અમેરિકાના જેમ્સ પેબલ્સ, સ્વિત્ઝર્લેન્ડના માઇકલ મેયર અને દિદિઅર ક્વેલોઝને ભૌતિકશાસ્ત્રમાં બ્રહ્માંડના અનોખા સંશોધન બદલ સંયુક્ત રીતે ‘નોબલ પુરસ્કાર’ આપવાની જાહેરાત કરાય
ભારતના પૌરાણિક ખગોળ શાસ્ત્રમાં બ્રહ્માંડમાં પૃથ્વીથી લઇને વિવિધ ગ્રહો વચ્ચેના અતંરો, તેની પૃથ્વી પર પડતી અસરો સહીતની ઝીણવટ ભરી વિગતો આપવામાં આવી છે. પરંતુ, પશ્ચિમની સંસ્કૃતિથી અંજાયેલા ભારતીયો પૌરાણીક ખગોળ શાસ્ત્રો પ્રત્યે દુર્લભ સેવે છે. જેથી, આપણા પૌરાણિક ખગોળ શાસ્ત્રનો અભ્યાસ કરીને જેના આધાર પર સંશોધન કરીને વિદેશીઓ પોતાના નામે સંશોધનો રજુ કરીને નોબલ પ્રાઇઝ જેવા પુરસ્કારો મેળવી લેતા હોય છે. આવા બ્રહ્માંડ અંગેના સંશોધનો કરનારા ત્રણ ભૌતિક વિજ્ઞાનીઓને ભૌતિક શાસ્ત્રના નોબેલ પ્રાઇઝ આપવાની ગઇકાલે જાહેરાત કરવામાં આવી છે.
સ્વીડનની નોબેલ પ્રાઈઝ સમિતિએ ભૌતિકશાસ્ત્રના નોબેલ પ્રાઈઝની જાહેરાત કરી હતી. આ પ્રાઈઝ ત્રણ વિજ્ઞાનીઓ જેમ્સ પેબલ્સ, માઈકલ મેયર તથા દિદિઅર ક્વેલોઝને સંયુક્ત રીતે અપાયું છે. જેમ્સ પેબલ્સે બ્રહ્માંડ અંગેની સમજ વિસ્તારી છે, તો મેયર અને ક્વેલોઝે સુર્યમાળાની બહાર પૃથ્વીની માફક પરિક્રમા કરતા ગ્રહ અને સુર્ય જેવા તારાની શોધ કરી છે. આ ત્રણેય સંશોધકોને એ માટે કુલ ૯,૧૦,૦૦૦ ડોલરની રકમ મળશે. રકમની વહેંચણી જોકે સરખે ભાગે નહીં થાય. અડધી રકમ પેબલને મળશે, જ્યારે બાકીની અડધી બીજા બે વિજ્ઞાનીઓ વચ્ચે વહેંચાશે.
નોબેલ સમિતિએ પોતાની સત્તાવાર નોંધમાં જણાવ્યું છે કે બ્રહ્માંડને સમજવાના ખ્યાલોને ધરમૂળથી બદલાવું કામ પેબલ્સના સંશોધને કર્યું છે. પેબલે એવુ મોડેલ વિકસાવ્યું છે, જેનાથી અદૃશ્ય રહેતા ૯૫ ટકા બ્રહ્માંડની હાજરીના પૂરાવા મળી શકે છે. વિજ્ઞાનીઓ જાણે છે કે બ્રહ્માંડ જે દેખાય છે એ માત્ર ૫ ટકા જ છે, જ્યારે બાકીનું અદૃશ્ય છે. એ સ્થિતિ સમજવામાં પેબલનું સંશોધન મદદ કરે છે. ઉપરાંત બિગ બેંગ નામના ધડાકા પછી બ્રહ્માંડ કઈ રીતે વિસ્તરી રહ્યું છે, એ સમજણ પણ પેબલ્સના સંશોધનથી વિકસી છે.
સૂર્યમાળાની બહાર અનેક ગ્રહો એવા છે, જે પૃથ્વી જેવા લાગે છે. આ પ્રકારના ગ્રહોને એક્સોપ્લાનેટ કહેવામાં આવે છે. હવે એક્સોપ્લાનેટ શોધવા માટે મોટે પાયે કામ ચાલે છે. પરંતુ ૧૯૯૫માં મેયર અને ક્વેલોઝેએ પહેલી વાર એક્સોપ્લાનેટની હાજરી રજૂ કરીને બ્રહ્માંડના નવા પાસાને જગત સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે એક ગુરૂ જેવો કદાવર ગેસનો ગ્રહ શોધી કાઢ્યો હતો, જે વચ્ચે રહેલા સૂર્ય જેવા તારા ફરતે પ્રદક્ષિણા કરતો હતો. એ ગ્રહને ’૫૧ પેગાસી બી’ નામ આપવામાં આવ્યું હતું. તેનું કદ આપણા ગુરૂ કરતાં અડધું છે. બન્ને સંશોધકોના આ પ્રદાન પછી અત્યાર સુધીમાં વિવિધ વિજ્ઞાનીઓએ ૪૦૦૦ હજાર જેવા એક્સોપ્લાનેટ શોધી કાઢ્યા છે.
૮૪ વર્ષના પેબલ્સ અમેરિકાની પ્રિસ્ટન યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, જ્યાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ પ્રાધ્યાપક હતા. એ જ વિભાગ અત્યારે પેબલ્સ સંભાળી રહ્યા છે. ૭૭ વર્ષના મેયર સ્વિત્ઝરલેન્ડની યુનિવર્સિટી ઓફ જિનિવામાં એસ્ટ્રોનોમી ભણાવે છે. ૫૩ વર્ષના ક્વેલોઝ પણ યુનિવર્સિટી ઓફ જિનિવા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કામ કરે છે.