- કોર્પોરેશન દ્વારા વચગાળાનો નિર્ણય લેવાશે: સીલીંગ કરાયેલી મિલકતોમાં રિ-ચેકીંગ કરવા પણ આદેશ
- ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડ બાદ છેલ્લા એક પખવાડીયાથી કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમીશન વિનાની મિલકતો સીલ કરવામાં આવી રહી છે.
- જેની સામે વેપારીઓ, શાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવી એસઓપીની આજ સાંજ સુધીમાં ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.
- છતાં કોર્પોરેશન દ્વારા એસઓપીની રાહ જોયા વિના આજથી સોંગધનામા લઇ મિલકતોને સીલ ખોલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
છેલ્લા એક પખવાડીયામાં 400થી વધુ મિલકતો સીલ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડીંગ, ટ્યુશન ક્લાસ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરીયમ, સિનેમા હોલ અને વોટર પાર્ક સહિત એવી મિલકતો કે જ્યાં વધુ લોકો એકત્રિત થતા હોય ત્યાં ફાયર સેફ્ટી અને બીયુ પરમીશન અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 18 ટીમો બનાવવામાં આવી છે. જે 18 વોર્ડમાં રોજ કામગીરી કરી રહી છે. બીજી તરફ સીલીંગ કરાયેલી મિલકતોના સીલ ખોલવા માટે ત્રણ કમિટી બનાવવામાં આવી છે. જે વિવિધ શરતોના આધારે સીલ ખોલવાની મંજૂરી આપે છે. સરકાર દ્વારા નવી એસઓપી બનાવવામાં આવી છે. જેની સાંજ સુધીમાં ઘોષણા થઇ જશે. દરમિયાન કોર્પોરેશન દ્વારા હવે સોંગધનામા લઇ સીલીંગ ખોલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ શરતો રાખવામાં આવશે. જેવી કે સીલ કરાયેલા એકમમાં અનઅધિકૃત બાંધકામ કે માર્જીનમાં ખડકાયેલું બાંધકામ દૂર કરવામાં આવશે. ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે અથવા રિપેર કરાશે. છત ઉપરના ડોમ દૂર કરવામાં આવશે અને બેઝમેન્ટના દબાણો પણ હટાવી દેવામાં આવશે. આવી શરતો લેખિતમાં એફીડેવીટ સાથે આપનાર મિલકતધારકનું સીલ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
કોર્પોરેશનની 16 ઇજનેરોની ભરતી કરાશે
બે નાયબ કાર્યપાલક ઇજનેર, 10 આસિસ્ટન્ટ એન્જીનીંયર અને ચાર એડિશ્નલ આસિસ્ટન્ટ એન્જીનીંયરની ભરતી માટે અરજીઓ મંગાવાઇ
રાજકોટ મહાનગરપાલિકામાં અલગ-અલગ શાખાઓમાં ખાલી પડેલી ઇજનેરોની ભરતી કરવા માટે આજે અરજીઓ મંગાવવામાં આવી છે. 16 ઇજનેરોની ભરતી કરવા માટે 25મી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે. વય મર્યાદા 18 થી 35 વર્ષ નિયત કરવામાં આવી છે.
નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)ની બે જગ્યા, આસિસ્ટન્ટ એન્જીનીંયર (સિવિલ)ની 9 જગ્યા, આસિસ્ટન્ટ એન્જીનીંયર (મેકેનિકલ)ની એક જગ્યા અને એડિશ્નલ આસિસ્ટન્ટ એન્જીનીંયર (સિવિલ)ની ચાર જગ્યા ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં ચાર જગ્યા બિનઅનામત છે. જ્યારે બાકીની 12 જગ્યાઓ અલગ-અલગ કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે. અલગ-અલગ ભરતીમાં વય મર્યાદા 18 થી લઇ 25 વર્ષ નિયત કરવામાં આવી હોવાનું જાણવામાં મળી રહ્યું છે.