એમડી, એમએસ, ડિપ્લોમા સહિતના કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં રાજ્ય ક્વોટાની ખાલી બેઠકો ચિંતાનો વિષય !!
પ્રોફેશનલ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ માટેની પ્રવેશ સમિતિએ ગુરુવારે સતાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, 2022-23 માટે અનુસ્નાતક મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. કમિટીએ કહ્યું કે, એડમિશન પ્રક્રિયાના અંતે એમડી, એમએસ અને ડિપ્લોમા કોર્સમાં 101 સ્ટેટ ક્વોટા સીટો ખાલી છે. જો કે, એમડીએસમાં રાજ્ય ક્વોટાની માત્ર સાત બેઠકો ખાલી છે.
સમિતિના જણાવ્યા અનુસાર, એમડી, એમએસ અને ડિપ્લોમા કોર્સમાં 21,169 બેઠકો છે જેમાં 550 અખિલ ભારતીય ક્વોટા બેઠકો છે.સમિતિના નિવેદનમાં જણાવાયું છે કે 1619 રાજ્ય ક્વોટા બેઠકોમાંથી 1511 ભરાઈ ગઈ છે. એમડીએસ કોર્સ માટે રાજ્યમાં 235 બેઠકો છે જેમાં 22 અખિલ ભારતીય ક્વોટા બેઠકો છે. રાજ્ય ક્વોટાની કુલ 206 બેઠકોમાંથી સાત બેઠકો ખાલી છે.નિયમો અનુસાર રાજ્યમાં તમામ યુજી મેડિકલ સીટોમાંથી 15% અને પીજી કોર્સમાં 50% સીટો અખિલ ભારતીય ક્વોટાના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે. બાકીની બેઠકો રાજ્ય ક્વોટાની બેઠકો છે જે આગળ સરકારી, મેનેજમેન્ટ અને એનઆરઆઈ ક્વોટાની બેઠકોમાં વહેંચાયેલી છે.