આજે પુતીન સાથે બેઠક, હથિયારના સોદા થવાની શકયતા
છેલ્લા કેટલાક સમયથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચેની મુલાકાતને લઈને આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ઉગ્ર અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે બંને દેશોએ પુતિન અને કિમની ટૂંક સમયમાં મુલાકાતની પુષ્ટિ કરી છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ રેલ મારફત રશિયાના પ્રવાસે ગયા છે. જ્યાં તેઓ આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે. આ બેઠકે બંને દેશો વચ્ચે સંભવિત શસ્ત્ર સોદાના કારણે પશ્ચિમી દેશોની ચિંતા વધારી દીધી છે.
રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કિમ જોંગ ઉન પુતિનના આમંત્રણ પર રશિયા આવશે અને આ બેઠક આગામી દિવસોમાં થશે. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી કેસીએનએએ પણ કિમ જોંગની પુતિન સાથેની મુલાકાતની પુષ્ટિ કરી છે.
અહેવાલ મુજબ ઉત્તર કોરિયાથી એક ટ્રેન કિમ જોંગ ઉનને લઈને રશિયા માટે રવાના થઈ છે, જ્યાં તે પુતિનને મળવાના છે. દક્ષિણ કોરિયાના સરકારી સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રેન સંભવત: ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી રવિવારે સાંજે રવાના થઈ છે અને મંગળવારે રશિયા પહોંચી છે. દરમિયાન આજે સાંજે કિમ જોંગ અને પુતિન વચ્ચે મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધિકારી જોન કિર્બીએ 30 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે હથિયારોને લઈને વાતચીત આગળ વધી રહી છે કારણ કે પુતિન તેમની ’વોર મશીન’ વધારવા માંગે છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ જ કારણ છે કે હવે રશિયા હથિયારો માટે ઉત્તર કોરિયા સાથે હાથ મિલાવી રહ્યું છે. ઉત્તર કોરિયાએ ગયા વર્ષે જ રશિયાને રોકેટ અને મિસાઈલ આપી હતી.
જોન કિર્બીએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા શસ્ત્રોના વેચાણના બદલામાં રશિયા પાસેથી ટેક્નોલોજી માંગી શકે છે. જો આમ થશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. ઉત્તર કોરિયા પર ઘણા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. પરંતુ જો તેને રશિયા પાસેથી ટેક્નોલોજી મળે તો તે તેના શસ્ત્રાગારમાં વધારો કરી શકે છે.