- 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ: સૌથી વધુ અમરેલીના બગસરામાં સાડા ત્રણ ઈંચ જયારે દ્વારકાના ભાણવડ અને ખંભાળીયામાં અઢી ઈંચ વરસાદ
ગુજરાતમાં નવરાત્રી પુરી થઈને દિવાળી આવવાની તૈયારીમાં છે છતાં પણ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ છે.24 કલાકમાં ગુજરાતના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના બગસરામાં સાડા ત્રણ ઈંચ જયારે દ્વારકાના ભાણવડ અને ખભાળિયામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદ શરૂ થયો છે. નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વરસી શકે છે. ગઇકાલે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાંપટા પડ્યા હતા, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. હવે આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે આગામી 24 કલાકમાં સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર બનશે. જેના કારણે 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની વકી છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. જોકે આવતીકાલ પછી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ શકે છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.
હવામાન વિભાગ અનુસાર, આજે પણ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે. તાજા અપડેટ પ્રમાણે, આજનો દિવસ પણ ગુજરાતના ખેડૂતો માટે ભારે રહેવાનો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ ફરી એકવાર તંત્ર એલર્ટ મોડમા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ખાતે અમુક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
15મી તારીખ અને મંગળવારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
લાલપુરના ગજણા ગામે વિજળી પડતા શ્રમિક યુવક અને માસૂમ બાળકનું મોત
જામનગર શહેર સહિત હાલારમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદે મુકામ કરતા સાર્વત્રિક અડધાથી ત્રણ ઇંચ સુઘીનો વરસાદ પડયો હતો.લાલપુર પંથકમાં સોમવારે વરસાદ સાથે આકાશી આફત પણ વરસી પડતા માસુમ બાળક સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો હોવાનુ સામે આવ્યુ છે.જયારે ગ્રામ્ય પંથકમાં જુદા જુદા બનાવમાં આકાશી વિજળી પડતા પાંચ શ્રમિક સહિત છ લોકો ઘવાયા હતા.જામનગર શહેર સહિત જીલ્લાભરમાં સોમવારે આસો માસમાં અષાઢી આડંબર સાથે મેઘરાજાએ મુકામ કર્યો હતો જેમાં લાલપુર પંથકમાં બપોર બાદ વિજળી કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો.જેમાં ગજણા ગામે જુમાભાઇ આદમભાઇ નામના ખેડુતની વાડીમાં કામ કરતા પરબતભાઇ દાનાભાઇ સોલંકી (ઉ.વ. 45) અને રવિ મુનાભાઇ વાઘેલા (ઉ.વ. 7)ના આકાશી વિજળી પડતા મૃત્યુ નિપજયા હતા. આ બંને વ્યકિતએ ઘટનાસ્થળ પર જ જીવ ગુમાવ્યા હોવાનુ સામે આવ્યુ છે.જેના મૃતદેહોને પોષ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.બનાવના પગલે લાલપુર પોલીસ મથકના અજયસિંહ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી.