પાલીતાણા તીર્થ સ્થળની સુરક્ષા માટે ગુજરાત સરકારે તળેટીમાં ખાસ પોલીસ ટિમ મૂકી, ગિરિડીહ સ્થિત જૈન તીર્થસ્થાન સમેત શિખરજીને પ્રવાસન સ્થળ બનાવવાનો નિર્ણય પાછો ખેંચવાની ઝારખંડ સરકારની તૈયારી
પાલીતાણા તીર્થ સ્થળની સુરક્ષા અને સમેત શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાનો નિર્ણય પાછો લેવાની માંગ સાથે દેશભરમાં જૈનોએ અહિંસક આંદોલન છેડયું હતું. આ આંદોલનથી ગુજરાત અને ઝારખંડ સરકાર ઝૂકી છે અને માંગ સંતોષવા તૈયાર થઈ છે.
પાલીતાણા તીર્થ સ્થળની સુરક્ષાને લઈને સરકારની ઢીલી નીતિ સામે જૈનો લાલઘૂમ થયા હતા. જેને પગલે અનેક શહેરોમાં મોટી સંખ્યામાં જૈનોએ શેત્રુંજય રક્ષા મહારેલી કાઢી આવેદનો પાઠવ્યા હતા. જેમાં પ્રભુના પ્રાચીન પગલાંને નુકસાન પહોંચાડનાર , થાંભલા અને કેમેરાની તોડફોડ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદે ખનન, દારૂની પ્રવૃત્તિ સહિતના કૃત્યો બંધ કરાવવાની માંગ કરાઈ હતી.
આ મહારેલીને પગલે સરકાર દ્વારા શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે તળેટી ખાતે સ્પેશિયલ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં 1 પીએસઆઇ, 2 એએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલ ખડેપગે રહેશે. તો સાથે ટ્રાફિક નિયમન માટે 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડ્સ, અને 8 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત સ્પેશિયલ ટીમ ડિવાયએસપી કક્ષાના અધિકારીની સીધી દેખરેખમાં રહેશે. આ ટીમ પાલીતાણા પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું નિયમન કરશે.
બીજી તરફ ઝારખંડના ગિરિડીહ સ્થિત જૈન તીર્થસ્થાન સમેત શિખરજીને પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાના નિર્ણયને પાછો ખેંચવાની દેશભરમાં માંગ ઉઠી હતી. તીર્થ સ્થળ સમેદ શિખર જીને બચાવવા વિશ્વ જૈન સંગઠનના બેનર હેઠળ રવિવારે હજારો લોકોએ ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી હતી. બધા રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિને મળીને પોતાની સમસ્યાઓ જણાવવા માંગતા હતા, પરંતુ પોલીસ પ્રશાસને ઈન્ડિયા ગેટ પર જ તેમને રોક્યા. વાસ્તવમાં સકલ જૈન સમાજના તીર્થયાત્રીઓ ઈન્ડિયા ગેટ પર એકઠા થયા હતા. આને જોતા પોલીસે દિલ્હી બોર્ડર, લાલ કિલ્લો, રાજઘાટ, પ્રગતિ મેદાનમાં જ દિલ્હી અને દિલ્હી બહારથી આવતી બસોને રોકી હતી.
આ આંદોલનની અસરથી ઝારખંડ સરકારે હવે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાનો નિર્ણય પાછો ખેંચવાની તૈયારી દર્શાવી છે. પર્યટન સ્થળ જાહેર કરવાની દરખાસ્ત રઘુબર દાસની આગેવાની હેઠળની અગાઉની ભાજપ સરકાર દ્વારા 2019 માં લાવવામાં આવી હતી, જેના પછી કેન્દ્રએ આ વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન તરીકે સૂચિત કર્યો હતો. જો જરૂર પડશે, તો અમે અગાઉની સૂચનાને રદ કરવા અથવા નવી સૂચના જારી કરવાનું વિચારીશું. સીએમ હેમંત સોરેન સાથે પરામર્શ કર્યા પછી રાજ્યના પ્રવાસન મંત્રી હફિઝુલ હસને જણાવ્યું હતું.