• સત્યના માર્ગ પર વ્યક્તિ બે ભૂલો કરે છે : તે યાત્રા પૂર્ણ કરતો જ નથી અથવા તો મુસાફરી જ શરૂ કરતો નથી

ભગવાન બુદ્ધ એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા.તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ ધરતી માતાની જેમ સહનશીલ થવું જોઈએ અને માફી માંગવામાં સંકોચ ન કરવો જોઈએ.ગુસ્સો એવી આગ છે જેમાં ક્રોધ કરનાર બીજાને તો બાળે જ છે પરંતુ તેની સાથે તે ખુદ પણ બળી જાય છે.સભામાં બધા શાંતિથી બુદ્ધની વાણી સાંભળી રહ્યા હતા,પરંતુ ત્યાં સ્વભાવથી ખૂબ ગુસ્સાવાળો એક વ્યક્તિ પણ બેઠો હતો જેને આ બધી વાતો અર્થહીન લાગી રહી હતી. તે થોડીવાર આ બધું સાંભળતો રહ્યો પછી અચાનક જ ગુસ્સે થઈને બોલવા લાગ્યો,તું ઢોંગી છો.મોટી મોટી વાતો કરવી તારું કામ છે.તું લોકોને મૂંઝવી રહ્યો છો.તારી આવી વાતોનો આજના સમયમાં કોઈ અર્થ નથી.

આવી કડવી વાતો સાંભળીને પણ બુદ્ધ શાંત રહ્યા.તેની વાતોથી ન તો તે દુ:ખી થયા,ન તો કોઈ પ્રતિક્રિયા આપી.આ જોઈને તે વ્યક્તિ વધારે ગુસ્સે થયો અને તે બુદ્ધના મોઢા પર થુંકીને જતો રહ્યો.બીજા દિવસે જ્યારે તે વ્યક્તિનો ગુસ્સો શાંત થયો તો તે પોતાના ખરાબ વ્યવહારના કારણે પસ્તાવાની અગ્નિમાં બળવા લાગ્યો અને તે બુદ્ધને શોધતો શોધતો તે સ્થળ પર પહોંચ્યો,પરંતુ બુદ્ધ ક્યાં મળવાના,તે તો પોતાના શિષ્યોની સાથે નજીકના બીજા ગામ જવા નીકળી ગયા હતા.વ્યક્તિએ બુદ્ધ વિશે લોકોને પૂછ્યું અને શોધતા – શોધતા જ્યાં બુદ્ધ પ્રવચન આપી રહ્યા હતા ત્યાં સુધી પહોંચી ગયો. બુદ્ધને જોતા જ તે તેમના પગમાં પડી ગયો અને બોલ્યો,’મને માફ કરી દો,પ્રભુ !’

બુદ્ધે પૂછ્યું,’કોણ છો ભાઈ ? તમને શું થયું છે ? તમે શા માટે માફી માંગી રહ્યા છો ?’ તેણે કહ્યું, ’શું તમે ભૂલી ગયા ? હું એ જ વ્યક્તિ છું,જેણે ગઈકાલે તમારી સાથે ખરાબ વર્તન કર્યું હતું.હું મારા કાલના વ્યવહાર માટે શરમ અનુભવ છું.હું મારા ખરાબ વ્યવહારની માફી માંગવા આવ્યો છું.’ ભગવાન બુદ્ધે પ્રેમપૂર્વક કહ્યું,’ગઈકાલ તો હું ત્યાં જ મૂકીને આવી ગયો અને તું હજુ પણ ત્યાં જ અટક્યો છો ? તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો,તે પસ્તાવો કરી લીધો,તું નિર્મળ થઈ ગયો.હવે તું આજમાં પ્રવેશ કર.ખરાબ વાતો અને ખરાબ ઘટનાઓ યાદ કરતા રહેવાથી વર્તમાન અને ભવિષ્ય બંને બગડી જાય છે. ગઈકાલના કારણે આજને ખરાબ ન કરો.’    તે વ્યક્તિનો બધો ભાર ઉતરી ગયો.તેણે ભગવાન બુદ્ધના પગ પકડીને ક્રોધ ત્યાગ તથા માફી માંગવામાં સંકોચ ન કરવાનો સંકલ્પ લીધો.બુદ્ધે તેના માથા પર આશિષનો હાથ રાખ્યો.તે દિવસથી તેમાં પરિવર્તન આવ્યું અને તેના જીવનમાં સત્ય,પ્રેમ અને કરુણાનો ભાવ વહેવા લાગ્યો.

