ભારતમાં શિક્ષણ પ્રણાલીને વધુને વધુ મજબુત કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ તથા શિક્ષકો અનેકવિધ કાર્યો કરી રહ્યું છે ત્યારે શાળા શિક્ષકે શિક્ષણ જગતમાં ક્રાંતિ સર્જી શાળા શિક્ષક અબજોપતિ બન્યા છે જેનું નામ બાયજુ રવિન્દ્રન છે.
રવિન્દ્રન દ્વારા ધો.૧૨ સુધીનાં વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે શિક્ષણ કઈ રીતે પ્રાપ્ત કરાય તે દિશામાં કાર્ય કરી તેને બાયજુ એપ્લીકેશનનું નિર્માણ કર્યું છે જેની વેલ્યુ ગત ૭ વર્ષમાં ૬ બિલીયન ડોલરને પાર પહોંચી છે.
બાયજુ એપ્લીકેશન ૨૦૨૦ સુધીમાં અમેરિકામાં પોતાનો પગદંડો જમાવવા માટે વોલ્ટડીઝની કંપની સાથે હાથ મિલાવશે. બાયજુનાં સંસ્થાપક અને ૩૭ વર્ષીય ઉધોગપતિ બાયજુ રવિન્દ્રને જણાવતાં કહ્યું હતું કે, તેને ભારતીય શિક્ષણ માટે ઘણું ખરું કામ કરવું છે અને શિક્ષણ પ્રણાલીને સૌથી સરળ બનાવવી છે જેથી વિદ્યાર્થીઓને શિક્ષણ બોજ‚પ નહીં પરંતુ રમતા-રમતા ભણી શકે.
હાલ ભારત અધોગતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શિક્ષણ પ્રણાલી જો સુધરશે તો અનેકવિધ તકલીફોનું પણ નિરાકરણ થઈ જશે.
હાલ વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો ઉપયોગ દિન-પ્રતિદિન વધુ કરી રહ્યા છે ત્યારે ઓનલાઈન મારફતે તેમને શિક્ષણ આપવા માટેનાં પ્રયત્નો હાલ બાયજુ એપ્લીકેશન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે.
ઓનલાઈન એપ્લીકેશન મારફતે બાયજુ એપ્લીકેશન વિદ્યાર્થીઓને ઘેર બેઠા શિક્ષણ આપવા માટે કટીબઘ્ધ છે અને તે દિશામાં તે યોગ્ય પગલા પણ લઈ રહ્યું છે ત્યારે સ્માર્ટ ફોનોનાં નીચા ભાવો તથા ઈન્ટરનેટ પ્લાનનાં ઘટેલા ભાવોનાં કારણે ૨૦૨૦ સુધીમાં ભારતનું ઓનલાઈન માર્કેટ બમણું થવાની આશા સેવાઈ રહી છે.
ઈન્ટરનેટ મારફતે કે.જી.થી ૧૨ ધોરણ સુધીનાં વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતું ઓનલાઈન શિક્ષણ ઓનલાઈન માર્કેટને વેગ આપ્યો છે ત્યારે ઉધોગપતિઓ દ્વારા જે નવા સ્ટાર્ટઅપ હાથ ધરવામાં આવી રહ્યાં છે તેનાથી તેને વૈશ્ર્વિક વૃદ્ધિ પણ મળી રહી છે ત્યારે ૨૦૨૦ સુધીમાં બાયજુની આવક ૩૦૦૦ કરોડ સુધી પહોંચશે તેવું પણ લાગી રહ્યું છે.
બાયજુ એપ્લીકેશનનો વ્યાપ માત્ર ભારત પુરતો જ સીમીત રહ્યો નથી પરંતુ વિશ્ર્વની નામાંકિત કંપનીઓએ પણ તેની નોંધ લીધી છે જેમાં ફેસબુકનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. વિશ્ર્વની નામાંકિત કંપનીઓ રવિન્દ્રન બાયજુનાં વિચારોને ખરીદવા માંગે છે પરંતુ ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ મજબુત કરવા માટે ભારત દેશમાં બાયજુ વધુને વધુ કાર્ય કરી રહ્યું છે.