હું શું કરુ? આ વિષય મને વાંચન કરવું ગમતુ નથી, આ વિષય મને બહુ અઘરો લાગે છે, અંગ્રેજી તથા ગણિત જેવા વિષયો મારા માટે અઘરા છે. આવા વિષયોમાં મને ખૂબ જ કંટાળો આવે છે. – આ તમામ પ્રકારની વાતો આપણે વિદ્યાર્થીઓ પાસેથી સાંભળતા હોઇએ છીએ. વળી, ધોરણ-૧૦, ૧૨ તથા કોલેજની પરીક્ષાઓ શરુ થઇ ચૂકી છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે જ માનસિક તણાવમાં આવી જાય છે. અને ન કરવાનું કરી બેસે છે. તો અઘરા વિષયો ને સરળ કેવી રીતે બનાવી શકાય તેની વિસ્તૃત રીતે ચર્ચા કરીએ……
સામાન્ય રીતે, વિદ્યાર્થી શાળામાં હોય કે કોલેજમાં, ઘણા બધાં વિષયો તેમના અભ્યાસક્રમમાં હોય છે. કેટલાક વિષયો વિદ્યાર્થીઓનાં રસના હોય છે અને કેટલાક ન પણ હોય પરંતુ, અભ્યાસક્રમમાં હોય એટલે તૈયાર કરવા જરુરી બનતા હોય. એક રીતે જોઇએ તો તેમાં કશું ખોટુ નથી કારણ કે, આજના સમય પ્રમાણે બધા જ વિષયોનું થોડું જ્ઞાન કે માહિતી હોવી જરુરી છે.
આપણે જોઇએ છીએ કે, જેટલા વિષયો આપણને ગમતા હોય તેનું રસપૂર્વક વાંચન પણ કરતા હોઇએ અને જે વિષયો ગમતા ન હોય તેને છેક પરીક્ષા સુધી વાંચન પણ આપણે કરતા નથી.
અહીં આપણી પાસે બે પ્રકારની સ્થિતિ ઉદ્ભવેલી જોવા મળે – (૧) કોઇ વિષય નવો હોય (૨) અન્ય વિષય જે નવો-વિષય નથી પણ આપણે અઘરો માનતા હોઇએ એટલે કે ટૂંકમાં ગમતો વિષય અને અણગમતો વિષયો, પરંતુ આ કોઇ પ્રકાર જ નથી, જો ઉંડાણપૂર્વક વિચારીએ તો આ એક માન્યતા હોય છે. અને આ માન્યતા પહેલેથી કે કોઇના દ્વારા આપણી અંદર ઘર કરી ગઇ હોય છે. જેના લીધે આપણી અંદર હકારાત્મક અને નકારાત્મક લાગણીઓના જન્મ આપે છે. અને આ લાગણીઓના પાયા પર જ મોટાભાગે વિદ્યાર્થીઓ નિર્ણય લેતા હોય છે.
કોઇ નવો વિષય કે ન ગમતો વિષયને સરળ કેવી રીતે બનાવી શકાય ? તો આ માટે વિષય શું છે ? કંઇ બાબત પર આધારિત છે ? તેના વિશે ઉંડાણપૂર્વક વિચારવું જોઇએ કારણ કે જ્યાં સુધી એ વસ્તુઓ ખ્યાલ નહિં આવે ત્યાં સુધી તે વિષયની તમામ બાબતો કે વિષય વસ્તુ સમજાય નહિં તે સ્વભાવિક છે. એટલે સૌથી પહેલા વિષયના મૂળ હાર્દને સમજવું જરુરી બને.
– અંગ્રેજી વિષયની વાત કરીએ તો, તે મોટાભાગના વિદ્યાર્થીઓને અઘરો વિષય લાગતો હોય છે. કારણ કે સૌથી પહેલી વાત તો એ કે આ વિષય ઉપર અન્ય વિષયો જેટલુ મહત્વ આપતા ન નથી, બીજી વાત એ કે, એવું વિદ્યાર્થીઓ પાસેથી સાંભળવા મળેલું છે કે, અમે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીએ છીએ. એટલા માટે અંગ્રેજી એ અઘરો વિષય લાગે છે, કાંઇ સમજાતું નથી, શું લખવુ કે વિચારવુ ? તે ખ્યાલ જ આવતો નથી. પરંતુ એક વાત હમેંશ માટે યાદ રાખી લો કે, અંગ્રેજી શીખવા માટે અંગ્રેજી માધ્યમની જરુર નથી, એક વિષય તરીકે પણ અંગ્રેજી શખી શકાય છે. હવે પ્રશ્ન એ થાય, કેવી રીતે ? – વિદ્યાર્થી મિત્રો પાયાની બાબતો સમજવાનો પ્રયત્ન સૌથી પહેલાં કરો એટલે કે, કર્તા, કર્તા, કર્મ, વિશેષણ, ક્રિયા વિશેષણ આર્ટિકલ્સ, પ્રથમ પુરુષ એકવચન-બહુવચન, બીજો પુરુષ એકવચન-બહુવચન, ત્રીજો પુરુષ એકવચન-બહુવચન વગેરે આ તમામ પાયાની બાબતો છે, જે તૈયાર કર્યા વગર તમે વિષયને સરળ બનાવી ના શકો. આ સરળતા અલગ અલગ વિષયોમાં કઈ રીતે લાવી શકાય તે આપણે આ લેખના બીજા ભાગમાં જાણીશું…