વિશ્વ પાસે હવે સમય નથી: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચેતવણી
નોર્થ કોરીયા સાથેના જંગમાં અમેરિકા, જાપાન અને સાઉથ કોરીયા તેમજ ચીન અને રશિયા ઝુંકાવે તેવી ભયાનક પરિસ્થિતિ
પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધની ભયંકર ખુવારી વેઠી ચુકેલુ જગત હવે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. હાલ નોર્થ કોરીયાની જીદ અને અમેરિકાની દાદાગીરીના કારણે સમગ્ર વિશ્વ જોખમમાં મુકાઈ ગયુ છે. અવાર-નવાર પરમાણુ-હાઈડ્રોઝન બોમ્બના અખતરા કરતા નોર્થ કોરીયાને દાબમાં રાખવા અમેરિકા વારંવાર ચિમકી ઉચ્ચારે છે. પરમાણુ હથિયારથી ભયભીત અમેરિકા ગમે ત્યારે નોર્થ કોરીયા પર હુમલો કરી દે તેવી શકયતા છે. બીજી તરફ નોર્થ કોરીયા પણ અમેરિકા ઉપર પરમાણુ બોમ્બ ઝીંકી સમગ્ર વિશ્વને પરમાણુ યુદ્ધમાં સંડોવી દે તેવી દહેશત છે.
અમેરિકાએ નોર્થ કોરીયાની સરહદે સાઉથ કોરીયામાં સુપર સોનિક બોમ્બર વિમાનોની કવાયત પણ શરૂ કરી દીધી છે. જેનાથી છંછેડાયેલું નોર્થ કોરીયા તેના પરંપરાગત શત્રુ સાઉથ કોરીયા, અમેરિકા કે જાપાન સાથે યુદ્ધમાં ઉતરી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નોર્થ કોરીયાના માથા ફરેલ શાસક કિંમ જોંગ ઉનના કારણે વિશ્વ આખુ યુદ્ધમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિમાં છે.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સત્તા પર આરૂઢ થયા બાદ નોર્થ કોરીયાને દબડાવવાના કોઈ પ્રયાસ ચુકતા નથી. વૈશ્ર્વિકસ્તરે ધાક જમાવવા અને અમેરિકામાં રાજકીય લાભ ખાટવાની નીતિથી ટ્રમ્પ નોર્થ કોરીયા પ્રત્યે વધુ ઉગ્ર વલણ દાખવે છે. ટ્રમ્પે એશિયન દેશોને પણ નોર્થ કોરીયા સામેના યુદ્ધમાં તૈયાર રહેવા તાકીદ કરી છે. હવે પુરતો સમય ન હોવાનો ટ્રમ્પનું કહેવું છે.
નોર્થ કોરીયા અને અમેરિકાની ખેંચતાણથી અન્ય દેશો મુંઝવણમાં મુકાઈ ગયા છે. આ બન્ને વચ્ચેનું યુદ્ધ ભારે વિનાશ સર્જશે. અમેરિકાની પડખે સાઉથ કોરીયા, જાપાન સહિતના દેશો રહેશે જયારે નોર્થ કોરીયાને રશિયા અને ચીન જેવા દેશો સીધો કે અડકતરો સાથ દેશે. પરિણામે સમગ્ર વિશ્વ યુદ્ધમાં સમેટાઈ જશે.