ભાજપના બે જૂથ સામ-સામે ટકરાવાના હોય મોવડી મંડળ ચુંટણી બિનહરીફ કરવાના મૂડમાં
ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 27મી સપ્ટેમ્બર: કુલ 16 બેઠકો માટે 5મી ઓક્ટોબરે મતદાન
રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. મતદાર યાદી પ્રસિધ્ધ થયા બાદ આગામી 23મી સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રક ભરાશે જ્યારે 24મી થી ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. બેડી યાર્ડની ચૂંટણીને આડે હવે દોઢ માસ જેવો સમય બાકી રહ્યો છે. જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભાજપના બે જૂથ રૈયાણી અને સખીયા જૂથ બાજી મારવા એટલે કે સત્તા હાંસલ કરવા પોત-પોતાની રીતે સોગઠાં ગોઠવી રહ્યાં છે. બંને જૂથ પોતાના ઉમેદવારો પણ નક્કી કરી લીધાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોની બાજી પલટાશે તે પર સૌ કોઇની મીટ મંડાઇ છે.
તાજેતરમાં ઉપલેટા યાર્ડની ચુંટણી પૂર્ણ થઇ છે તેમજ સરધાર સહકારી મંડળીની ચૂંટણીમાં નીતીન ઢાંકેચા ગ્રુપે જીત મેળવી લીધી છે ત્યારે હવે બેડી યાર્ડની ચુંટણીમાં કોનું પલડુ વજનદાર રહેશે તે જોવાનું રહ્યું.
બીજી બાજુ બેડી યાર્ડની ચુંટણી બિનહરીફ થાય તે માટે મોવડી મંડળ શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યું છે. એક બાજુ બંને જૂથ ચુંટણી લડી જ લેવાના મુડમાં છે ત્યારે બીજી બાજુ ચુંટણી બિનહરીફ થાય તેની પણ ખેંચતાણ ચાલી રહી છે. ચુંટણી માટે દિવસો પૂર્વે મતદાર યાદી પ્રસિધ્ધ થઇ ચુકી છે. જેમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે હવે ઉમેદવારી પત્રો ભરાવવાનું શરૂ થશે. નક્કી થયેલી તારીખ મુજબ બે દિવસ બાદ એટલે કે આગામી 23મી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રો ભરાશે. જ્યારે ઉમેદવારી પત્રો ભરાયાના બીજા દિવસે એટલે કે 24મી સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્રકની ચકાસણી કામગીરી શરૂ થશે. ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ 27મી સપ્ટેમ્બર છે.
આ ચુંટણીમાં બંને જૂથ એવા ઉમેદવારો પર પસંદગી ઉતારશે. જે નજીકના અને વિશ્ર્વાસુ હોય અને જેને મતદારો વધુ મત આપી ચુંટી શકે. આ ઉપરાંત વેપારી બેઠકની ચુંટણીમાં પણ ભારે રસાકસી જામે તેવી શક્યતા સેવાઇ રહી છે.
બેડી યાર્ડની ચુંટણી બિનહરીફ કરવા હુકમનું પાનુ પૂર્વ કેબીનેટ મંત્રી અને આરડીસી બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયાના હાથમાં છે. તેમની મદદ વગર જીત હાંસલ કરવી અઘરી બની શકે છે. ચુંટણી બિનહરીફ કરવા જયેશ રાદડિયાને સુકાન સોંપાયું છે. કારણ કે ભૂતકાળમાં સહકારી ક્ષેત્રના મોભી ગણાતા વિઠ્ઠલભાઇ રાદડિયા રાજોકટ યાર્ડના ચેરમેન પદે રહી ચુક્યા હતાં. ત્યારે હવે આ વખતની ચુંટણીમાં જયેશ રાદડિયા કોની તરફેણ કરશે તે પર સૌની મીટ મંડાયેલી રહેશે.
આગામી 5મી ઓક્ટોબરે કુલ 16 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં ખેડૂતલક્ષી 10 બેઠક, વેપારી વિભાગની 4 બેઠક તેમજ અન્ય 2 બેઠક માટે ચુંટણી થશે.