યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલમાં આવતા અઠવાડિયાથી સોશિયલ ડિસ્ટન્સ સાથે પેપર ચકાસણીનું કામ શરૂ થશે
કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉન જારી છે ત્યારે મોટાભાગનું વહીવટી તંત્ર ખોરવાઈ ગયું છે. ત્યારે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડેલા પરિપત્ર મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારથી એટલે કે, ૨૦મી એપ્રીલથી બિનશૈક્ષણિક કર્મચારીઓને ફરજ પર બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથો સાથ વીસી-પીવીસીના અધ્યક્ષ સ્થાને સમગ્ર વહીવટી કર્મચારીઓ, રજિસ્ટ્રાર તેમજ પરીક્ષા નિયામક સાથે એક મીટીંગ બોલાવીને પેપર ચકાસણી કામગીરી કઈ રીતે કરવી તેનું ખાસ આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટીવાયની પરીક્ષાઓ લેવાઈ ગઈ છે ત્યારે હવે લોકડાઉનને કારણે પેપર ચકાસણીની કામગીરી ઠપ્પ હતી. જો કે, આવતા અઠવાડિયેથી પેપર ચકાસણીની કામગીરી શરૂ થશે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી-પીવીસીએ જણાવ્યું હતું. સોશિટલ ડિસ્ટન્સ સાથે અને સેનેટાઈઝર રાખીને પેપર ચકાસણીની કામગીરી શરૂ થશે. આ ઉપરાંત અન્ય વહીવટી કામો પણ ધીમે ધીમે શરૂ કરવામાં આવશે.
- તમામ પરીક્ષાઓ લેવાની પૂરી શકયતા : કુલપતિ પેથાણી
સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ મુલત્વી રાખવી પડી છે. જો કે, ટીવાયની મોટાભાગની પરીક્ષાઓ લેવાઈ ચૂકી છે અને હજુ આગામી દિવસોમાં લોકડાઉન ખુલે અને વેકેશન પૂર્ણ થયે યુજીસી અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તો આવશે જ ખાસ કરીને પીજીના વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી તો મોડી પરંતુ લેવાશે. અને બીજી બાજુ વાત કરીએ તો સોમવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૩૩ ટકા બિનશૈક્ષણિક સ્ટાફ હાજર રહેશે અને બંધ પડેલ કામ પૂન: શરૂ કરવામાં આવશે અને જે વિદ્યાર્થીની પરીક્ષા લેવાઈ ચૂકી છે તેમના પેપરની ચકાસણીનું આયોજન કઈ રીતે કરવું તેની ખાસ મીટીંગ રાખવામાં આવી છે અને આ બોર્ડ પેપરની ચકાસણીની કામગીરી સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ કર્મચારી અને અધ્યાપકો સેનેટાઈઝર લગાવીને બોર્ડ પેપર ચકાસવા આદેશ આપવામાં આવશે અને પુરતું ધ્યાન રાખવામાં આવશે.
- વિડીયો લેકચર્સ ઓનલાઈન ઉપલબ્ધ કરાવાશે : ડો. મેહુલભાઈ રૂપાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલ રૂ પાણીએ ‘અબતક’ સાથેની વાચતીમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની ગુરૂ વારે ઓનલાઈન સેમીનાર મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં યુજી અને પીજીના વિદ્યાર્થીને આખા વર્ષ દરમિયાન અભ્યાસક્રમમાં મુશ્કેલી ન પડે તે માટે વચ્યુઅલ સ્ટુડીયો તૈયાર કરી તેના પર સાયન્સના અભ્યાસક્રમના ૧૦-૧૦ મિનિટના વિડીયો લેકચર્સ તૈયાર કરવામાં આવશે અને સાથો સાથ અભ્યાસક્રમની પ્રશ્ર્ન બેંક અને એમસીકયુ પ્રશ્ર્ન બેંક પણ તૈયાર કરવા નિર્ણય કરાયો છે. લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ કરવા ૩૫૦ અધ્યાપકોની ટીમ ૩૦ મે સુધીમાં યુજી સેમેસ્ટર-૧,૩,૫ અને પીજી સેમેસ્ટર-૧ અને ૩ના સંપૂર્ણ અભ્યાસક્રમના દરેક વિષયના ૧૦-૧૦ મિનિટના વિડીયો લેકચર્સ તૈયાર કરશે. આવી વીડિયો લેકચર્સ વિદ્યાર્થીને આસાનીથી ઉપલબ્ધ થાય તે માટે યુ-ટયુબ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ અને સાયન્સ ફેકલ્ટીની વેબસાઈટ પર ૧લી જૂન સુધીમાં મુકી દેવામાં આવશે. જેમાં વિદ્યાર્થી બહારગામ હશે તો પણ તેનો અભ્યાસ ડિસ્ટર્બ નહીં થાય. આ ઉપરાંત મીટીંગમાં પ્રશ્ર્નપત્ર બેંક તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ૨, ૩ અને ૫ ગુણના પ્રશ્ર્નપત્રની બેંક તૈયાર કરાશે.
- અધ્યાપકો-કર્મચારીઓની સુરક્ષા માટે સેનેટાઈઝ મશીન મુકાશે : ઉપકુલપતિ દેસાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી તા.૨૦ એપ્રીલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૩૩ ટકા બિનશૈક્ષણિક કર્મચારીઓને ફરજ પર બલાવવામાં આવશે. ત્યારબાદ તમામ કર્મચારીઓના સાથ સહકારથી વહીવટી કાર્ય શરૂ કરવામાં આવશે અને પેપર ચકાસણી માટે પણ એક મીટીંગ બોલાવવામાં આવ્યા છે. જે નિર્ણય થાય અને ત્યારબાદ પેપર ચેક કરવાની કામગીરીનો પણ ધમધમાટ શરૂ કરવામાં આવશે. હાલ કોરોનાના કહેર વચ્ચે તમામની સુરક્ષા જરૂ રી છે. જેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેનેટાઈઝ મશીન મુકવામાં આવશે અને તમામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ કરતા અધિકારી-કર્મચારીઓને સેનેટાઈઝ મશીનમાં પ્રવેશ કરીને જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ કરવા દેવામાં આવશે.