ચાર ગામો વચ્ચે આઠ નોડેલ ઓફિસરોનો ઓર્ડર કરતા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ
તાજેતરમાં મહાપાલિકામાં ભળેલી ચાર ગ્રામ પંચાયતોના રેકર્ડ અને મિલકતો કબ્જે લેવા માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આઠ નોડેલ ઓફિસરોની નિમણૂક કરી છે. હવે આ આઠેય નોડેલ ઓફિસરો સૂચના મુજબ આ ખાસ કામગીરીમાં રોકાયેલા રહેશે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજકોટ મહાપાલિકાની હદમાં ચાર ગ્રામ પંચાયતો મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર( મનહરપુર-૧ સહિત)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રામ પંચાયતના તમામ રેકર્ડ, તમામ સ્થાવર જંગમ મિલકતો, તમામ વાહન- સાધનનો કબજો લેવા માટે ગ્રામ પંચાયત દીઠ બે નોડેલ ઓફિસરોની નિમણૂક કરવાનો મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે હુકમ કર્યો છે.
જેમાં મોટા મવા ગ્રામ પંચાયત માટે સહાયક કમિશનર તરીકે એચ.આર.પટેલ, આસી. મેનેજર તરીકે નીરજ વ્યાસ, મુંજકા ગ્રામ પંચાયત માટે ઇન્ચાર્જ સહાયક કમિશનર તરીકે એસ.જે. ઘડુક, આસી.મેનેજર તરીકે વિવેક આર.મહેતા, ઘંટેશ્વર ગ્રામ પંચાયત માટે સહાયક કમિશનર તરીકે એચ.કે. કગથરા, આસી. મેનેજર રાજીવ એમ.ગામેતી, માધાપર ગ્રામ પંચાયત માટે ઇન્ચાર્જ સહાયક કમિશનર તરીકે વી.એસ. પ્રજાપતિ અને આસી. મેનેજર તરીકે મયુર ડી. ખીમસુરિયાની નિમણૂક કરવામાં આવી છે.