ભારતમાં જુદા જુદા ધર્મમાં માનનારા લોકો રહે છે. જેમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ સામેલ છે. બૌદ્ધ ધર્મ એક પ્રાચીન ભારતીય ધર્મ છે.આજના સમયમાં દુનિયાના મુખ્ય ધર્મમાંથી એક છે.આ ભારતની પરંપરામાંથી આવેલો ધર્મ અને દર્શન છે.બૌદ્ધ ધર્મની સ્થાપના તથાગત ભગવાન બુદ્ધે આશરે 2600 વર્ષ પહેલાં કરી હતી.બુદ્ધનો જન્મ ઈ.સ.પૂર્વે 563 અને મૃત્યુ ઈ.સ.પૂર્વે 483 માનવામાં આવે છે.બુદ્ધનો જન્મ નેપાળના લુંબીનીમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે એક બગીચામાં થયો હતો.29 વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ,એક રોગી વ્યક્તિ,એક સડી રહેલું મડદું અને એક સાધુને જોયા.આની તેમના માનસ પર ઊંડી અસર થઈ.જીવનના આ દુ:ખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યુ.સંન્યાસ ગ્રહણ કરી ઘણા સમય સુધી કઠોર તપસ્યા કરી.સન્યાસી જીવન દરમિયાન આનાપાન – સતી (શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા)ના અભ્યાસ દ્વારા 36 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમાની રાત્રે પીપળાના વૃક્ષની નીચે બોધી પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા.આ સ્થળ હાલમાં બુદ્ધગયા કે બોધિગયા(બિહાર)તરીકે ઓળખાય છે. ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો.લગભગ 45 વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ઉપદેશ આપ્યો.

સત્તાવાર રીતે વિશ્વના છ દેશો બૌદ્ધ રાષ્ટ્રો છે. ભૂતાન,કંબોડિયા,શ્રીલંકા,થાઈલેન્ડ,લાઓસ અને મ્યાનમાર.તો બીજી તરફ મંગોલિયા,કાલ્મિકીયા અને ચીન વિશ્વના એવા દેશો છે જે સત્તાવાર બૌદ્ધ રાષ્ટ્રો નથી,પરંતુ બૌદ્ધ ધર્મને સમર્થન આપે છે અને તેનો પ્રચાર કરે છે.આ ઉપરાંત જાપાન,કોરિયા,થાઈલેન્ડ,નેપાળ અને ભારત જેવા દેશોમાં બૌદ્ધ ધર્મને માનનારા લોકોરહે છે.

બૌદ્ધ ધર્મ ત્રણ મૂળભૂત ખ્યાલોમાં માને છે : 1.કંઈ પણ કાયમી નથી.2.બધી ક્રિયાઓના પરિણામો હોય છે.3.તેને બદલવું શક્ય છે.બૌદ્ધ ધર્મમાં અન્ય ધાર્મિક પ્રથાઓની જેમ વ્યક્તિએ એક સર્જક દેવ અથવા દેવતાઓમાં વિશ્વાસ કરવાની જરૂર નથી.

ગૌતમ બુદ્ધની વિચારધારા અને ઉપદેશ વિશ્વના કલ્યાણ માટે હતા.તેમના ઉપદેશો હારેલાને પણ લડવા માટે પ્રોત્સાહિત કરતા હતા.અહિંસા,સમતા અને એકતા તેમના દ્વારા સ્થાપિત બૌદ્ધ ધર્મના મુખ્ય સ્તંભો છે.તેમના જીવનકાળ દરમિયાન ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણું કામ કર્યું હતું.ઘણી જગ્યાએ તેમણે લોકોને ઉપદેશ આપ્યો હતો.ગૌતમ બુદ્ધની મહેનતના પરિણામે આજે બૌદ્ધ ધર્મ વિશ્વના સૌથી પ્રાચીન અને આદરણીય ધર્મોનો એક માનવામાં આવે છે.

ગૌતમ બુદ્ધના કેટલાક વિચારો પર નજર કરીએ : તેઓ કહેતા કે જીવનમાં હજારો યુદ્ધો જીતવા કરતા તમારી જાત પર વિજય મેળવવો વધુ સારો છે.આ રીતે મેળવેલી જીત હંમેશા તમારી જ રહેશે.તેને કોઈ તમારી પાસેથી છીનવી નહીં શકે.દુષ્ટતાનો ક્યારેય દુષ્ટતા સાથે અંત થતો નથી.પ્રેમથી જ નફરતનો અંત આવી શકે છે.શત્રુ અને વેરીથી જે નુકસાન થાય છે, તેનાં કરતાં ખોટા માર્ગે ચાલનારું મન વધુ નુકસાન પહોંચાડે છે.ક્રોધને પકડી રાખવો એ કોઈ બીજા પર ફેંકવાના ઈરાદાથી ગરમ કોલસાને પકડી રાખવા જેવું છે,તે તમને બાળી નાખશે.જેણે મનને વશ કર્યું છે,તેના વિજયને દેવતાઓ પણ પરાજયમાં બદલી શકતા નથી.ખોટાં કાર્યો મનમાંથી ઉત્પન્ન થાય છે.બધી ખોટી ક્રિયાઓ પણ મનમાંથી ઉદ્ભવે છે.જો મન બદલાઈ જાય તો પછી કંઈપણ ખોટું રહેતું નથી.તમને જે મળ્યું છે,તેનું મૂલ્યાંકન ન કરો અથવા અન્યોની ઈર્ષા ન કરો.જે લોકો અન્યોની ઈર્ષા કરે છે તેઓને ક્યારેય મનની શાંતિ મળતી નથી.વ્યક્તિ સત્યના માર્ગ પર બે જ ભૂલ કરે છે;કાં તો તે યાત્રા પૂર્ણ કરતો નથી અથવા તો મુસાફરી જ શરૂ કરતો નથી.ભૂતકાળમાં ડૂબી જશો નહીં,ભવિષ્યના સપનામાં ખોવાઈ જશો નહીં,વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો.ખુશ રહેવાની આ રીત છે.શબ્દોની પસંદગી કાળજી પૂર્વક કરવી જોઈએ.સાંભળનાર વ્યક્તિ પર તેની સારી કે ખરાબ અસર થાય છે તેનો વિચાર કરવો જોઈએ.અનુશાસન વગરનું મન જેટલું અનાજ્ઞાકારી નથી અને શિસ્તબદ્ધ મન જેટલું આજ્ઞાકારી નથી.સાચો પ્રેમ સમજણમાંથી જન્મે છે. તમે ગમે તેટલા પવિત્ર શબ્દો વાંચો કે બોલો પરંતુ જ્યાં સુધી તમે તેનો અભ્યાસ ન કરો ત્યાં સુધી તેનો કોઈ ફાયદો નથી.  આ વિચારોને ફક્ત વાંચીને છોડી દેવાનો કોઈ અર્થ નથી.આ એવા ગુણ છે જેને તમે જીવનમાં અપનાવી શકો અને આદર્શ જીવન જીવી શકો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.