સંજય ડાંગર ધ્રોલ: કોરોના મહામારીને નાથવા તંત્ર સાથે લોકો પણ આગળ આવ્યા છે. તંત્ર અને લોકોની જાગૃતાથી જ્યાં પહેલા હોસ્પિટલમાં બેડ અને પ્રાણવાયુની અછત સર્જાતી હતી, ત્યાં હવે રાહત જોવા મળે છે. આ રાહત પાછળ મહત્વનો ફાળો ભજવ્યો છે, સ્વયમસેવકો, સમાજના અગ્રણીઓ કે, જેને કોવીડ કેર સેન્ટર ઉભા કરી દર્દીઓને સારવાર આપી અને હોસ્પિટલ પર ભારણ ઓછું કર્યું.
થોડા સમય પહેલા કોરોનાની કપરી સ્થિતિ જોતા જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી.એમ પટેલ સ્કુલમા સંસ્થાના આગેવાનો દ્વારા કોવિડ કેર સેન્ટર તાત્કાલિક ઉભું કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જ આ સેન્ટરની કામગીરી એટલી ઉમદા નીવડી કે, 60 જેવા દર્દીઓ આ સેન્ટર હેઠળ સારવાર મેળવી એક દમ સ્વસ્થ બની ઘર પરત ફર્યા છે.
ધ્રોલ તાલુકામાં ઉમા કોવિડ કેર સેન્ટર, જી.એમ પટેલ સ્કૂલ ખાતે ખોલવામા આવ્યુ હતું. જેમા જી.એમ પટેલ સ્કુલના ટ્રસ્ટી એવા જેરામબાપા વાસજાડીયા અને પૂર્વ કલેકટર ધોડસરા સાહેબ, મુળજીભાઈ ભીમાણીની આગેવાની હેઠળ ઉમા કોવીડ કેર સેન્ટર ઉભુ કરવામા આવ્યુ હતું. ઓક્સિજન સાથે 30 જેટલા બેડની સુવિધા સાથે તાત્કાલિક શરૂ કરવામા આવ્યું હતું.
આજે ઉમા કોવિડ કેર સેન્ટરમાંથી 60 જેટલા લોકોએ કોરોનાને માત આપીને ધરે ગયા. હાલ કુલ 37 જેટલા દર્દીઓ દાખલ છે. ઉમા કોવીડ કેર સેન્ટરમા દર્દીઓ સાથે આવેલા તેમના સગા સંબંધીને રહેવા માટે અને જમવાની તમામ સગવડ સાથે ઉભુ કરાયું હતુ. જેમાં દિવસે ને દિવસે દર્દીઓને સારી એવી ટ્રીટમેન્ટ મળી રહી છે. તમામ સમાજને સાથે રાખીને આજે કોરોના મહામારી સામે આવ ભામાશાને સૌ સલામ કરવી જોઈએ, કારણે એક પણ રુપિયા વગર ફ્રીમા સેવા આપવાનુ આ કાર્ય રાત દિવસ જોયા વગર 50 જેટલા સ્વયમસેવકો દિલથી કરી રહ્યા છે.
આ સેન્ટરમાં ફક્ત દર્દીઓનો ઈલાજ જ નહીં, પણ તેની સાથે બીજી અન્ય પ્રવુતિઓ પણ કરવામાં આવે છે. જેથી દર્દીઓને માનસિક હિમ્મત મળે. દરોજ દર્દીઓને એક કલાક સાંજે ભજન કિર્તન સાથે આનંદ ઉલ્લાસનો માહોલ ઉભો કરવામાં આવે છે, જેમાં બધા દર્દી પોતાનું દુઃખ ભૂલી ખુશીથી મજા કરે છે. આ કાર્યથી તેમના માઈન્ડ એક દમ સ્વચ્છ રહે છે.
ઉમા કોવીડ કેર સેન્ટરની સુવિધા પણ વખાણવા લાયક છે. જ્યાં દર્દીઓને દિવસ દરમિયાન ત્રણ વખત જમવા અને બે વખત નાસ્તા સાથે નારીયેલ પાણી, જ્યુસ અને દિવસ દરમિયાન 2 વખત લીંબુ સરબત આપવામાં આવે છે. ઉમા કોવિડ કેર સેન્ટર દર્દીઓની સાથે આવેલા વ્યકિતની તમામ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તેમને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે.