પોલીસને ચકમો દઇ રફુચકર થતા કેદીઓની ઘટનામાં પોલીસની જ શંકાસ્પદ ભૂમિકાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં રીટ
પોલીસના લેધર શુઝ બદલવા સરકાર અને પોલીસને અદાલતનું સુચન
પોલીસ જાપ્તામાંથી અને કસ્ટડીમાંથી કેદીઓ ભાગી જવાની ઘટના અંગે હાઇકોર્ટમાં થયેલી રીટ અંગે કેદીના જાપ્તામાં રહેલા પોલીસમેન લેધર શુઝના કારણે પીછો કરી પકડી ન શકતા હોવાથી પોલીસને જંગલ અથવા પીટી શુઝ આપવા અંગેનું અદાલતે પોલીસ અને સરકારને સુચન કર્યુ છે.
પોલીસને ચકમો દઇ રફુચકર થતા કેદીઓની ઘટના અંગે જગાતે રહો પાર્ટીના પ્રફુલ દેસાઇ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અને કેદીઓ ભાગી જવામાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોવા અંગે અરજી કરી હતી.
કેદીઓને હોસ્પિટલે ચેકઅપ કરાવવા લઇ જવામાં આવે ત્યારે અને ટોઇલેટ જવાના બહાને ભાગી જવાની ઘટના વધુ બનતી હોવાનું અરજીમાં જણાવ્યું છે. કેદી ભાગી જાય ત્યારે જાપ્તામાં રહેલા પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવે છે અને તેઓને ફરી નોકરી પર લઇ સામાન્ય સજા કરવામાં આવે છે.
પ્રફુલ દેસાઇની અરજી અંગે હાઇકોર્ટમાં સુનાવણી થતા અદાલતે રાજય સરકાર અને પોલીસ પાસેથી જવાબ માગવામાં આવ્યો હતો. પોલીસને આપવામાં આવતા લેધર શુઝ અને નબળી કવોલિટીના હોવાના કેદીઓનો પીછો કરી પકડવા મુશ્કેલ હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો.
છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસ જાપ્તામાંથી ૧૨૪ કેદીઓ ભાગી છુટયા છે તે પૈકી ૯૮ કેદીઓને પકડી લેવામાં આવ્યા છે. પોલીસ જાપ્તામાંથી ફરાર થતા કેદીઓની ઘટના પર નિયંત્રણ લાવવા ૨૦૧૦માં નક્કી કરાયેલા માર્ગ દર્શનનું પાલન કરવા હાઇકોર્ટ પોલીસને સુચન કરી પોલીસને જંગલ બુટ અથવા પીટી શુઝ આપવા આદેશ કર્યો હતો. તેમજ જાપ્તામાં રહેલા પી.એસ.આઇ.એ રિવોલ્વર અને હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલે રાયફલ અને લાઠી સાથે જાપ્તા બંદોબસ્તમાં રહે તો કેદીઓ ભાગવાનો પ્રયાસ ન કરે તેવું પણ સુચન કરવામાં આવ્યું છે.