ગુજરાતમાં વેપાર અને વિકાસની અઢળક તકો તરફ ઈઝરાયલ બાદ હવે નોર્વે પણ આકર્ષાયુ
ભારતમાં ઝડપી વિકાસ સાંધતા રાજયોમાં ગુજરાતની ગણના થાય છે એટલે જ વિશ્વના દેશો ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણ કરવા તરફ આકર્ષાયા છે. તાજેતરમાં જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ ગુજરાતની મુલાકાત લીધી હતી. જે આ બાબતે શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. ગુજરાત સાથે સંરક્ષણ, કૃષિ સહિતના અતિમહત્વના ક્ષેત્રે ઈઝરાયેલે કરારો કર્યા છે ત્યારે હવે, ગુજરાતના બંદરોને ઉર્જા ઉત્પાદન સાથે કિલન એટલે કે પ્રદુષણ રહિત ચોખ્ખુ ચટ્ટ કરી દેવા નોર્વેએ તત્પરતા દાખવી છે. આ ટચુકડા દેશ નોર્વેને પણ ગુજરાતમાં વેપાર કરવા રસ પડયો છે.
ગુજરાત ૧૬૧૪ કિ.મી. વિશાળ દરિયાકિનારો ધરાવે છે અને આ દરિયા કિનારે નાના-મોટા ૪૦ બંદરો આવેલા છે જયાં બિઝનેસ માટે વિશાળ તકો રહેલી છે. આ બંદરોને પ્રદુષણ મુકત કરવા અને ઉર્જા ઉત્પાદન કરવા નોર્વેએ રસ દાખવ્યો છે. જણાવી દઈએ કે, નોર્વેના કોન્સ્યુઅલ જનરલ એન ઓલેસ્ટેડ બુધવારે અમદાવાદની મુલાકાત લીધી હતી અને અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ-જીસીસીઆઈની મીટીંગમાં હાજરી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નોર્વે ગુજરાતના બંદરો પર રીન્યુએબલ એનર્જી સોર્સીંગનો ઉપયોગ કરી ઉર્જા ઉત્પાદન કરશે અને આ જ કરારના સંદર્ભે આગામી એપ્રિલ માસના અંતમાં નોર્વેના હાઈ-લેવલ બિઝનેસ ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવવાના છે.
આ બાબતે વધુમાં માહિતી આપતા ઓલેસ્ટેડે જણાવ્યું હતું કે, ગુજરાતના બંદરો પર પ્રદુષણ રહિત ઉર્જા ઉત્પાદિત થશે અને આનાથી દરિયાના પાણીમાં ફેલાતું પ્રદુષણનું સ્તર પણ ઘટશે. આ પ્રકારે પ્રોજેકટ સમગ્ર નોર્વેના બંદરો પર પણ લાગુ કરાયો છે અને ગ્રીન સીપીંગ ટેકનોલોજીનો પ્રસ્તુતપણે ઉપયોગ કરાય છે. આ ઉપરાંત બાયોફયુલના રીસાયકલીંગ માટે પણ નોર્વે આગળ આવ્યું છે તેમજ ગુજરાતમાં ફાર્માસીયુટીકલ્સ (દવાઓના ઉત્પાદન) ક્ષેત્રે પણ કરાર કરવા રસ દાખવ્યો છે. જીસીસીઆઈના પ્રમુખ શૈલેષ પતવારીએ કહ્યું કે, ટેકનોલોજીના બગાડ વગર નોર્વેમાં ઉર્જા ઉત્પાદન થાય છે અને આ પ્રોજેકટના લાગુ થવાથી ગુજરાતના બંદરો તેમજ સમગ્ર ભારતના વિકાસને બુસ્ટર ડોઝ મળશે.
ઉર્જા ઉત્પાદન અને બંદરોને પ્રદુષણ મુકત કરવાની સાથે નોર્વેએ ઉચ્ચતર શિક્ષણમાં પણ નવી તકો ઉભી કરવાનું કહ્યું છે. નોર્વેના કોન્સ્યુઅલ જનરલ ઓલેસ્ટર્રો કહ્યું કે, તેઓ આઈઆઈએમએ અને આઈઆઈટી બોમ્બેની જેમ ભારતમાં હાયર એજયુકેશન આપવા ઈચ્છે છે અને યુનિવર્સિટીઓમાં માસ્ટર લેવલના પ્રોગ્રામો ઉભા કરવા માંગે છે જેથી શિક્ષણની ઉપરાંત, પ્રેકિટસ પણ અન્ય દેશોમાં જઈ કરી શકાય અને બે દેશો વચ્ચેનું બિઝનેશન કલ્ચર વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે.