- કલેકટર અને પૂરવઠા અધિકારી સમક્ષ ફોર્મ સ્વીકારાશે: આવતીકાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લામાં 3000 સ્થળોએ લગાવાશે
આવતીકાલથી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. જિલ્લા કલેકટર કચેરીમાં 2 જગ્યાએ ફોર્મ ભરી શકાશે. જેમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારી આ ફોર્મ સ્વીકારવાના છે. હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે ચૂંટણી તંત્ર દ્વારા વધારાનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં આવતીકાલે એટલે કે 12/04/24ના રોજ ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.19/04/24ના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20/04/24ના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.22/04/24 છે. તેમજ મતદાનની તા.07/05/24 અને મતદાનની મત ગણતરી તા.04/06/24ના રોજ કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ તા.06/06/24 રહેશે.
આવતીકાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લામાં ગ્રામ પંચાયતથી લઈ બીજી અનેક સરકારી કચેરીઓ સહિતના 3000 જેટલા સ્થળોએ આ જાહેરનામું લગાવવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતી હોય, કલેકટર કચેરીમાં કાલથી એસીપી કક્ષાનો બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવશે.વધુમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા નવી કલેકટર કચેરી ખાતે કલેકટરની ચેમ્બરમાં અને જિલ્લા પુરવઠા અધિકારીની ચેમ્બરમાં કરવામાં આવશે.
અગાઉ ચૂંટણી સ્ટાફનું પ્રથમ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં કેટલા અને કયા સ્ટાફને ચૂંટણી ફરજ બજાવવાની છે તે નક્કી થયું હતું. હવે આગામી 25મી આસપાસ ચૂંટણી સ્ટાફનું બીજું રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવશે. આ અરસામાં જ તેઓનું પોસ્ટલ બેલેટ વડે મતદાન પણ કરાવવામાં આવશે.
રાજકોટ લોકસભા બેઠક ઉપર કુલ 21.04 લાખ મતદારો
10.89 લાખ પુરુષ, 10.14 લાખ મહિલાઓ અને 35 થર્ડ જેન્ડર : 2036 જેટલા મતદાન મથકો
- 23,022 મતદારો 85 વર્ષથી ઉપરના
- 401 મતદારો 100 વર્ષથી ઉપરના
- 14000થી વધુ દિવ્યાંગ મતદારો
- 2215 વિવિઆઇપી મતદારો
- 2115 પ્રજ્ઞાચક્ષુ મતદારો
રાજકોટ લોકસભા બેઠકમાં ટંકારા અને વાંકાનેર વિધાનસભાનો સમાવેશ થાય છે. જ્યારે ગોંડલ અને જેતપુર વિધાનસભા બેઠકની બાદબાકી થાય છે. રાજકોટ લોકસભા બેઠક વાઇઝ મતદારો જોઈએ તો ટંકારા બેઠકમાં 1.29 લાખ પુરુષ, 1.22 લાખ મહિલા મળી 2.51 લાખ મતદારો છે. અહીં 291 બુથ છે. વાંકાનેર બેઠકમાં 1.47 લાખ પુરુષ, 1.38 લાખ મહિલાઓ અને 2 થર્ડ જેન્ડર મળી 2.86 લાખ મતદારો છે. અહીં 302 બુથ છે. રાજકોટ પૂર્વમાં 1.58 લાખ પુરુષ, 1.43 લાખ મહિલાઓ અને 8 થર્ડ જેન્ડર મળી 3.02 લાખ મતદારો છે. અહીં 264 બુથ છે. રાજકોટ પશ્ચિમ બેઠકમાં 1.82 લાખ પુરુષ, 1.77 લાખ મહિલાઓ અને 4 થર્ડ જેન્ડર મળી 3.59 લાખ મતદારો છે. અહીં 310 બુથ છે. રાજકોટ દક્ષિણમાં 1.32 લાખ પુરુષ, 1.25 લાખ મહિલાઓ અને 13 થર્ડ જેન્ડર મળી 2.57 લાખ મતદારો છે. અહીં 228 બુથ છે. રાજકોટ ગ્રામ્યમાં 2.01 લાખ પુરુષ, 1.82 લાખ મહિલાઓ અને 8 થર્ડ જેન્ડર મળી 3.83 લાખ મતદારો છે. અહીં 381 બુથ છે. જસદણમાં 1.36 લાખ પુરુષ, 1.25 લાખ મહિલાઓ મળી 2.62 લાખ મતદારો છે. અહીં 259 બુથ છે. આમ કુલ લોકસભા બેઠકમાં 10.89 લાખ પુરુષ, 10.14 લાખ મહિલા અને 35 થર્ડ જેન્ડર મળી 21.04 લાખ મતદારો છે. 2036 મતદાન મથકો છે.
મતદાનના આગલા રવિવારે તમામ બીએલઓ મતદાન મથકની ચકાસણી કરશે
રાજકોટ લોકસભા બેઠકમાં 2226 જેટલા બીએલઓ મતદાન મથક ઉપર ફરજ બજાવવાના છે. મતદાન 7એના રોજ યોજાનાર છે. આ મતદાન પૂર્વેના આગલા રવિવારના રોજ તમામ બીએલઓ મતદાન મથકની ચકાસણી કરવાના છે. જે દરમિયાન તેઓ દ્વારા મતદાન મથકમાં કોઈ સુવિધાનો અભાવ હોય તો તુરંત રિપોર્ટ કરવામાં આવશે.
19મીએ ઉમેદવારોના ખર્ચની પ્રથમ મિટીગ
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા.19માં રોજ ઉમેદવારોના ખર્ચની પ્રથમ મિટિંગ યોજવામાં આવશે. આ બેઠકમાં રાજકીય પક્ષોની હાજરી રહેશે. બેઠકમાં ઉમેદવારોએ ખર્ચનો પ્રથમ હિસાબ આપવો પડશે. આવા કુલ 3 હિસાબ આપવા પડશે. ત્યારબાદ આ ખર્ચની સમીક્ષા બેઠકો પણ ઓબ્ઝર્વર દ્વારા યોજવામાં આવશે.
આવતીકાલથી 24 સ્ટેટિક ટિમ મેદાનમાં ઉતરી સઘન ચેકીંગ હાથ ધરશે
હાલ રાજકોટ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટેની વિશેસ ટિમ ઉપરાંત 24 ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત છે.
ફ્લાઈંગ સ્ક્વોડની દરેક ટીમના એક અધિકારીને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર અપાયા છે. હવે આવતીકાલથી 24 સ્ટેટિક
ટિમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર સાથે ફિલ્ડમાં ઉતરવાની છે. જે સઘન ચેકીંગ કરશે. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા થતી
કોઈ વસ્તુની હેરાફેરી ઉપર ચાંપતી નજર રાખશે.