ઉમેદવારો – સુપરવાઇઝર માટે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટસ પર પ્રતિબંધ: પરીક્ષા કેન્દ્ર આસપાસ ઝેરોક્ષ મશીન બંધ રાખવા કડક સૂચન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં રવિવારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા ગોઠવાશે ત્યારે રાજકોટમાં ૫૩૩૮૬ ઉમેદવારો પરીક્ષા આપશે. જેના માટે શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડી પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રવેશબંધી ફરમાવી છે. ઉમેદવારોની સાથે સુપરવાઇઝર પણ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે. પરીક્ષા શાંતિપૂર્વક યોજાય તે માટે રાજકોટ સહિત રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત ૨૦ ઓક્ટોબરના લેવાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા સરકારે રદ કરતાં ભારે હોબાળો થયો હતો ત્યારે હવે આ પરીક્ષા તા.૧૭મી નવેમ્બરે લેવાશે. જેમાં રાજકોટમાં ૧૭૭ બિલ્ડીંગના ૧૭૮૦ બ્લોકમાંથી ૫૩૩૮૬ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજકોટના ત્રણ ઝોન પરથી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે. પહેલા સદગુરુ મહિલા હોમસાયન્સ કોલેજ યુનિટ ૧ અને ૨ તથા જે.કે.પાંધી લો કોલેજ એમ કુલ ત્રણ ઝોન પરથી પરીક્ષા લેવાની હતી. જોકે આ ત્રણેય પરીક્ષા કેન્દ્ર પર હવે તા.૧૭મીએ જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા લેવાનારી હોવાથી ત્રણેય ઝોન બદલવામાં આવ્યા છે. હવે જી.કે.ધોળકિયા સ્કૂલ ( પંચાયતનગર બસસ્ટોપ, સીટ નં. ૧૫૦૦૮૩૯૭૨૬ થી ૧૫૦૦૮૪૦૦૨૫), નવયુગ સ્કૂલ (૯, હાથીખાના મેઈન રોડ, સીટ નં. ૧૫૦૦૮૪૦૦૨૬ થી ૧૫૦૦૮૪૦૩૨૫) અને આત્મીય યુનિવર્સિટી (બી વિંગ, યુનિટ – ૪, કાલાવડ રોડ, સીટ નં. ૧૫૦૦૮૪૦૩૨૬ થી ૧૫૦૦૮૪૦૭૭૫) પરથી પરીક્ષા લેવાશે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા તા.૧૭મીએ બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમ્યાન લેવાશે.
સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પરીક્ષાને અનુલક્ષી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જે રવિવારે સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધી લાગુ રહેશે. તે સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પાબંધી ફરમાવી છે. આસપાસ ઝેરોક્ષ મશીન પણ બંધ રાખવાના રહેશે. પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લાગતું સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ લઈ જવા નહીં તેમજ સુપરવાઈઝરે પણ મોબાઈલ લઈ જવાનો રહેશે નહીં. શાળાના સ્થળ સંચાલક, સુપરવાઇઝર, સરકારી પ્રતિનિધિ અને વર્ગ – ૪ ના કર્મચારીઓએ પણ ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે.