રાજ્યની તમામ શાળામાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની દાદ માંગતી રિટ પિટિશનમાં હાઇકોર્ટ વધુ સુનાવણી 21મી ફેબ્રુઆરી કરશે
રાજ્યની તમામ શાળામાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની દાદ માંગતી રિટ પિટિશનમાં હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે, અમારી ચિંતા છે કે ફરજિયાત ગુજરાતી ભાષા દરેક શાળામાં ભણાવવા માટેની રાજ્ય સરકારની નીતિ છે. પરંતે તેમ છતાય તેનો અમલ થતો નથી. અમે ઇચ્છીએ છીએ કે, માતૃભાષા દરેકને આવડવી જોઇએ. ગુજરાતી બંધારણીય ભાષા છે અને જો બાળકોને ગુજરાતી નહીં ભણાવીએ તો તેને કઇ રીતે સંરક્ષિત કરી શકાશે. હાઇકોર્ટે વધુ સુનાવણી 21મી ફેબ્રુઆરીના રોજ મુક્કર કરી છે.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, નીતિ નિયમ નખ વિનાના પંજા જેવા ન હોવા જોઇએ. આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાતી ભાષા મુદ્ે કડક કાર્યવાહી કરો. જો કોઇ જિલ્લામાં એનો અમલ ન થાય તો ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસર કાર્યવાહી કરે. સરકાર કંઇ કરતી નથી એવું નથી પરંતુ કંઇક એવી કાર્યવાહી કે પેનલ્ટી કે દંડ હોવો જોઇએ. જેથી સ્કુલો નીતિ નિયમનો અમલ કરે. અન્ય રાજ્યોમાં આ મુદ્ે કાયદો બનાવવામાં આવ્યો છે એ મુદ્ે પણ સરકારે ધ્યાન આપવું જોઇએ.
આદેશમાં હાઇકોર્ટે નોંધ્યુ હતું કે, 47 પૈકી 13 શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા રાજ્ય સરકારની નિતિ મુજબ ભણાવવામાં આવતી નથી. આગામી શૈક્ષણિક સત્રથી કોઇપણ ફરિયાદ આવવી જોઇએ નહિં. ભાષાનો સંબંધ સંસ્કૃતિ સાથે છે. ગુજરાતી આપણી સંસ્કૃતિ અને અસ્મિતા છે. રાજ્યમાં ક્યા નિયમ હેઠળ શાળાઓને મંજુરી કે એનઓસી આપવામાં આવે છે. જો એનઓસી આપવામાં આવતી હશે તો તેના માટેના નિયમો પણ હશે તે કોર્ટ સમક્ષ રજુ કરો. જે મુજબ સરકાર દ્વારા રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.