ઇન્ચાર્જ કુલપતિ ડો.ડોડીયાના સમયમાં લેવાયેલા નિર્ણયનો ડો.દવે અને ડો.પેથાણીએ પણ નથી કર્યો અમલ: આધ્યાપકોની સાથે નોનટીચિંગના અધિકારીઓને પણ લીલાલહેર: કરાર પર કામ કરતા કર્મચારીઓની હાજરી બાયોમેટ્રિકથી નોંધવાનો કડક નિયમ!!!
પ્રાથમિક શાળાના શિક્ષકો બાયોમેટ્રિક સિસ્ટમથી પુરે છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો મસ્ટરમાં સાઇન કરી હાજરી પુરે છે. અધ્યાપકો ગેરહાજર રહેતા હોવાની સમસ્યા દૂર કરવા એક વર્ષ પહેલાં ઇન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડીયા દ્વારા બાયોમેટ્રિક મશીન નાંખવાનો નિર્ણય લેવાયો હતો જોકે આજ દિન સુધી ઇન્ચાર્જ કુલપતિ ડો.ડોડીયાના સમયમાં લેવાયેલા નિર્ણયનો ડો.દવે અને ડો.પેથાણીએ પણ અમલ કર્યો નથી. જેને લીધે અધ્યાપકોની સાથે સાથે નોનટીચિંગ અધિકારીઓને પણ લીલા લહેર થઈ ગયા છે. જ્યારે તેનાથી ઉલટું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર પર કામ કરતા કર્મચારીઓની હાજરી બાયોમેટ્રિકથી નોંધવાનો કડક નિયમ બનાવવામાં આવ્યો છે.
હાલ સરકારી પ્રાથમીક સ્કૂલોમાં શિક્ષકો ફેઈસ ડિટેક્ટર મારફત હાજરી પૂરી રહ્યા છે અને યુનિવર્સિટીના અધ્યાપકો મસ્ટરમાં સાઈન કરી હાજરી પૂરી રહ્યા છે. યુનિવર્સિટીમાં જૂની પુરાણી સિસ્ટમ વર્ષોથી ચાલી આવી છે. જેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. યુનિવર્સિટીમાં મામૂલી પગાર મેળવતા પ્લેસમેન્ટના કર્મચારીઓ માટે બાયોમેટ્રીક મશીન મુકાયા છે. જ્યારે લાખોનો પગાર મેળવતા અધ્યાપકો અને નોન ટીચિંગના અધિકારીઓ માટે આવો કોઈ નિયમ નથી. યુનિવર્સિટીના ૩૨ ભવનમાં કેટલાક અધ્યાપકો એવા છે કે જેઓ યુનિવર્સિટીમાં સમયસર આવતા નથી. નોન ટીચિંગમાં પણ કેટલાક અધિકારીઓ પોતાને મન પડે તે સમયે આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અ + ગ્રેડ મેળવવા માટે ’નેક’ મૂલ્યાંકનમાં જઈ રહી છે તેવા સમયે ડિજિટલ હાજરીને બદલે મસ્ટરમાં સાઈન કરી હાજરી પૂરવાની પધ્ધતિથી નુકશાન થઈ શકે તેમ છે. પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ ડો. કમલ ડોડીયાએ યુનિવર્સિટીના દરેક ભવનમાં બાયોમેટ્રીક મશીન મૂકવાની જાહેરાત કરી હતી
ત્યારબાદ ઈન્ચાર્જ કુલપતિ ડો. નીલાંબરી દવેએ ૧૦ માસ કારભાર સંભાળ્યો અને છેલ્લા ૨ માસથી કાયમી કુલપતિ ડો. નીતિન પેથાણી બિરાજમાન છે. જોકે એક વર્ષ બાદ પણ બાયોમેટ્રીક મૂકવાનો નિયમ અધ્ધરતાલ રખાયો છે ત્યારે નવનિયુક્ત કુલપતિ પેથાણી તાત્કાલિક દરેક ભવન અને નોન ટીચિંગ સ્ટાફના અધિકારીઓ માટે બાયોમેટ્રીક હાજરીની પધ્ધતિ દાખલ કરે તે જરૂરી છે. એક તરફ સરકારી પ્રાથમીક શિક્ષકો ડિજિટલ હાજરી પૂરી અપગ્રેડ થઈ રહ્યા છે તો બીજી તરફ અધ્યાપકોએ મસ્ટરમાં સાઈન કરી હાજરી પુરવાની જૂની પધ્ધતિને પકડી રાખી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાવનોમાં તાત્કાલીક પણે બાયોમેટ્રિક મશીન મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
બાયોમેટ્રિક મશીનનો ખર્ચ આવ્યા બાદ નિર્ણય કરાશે: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો મસ્ટર સાઈન કરી હાજરી પુરે છે ત્યારે એક વર્ષ પહેલાં બાયોમેટ્રિક મશીન નાંખવાનો નિર્ણય લેવાયો હતો જોકે હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પણ ભવનમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી નથી. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનકુમાર પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એકવર્ષ પહેલાં લેવાયેલા નિર્ણયને લાગુ કરવાની વાત હાલ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનમાં બાયોમેટ્રિક હાજરી અમલમાં મુકાય તેની કામગીરી ચાલી રહી છે અને આ માટે કમ્પ્યુટર સેન્ટર પાસેથી ૩૧ ભવનમાં બાયોમેટ્રિકનો કેટલો ખર્ચ થાય તેનું લિસ્ટ મંગાવ્યું છે અને ખર્ચ આવ્યા બાદ તુરંત જ નિર્ણય કરવામાં આવશે.
નવા સત્રથી બાયોમેટ્રિક પદ્ધતિનો અમલ થાય તેવી માંગ: ડો.નિદત બારોટ
વાર્ષિક દોઢ લાખથી અઢી લાખ સુધીનો પગાર મેળવતાં આધ્યાપકોએ સ્વૈચ્છિક રીતે સામેથી બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પૂરવાની વાત કાર્યકારી કુલપતિ ડો.કલમ ડોડીયાને કરી હતી. જ્યારે અધ્યાપકોને આ અંગે કશો જ વાંધો ન હોય અને તેઓએ સામેથી માંગણી કરી હોય ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી તંત્રએ તાત્કાલિક તેનો અમલ કરવો જોઈએ. વહિવટી તંત્ર અમલ કરવામાં નિષ્ફળ રહ્યું છે માટે ચૂંટણી બાદ તાત્કાલીક નવા સત્રથી બાયોમેટ્રિક હાજરીનો અમલ થાય તેવી માંગણી છે.
બાયોમેટ્રિક હાજરીથી સમય–સુચકતા જળવાઈ રહેશે: નિહિર રાવલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના વડા ડો.નિહિર રાવલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાયોમેટ્રિક હાજરીનો જો અમલ થાય તો સમય સુચકતા જળવાઈ રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જો બાયોમેટ્રિક પધ્ધતિનો અમલ થાય તો તમામ પ્રોફેસર-આધ્યાપકો અને કર્મચારીઓ સમયસર હજાર રહેશે અને સમયસર ભવન છોડશે. અને આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પણ વિચારણા કરી રહ્યા છે અને જલ્દીથી અમલવારી થશે તેમ કહી શકાય.
બાયોમેટ્રિક પધ્ધતિ તમામ શિક્ષણક્ષેત્રમાં હોવી જરૂરી: ડો.ગીરીશ ભીમાણી
બાયોમેટ્રિક પધ્ધતિ તમામ શિક્ષણ ક્ષેત્રમાં હોવી જ જોઈએ. અને બાયોમેટ્રિક પધ્ધતિ વિશ્વની અનન્ય યુનિવર્સિટીમાં છે જ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ હોવી જ જોઈએ. આની અમલવારી કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ સતત પ્રયત્નશીલ છે. અત્યારની પરિસ્થિતિ મુજબ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ હોય ચૂંટણી પત્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અવશ્ય આ બાબતે સારો નિર્ણય લેવામાં આવશે.