આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવા ગત સોમવારે ભાજપના નિરીક્ષકોની ચાર ટીમ દ્વારા કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવી હતી.શિસ્ત અને સંયમની દુહાઈ દેતી ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ફાળવણી પૂર્વે જ અસંતોષની આગ ફાટી નીકળી છે. જેના પર શહેરના તમામ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો જીતાડવાની જવાબદારી રહેલી છે. તે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના વોર્ડમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે.રૂપાબેન શીલુને રીપીટ ન કરવાની માંગ ઊઠી રહી છે.જો તેઓને ફરી ટિકીટ આપવામાં આવશે તો અનેક સોસાયટીઓના લોકો ભાજપ સાથે નહીં રહે તેવું નિરીક્ષકોને મોઢે મોઢ પરખાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપના ૧૨ પ્રદેશ નિરીક્ષકોની ૪ ટીમ દ્વારા ગત સોમવારે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં એકંદરે સંપૂર્ણ શાંતિ વચ્ચે કાર્યકરોએ સંભવિત ઉમેદવારોના નામ નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા.શહેરના ૧૮ પૈકી ૧૭ વોર્ડમાં જાણે સમરસ ચાલી રહ્યુ હોય તેમ તમામ આગેવાનો કાર્યકરો અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપ્યા બાદ એક સૂરે એવું કહ્યું હતું કે આપની સમક્ષ જે નામ આવે છે તેમાંથી કોઈપણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો અમને કશો જ વાંધો નથી. કાર્યકરમાંથી ઉમેદવાર બનનાર વ્યક્તિને અમે ખભે બેસાડીને જીતાડી દેશુ અને ફરી કોર્પોરેશનમાં કમળ ખીલવીશું તો બીજી તરફ વોર્ડ નં.૯ કે જે શહેર ભાજપના સેનાપતિ કમલેશ મીરાણીનો મત વિસ્તાર છે.ત્યાંથી અસંતોષની આગના ધુમાડા ઉડતા દેખાયા હતા.રવિ રત્ન પાર્ક અને વસંત વિહાર સોસાયટીના આગેવાન આર.સી.પટેલ સહિતના ૬૦થી ૭૦ મહિલાઓ અને પુરુષોના એક પ્રતિનિધિ મંડળ બપોરે નિરીક્ષક સમક્ષ એવી રજૂઆત કરી હતી કે ગત ટર્મમાં વોર્ડમાંથી જીતેલા રૂપાબેન શિલુએ વોર્ડવાસીઓના એક પણ કામ કર્યા નથી.હવે તેઓને ફરી ટિકિટ આપવામાં ન આવે અન્ય ત્રણ પૂર્વ કોર્પોરેટરો પૈકી ગમે તેને રિપીટ કરવામાં આવે તો અમને કશો જ વાંધો નથી.જો પક્ષ અમારી રજુઆતને ધ્યાનમાં નહીં લે અને રૂપાબેન શીલુને ફરી ટિકિટ આપશે તો અમે ભાજપની સાથે ઊભા નહીં રહીએ. રૂપાબેન શીલુને સ્થાને કડવા પટેલ સમાજના જાગૃતીબેન ભાણવડીયાને ટિકિટ આપવાની આ પ્રતિનિધિ મંડળ માગણી કરી હતી.સાથોસાથ વોર્ડ નં.૯ માં કમલેશભાઈ મીરાણી, પ્રવિણભાઇ મારૂ, જાગૃતીબેન ભાણવડીયા અન્ય કોઈપણ જ્ઞાતિની મહિલા ઉમેદવારને લઈ પેનલ બનાવવામાં આવે તો અમને કોઈજ પ્રકારનો વાંધો નથી. વોર્ડવાસીઓને એકમાત્ર રૂપાબેન શીલુ સામે વાંધો હોવાનું તેઓએ નિરીક્ષક સમક્ષ સ્પષ્ટ જણાવ્યું હતું.અન્ય એકપણ પૂર્વ કોર્પોરેટર સામે વાંધો ન હોવાનું પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શાંતિપૂર્ણ માહોલમાં સેન્સ આપવા બદલ કાર્યકરોને અભિનંદન તો ચોક્કસ પાઠવી દીધા હતા.પરંતુ બપોર પછી તેના જ વોર્ડમાંથી અસંતોષની આગે લબકારા મારવાનું શરૂ કર્યું હતું.આ વિષય હાલ શહેર ભાજપમાં ચર્ચાની એરણ છે. વોર્ડ નંબર ૯ માંથી કુલ ૨૫ લોકોએ કમળ પ્રતીક પરથી ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી છે. જોકે નિરીક્ષકો સમક્ષ અસંતોષની લાગણી વ્યક્ત થવા લાગી છે હવે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આ આગ એટલી પ્રબળ બને છે તે જોવાનું રહેશે.
આર.સી.પટેલને મારી સામે વ્યક્તિગત વાંધો હોવાના કારણે મારો વિરોધ કરે છે: રૂપાબેન શીલુ
વોર્ડ નં.૯માંથી દાવેદારી ફોર્મ ભરનાર ત્રણ મહિલાઓને મેં અને મારા પતિએ ધમકાવી હોવાની વાત પણ તદ્ન ખોટી:પાટીદાર સમાજ મારી સાથે જ છે
વોર્ડ નં.૯ના પૂર્વ કોર્પોરેટર રૂપાબેન શીલુએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વોર્ડ નં.૯માંથી ભાજપ મને ફરી ટીકીટ આપે તેની સામે કોઈને વાંધો નથી. આર.સી.પટેલને મારી સામે વ્યક્તિગત વાંધો હોવાના કારણે તેઓ વિરોધ કરી રહ્યાં છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન વોર્ડ નં.૯માંથી ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક બ્રાહ્મણ સમાજની ત્રણ મહિલાઓએ ફોર્મ ભર્યા હતા. જેને મેં અને મારા પતિએ ઘેર જઈને ધમકાવ્યા હોવાની વાત તદન જુઠી અને પાયાવિહોણી છે. હું હંમેશા લોકોના કામો કરવા માટે તત્પર રહુ છું, અગાઉ આર.સી.પટેલે મને એક કામ સોંપ્યું હતું જેના માટે મેં ઈન્કાર કરતા તેઓ મારો વિરોધ કરી રહ્યાં છે. વોર્ડ નં.૯માં પાટીદાર સમાજ મારી સાથે છે અને મને ફરી ટીકીટ આપે તેની સામે એકજ વ્યક્તિને વિરોધ છે. બાકી આખો વોર્ડ મારી તરફેણમાં છે. મેં હંમેશા લોકઉપયોગના કામો માટે જ ગ્રાન્ટ ખર્ચી છે. આર.સી.પટેલ નિરીક્ષકો સમક્ષ પોતાના માણસોને લઈ જઈને ખોટે ખોટો મારો વિરોધ કરી રહ્યાં છે.
ચૂંટણી લડવાની દાવેદારી કરનાર ત્રણ મહિલાઓને શીલુ દંપતીએ ધમકાવ્યાંની ફરિયાદ
ગત સોમવારે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં શહેરના વોર્ડ નં.૯ માંથી કુલ ૨૫ વ્યકિતઓએ ચૂંટણી લડવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. બ્રાહ્મણ સમાજની ત્રણ મહિલાઓએ વોર્ડ નંબર ૯ માથી ચૂંટણી લડવા માટે ફોર્મ ભરતા વોર્ડના પૂર્વ કોર્પોરેટર રૂપાબેન શીલુ અને તેમના પતિદેવે ત્રણેય મહિલાઓના ઘરે જઈ ધમકાવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. રક્ષાબેન વાયડા,દેવયાનીબેન માંકડ અને ધારાબેન જોષીએ વોર્ડ નં.૯માંથી ચૂંટણી લડવા માટે પક્ષ નક્કી કરેલું ફોર્મ ભર્યું હતું.જેની જાણ થતા રૂપાબેન શીલુ અને તેમના પતિ ડો.શીલુ આ ત્રણેય મહિલાઓના ઘરે પહોંચી ગયા હતા અને તેઓને તતડાવી નાખી હતી. પોતે ગમે તેમ કરી ટિકિટ લઈ આવશે. તેવી ધમકી ભરી ભાષામાં વાત કરી હતી.એક તબક્કે તો રૂપાબેન શીલુંએ એવું પણ કહ્યું હતું કે હું તમને ભાજપમાં લાવી છું અને તમે મારી સામે જ ફોર્મ ભર્યું હવે તમે જોઈ લેજો શું પરિસ્થિતિ નું નિર્માણ થાય છે.