કોરોના મહામારીમાં કોરોના દર્દીઓને સધન સારવાર થકી નવજીવન આપવા માટે આરોગ્ય વિભાગ દિવસ-રાત કાર્યરત છે. પરંતુ કોરોનાના એવા દર્દીઓ કે ઓક્સિજન કે વેન્ટીલેટર પર ૧૦ થી ૧૫ દિવસ રહયા હોય તેઓમાં કોરોનામાંથી સાજા થયા બાદ બ્લેક ફંગસને કારણે મ્યુકરમાઇકોસીસ બીમારીથી ગ્રસ્ત થતા હોય છે. આ રોગ એકવાર શરીરમાં વધુ પ્રસરે તો દર્દીઓને ખર્ચાળ અને મુશ્કેલ સારવારનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં પણ આ રોગમાં ઘણા કીસ્સામાં સર્જરી પણ કરવી પડે છે. આ રોગ પ્રસરે તો આંખ, મગજ સહિતના અંગોને નુકશાન પણ થાય છે.
શરુઆતના તબક્કામાં જ અટકાવવો શકય છે. જરૂરીયાત છે માત્ર જાગૃતિની કોરોનાના દર્દીઓમાં ઓકસીજન અને વેન્ટીલેટર માસ્કને કારણે પુરતી સફાઇ ન થવાથી આ ફંગસ ઇન્ફેકશન થવાનું જોખમ વધી જાય છે. વાસી મોં માં પણ આ ફંગસ દ્વારા મ્યુકરમાઇકોસીસ થવાનો ભય રહે છે. આથી મ્યુકરમાઇકોસીસથી બચાવ માટે શરૂઆતના તબક્કે જ જો નાક અને મોં ની સફાઇ નિયમીત કરાય તો આ રોગથી બચાવ શકય છે. ખાસ કરીને કોરોનાના જે દર્દીઓ સાજા થઇને કામે લાગી ગયા છે કે આરામમાં છે તેઓને ઇયરબડ (કાન સાફ કરવાની છેડે રૂનુ પુમડું ભરાવેલી સળી)થી બીટાડીન જેવા સામાન્ય લોસનની મદદથી નાકની સફાઇ તથા એક ગ્લાસ પાણીમાં એક ઢાંકણું બીટાડીન ગાર્ગર નાંખી તેના વડે કોગળા કરી મોં ની સફાઇ રાખવાથી આ ફંગસનો નાશ થાય છે અને તે પ્રસરતી અટકે છે. આખરે તો સાવચેતી એ જ સલામતી છે.
cl
કયારેક બીટાડીન ઉપલબ્ધ ન હોય તો મોં ની સફાઇ માટે તૈયાર કરવામાં આવતા મીઠું નાખી કોગળા કરવાના નવસેકા પાણીમાં બમણું મીઠુ(નીમક) નાંખીને પણ ઇયરબટને તેમાં ભીંજવી તેના દ્વારા નાકની સફાઇ કરી શકાય છે.
આ બાબતને ધ્યાને લઇને રાજ્ય સરકારના સુચન અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં નાક અને મોંની સફાઇ અંગે કોરોના દર્દીઓ કે જેઓ ગત ૧ લી એપ્રીલ બાદ સાજા થઇને પરત સ્વગૃહે પહોંચી ચુકયા છે. તેઓને આ રોગથી બચાવ માટે યોગ્ય માર્ગદર્શન અને સુચન મળી રહે તે માટે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમીક ઓફીસર ડો.નિલેષ રાઠોડના માગદર્શન અને વડપણ હેઠળ ૭૦૦ જેટલા આરોગ્ય કર્મીઓને ખાસ તાલીમબધ્ધ કરીને ગામેગામ જાગૃતિ અને નિદર્શન દ્વારા તાલીમ માટે ફરજ સોંપાઇ છે. આ તાલીમબધ્ધ કર્મચારીઓ કોરોના મુકત બનેલા દર્દીઓ અને તેમાંય ખાસ કરીને જેઓ ઓકસીજન કે વેન્ટીલેટર પર ૧૦ થી ૧૫ દિવસ રહયા હોય તેઓને ગામ જઇને તેઓને નાકની સફાઇ કઇ રીતે રાખવી તે બાબતે માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત મીઠાના પાણી વડે મોંની સફાઇ વિશે પણ માહિતગાર કરે છે.
આમ મ્યુકરમાઇકોસીસનું સંક્રમણ વધે તે પહેલા જ તેને શરૂઆતના તબક્કે અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પરિશ્રમ કરી રહ્યા છે. તેઓનો આ પરિશ્રમ પારસમણી સમાન બની રહયો છે. આ અભિયાન શરૂ કરાયા બાદ ગ્રામ્ય કક્ષાએ મ્યુકરમાઇકોસીસના દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.