજોને ટૂંક સમયમાં સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં છૂટા મૂકી દેવામાં આવશે. જો કે, હાલ સુધી સાવજોને છુટા કરવાની તારીખ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
જ્યારે સાવજની વાત કરતા હોય ત્યારે પ્રથમ સાવજ એટલે જંગલનો રાજા તે બાબત આપણા સૌના ધ્યાને આવતી હોય છે. જ્યારે જંગલના રાજાની વાત કરવામાં આવે ત્યારે ચોક્કસ કહી શકાય કે. રાજા અને અન્ય પ્રાણીઓ વચ્ચે મોટો તફાવત છે. જંગલનો રાજા સિંહ હરહંમેશ થી માનવ ભક્ષીનહીં પરંતુ માનવપ્રેમી તરીકે ઉપસી આવ્યો છે. અગાઉ જંગલ વિસ્તારમાં નેસડા બાંધીને માલધારીઓ રહેતા હતા અને પાલતું પ્રાણીઓને ખુલ્લામાં બાંધવામાં આવતા હતા. સાવજ જ્યારે પાલતું પ્રાણીનું મારણ કરે ત્યારે મનુષ્યો ક્યારેય પણ સાવજને નુકસાન પહોંચાડતા નહીં. સાવજ અને અન્ય પ્રાણીઓની સરખામણી કરી શકાય નહીં. સાવજ કદાચ આપણી બાજુમાંથી પસાર થાય તો પણ સહેજ માત્ર ડર લાગતો નથી જ્યારે દીપડો કે અન્ય પ્રાણીનો અવાજ પણ આપણે સાંભળી લઈએ તો બે ઘડી માટે ડર તો લાગી જ જતો હોય છે. દીપડા સહિતના પ્રાણીઓ માનવભક્ષી છે જ્યારે સાવજ તો માનવ પ્રેમી પ્રાણી છે. સાવજને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દૈવી પ્રાણી માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં જે દેવી-દેવતાને પૂજવામાં આવે છે તેના વાહન તરીકે સાવજને ગણવામાં આવે છે જેથી સાવજની પણ પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. સાવજ ક્યારેય માનવ સમાજને રંઝાડતું નથી. નોંધનીય બાબત છે કે, સાવજ ભાગ્યે જ કોઈ માનવનું મારણ કરતું હશે અને કરે તો સાવજને આજીવન કેદ ભોગવવો પડે તેવી જોગવાઈઓ કરવામાં આવી છે. સાવજના આવા ગુણોને કારણે જ જ્યારે મધ્યપ્રદેશ સરકારે શાસન ગીરમાંથી સાવજોને મધ્યપ્રદેશ મોકલવા માંગ કરી હતી ત્યારે મધ્યપ્રદેશ શિકારીઓથી ભરેલું હોવાથી સાવજને મોકલવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી. સાવજ હંમેશાથી માનવ સાથે રહેવા ટેવાયેલું છે પરંતુ ઇકો-સેન્સિટિવ ઝોન બનાવીને માનવીને સાવજથી દુર કરી દેવાયા અને જંગલમાં વન વિભાગનું રાજ સ્થાપિત થયું જેના કારણે સાવજો જંગલમાંથી બહાર નીકળી જવા મજબૂર બન્યા છે
8 સાવજોને તેમના ‘ઘર’ સાસણ-ગીર પરત મોકલાશે
સાસણના જંગલમાંથી બહાર નીકળીને સાવજો જેતપુર સુધી પહોંચ્યા હતા જેની જાણ થતાં વન વિભાગ દ્વારા તમામ 8 સાવજને પિંજરામાં પુરી દેવાયા હતા. જેનો વિરોધ પ્રાણી પ્રેમીઓ અને સ્થાનિકો દ્વારા કરાતાં વન વિભાગે સાવજોને ફરીવાર શકકરબાગ ખાતે છુટા મૂકી દેવા નિર્ણય કર્યો છે.
સાવજો મનુષ્યો સાથે રહેવા ટેવાયેલા છે: સર્વે
વર્ષ 2020ની સવાજની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં આશરે સાવજોની વસ્તી 674ની છે. જેમાંથી 50%થી પણ વધુ સાવજો ઇકો-સેન્સિટિવ ઝોનની બહાર વસવાટ કરે છે. જેમાંથી મોટાભાગના સાવજો માનવ વસ્તીની આજુબાજુ રહે છે. ત્યારે અનેકવિધ સ્ટડીના આધારે સાબિત થાય છે કે, સાવજ માનવ સાથે રહેવા ટેવાયેલું છે. સાવજો અને માનવો એકીસાથે શાંતિપૂર્ણ રીતે રહેતા હોય તેવા અનેક દાખલાઓ ગીરમાં જોવા મળ્યા છે. જેના આધારે અનેકવિધ રાજુઆતો થતા સાવજોની ઘર વાપસી કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.