સૌની યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજી ડેમમાં 10 દિવસમાં ઠલવાયું 239 એમસીએફટી પાણી: 29 ફૂટે ઓવરફલો થતાં આજી ડેમની સપાટી પહોંચી 22.28 ફૂટે
રાજકોટવાસીઓએ કાળઝાળ ઉનાળામાં પાણીની રતિભાર પણ હાડમારી વેઠવી ન પડે અને ચોમાસા સુધી શહેરીજનોને નળ વાટે નિયમીત 20 મીનીટ પિવાનું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ રાજ્ય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત રાજકોટની જીવાદોરી સમા આજી ડેમમાં ગત 3જી માર્ચથી નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કર્યું છે. દરમિયાન છેલ્લા 10 દિવસમાં એટલે કે ઉનાળાના આરંભે જ આજી ડેમની જળ સપાટીમાં 5 ફૂટનો વધારો થયો છે. 10 દિવસમાં ડેમમાં 239 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. 29 ફૂટે ઓવરફલો થતાં આજીની સપાટી આજે 22.28 ફૂટે પહોંચી જવા પામી છે.
આ અંગે મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચોમાસા સુધી રાજકોટવાસીઓને નિયમીત 20 મીનીટ પીવાનું પાણી પૂરું પાડી શકાય તે માટે રાજ્ય સરકાર સમક્ષ આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 650 એમસીએફટી અને ન્યારી ડેમમાં 300 એમસીએફટી પાણી ઠલાવવા માંગણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ અંગત રસ લઈ સ્વીકાર કર્યો છે. મહાપાલિકાએ 15મી માર્ચથી આજીમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગણી કરી હતી. છતાં રાજ્ય સરકાર દ્વારા ગત 3જી માર્ચથી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 10 દિવસમાં આજી ડેમની સપાટીમાં 5 ફૂટથી પણ વધુનો વધારો થયો છે.
જ્યારે સૌની યોજના અંતર્ગત ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે ડેમની સપાટી 17 ફૂટની હતી અને 275 એમસીએફટી પાણી સંગ્રહિત હતું. 29 ફૂટે ઓવરફલો થતાં આજીની સપાટી હાલ 22.28 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં 514 એમસીએફટી પાણી સંગ્રહિત છે. 10 દિવસમાં 239 એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવામાં આવ્યું છે અને ડેમની સપાટીમાં 5 ફૂટ જેટલો વધારો થવા પામ્યો છે. પ્રતિદિન સરેરાશ 25 એમસીએફટી પાણી ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને રોજ વિતરણ વ્યવસ્થા માટે 5 એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે.
સૌની યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજીમાં 650 એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવામાં આવનાર છે. હજુ એક મહિના સુધી ડેમમાં નર્મદાનુંપ ાણી ઠાલવવામાં આવશે. દરમિયાન આગામી મે મહિનાથી ન્યારી ડેમમાં પણ નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવશે. રૂપાણી સરકારના રાજમાં હવે રાજકોટમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ હોય તેવો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે.