યંગ ઇન્ડિયા ગ્રુપ વંચિતો, બાળકો માટેની સેવાનો વ્યાપ વધારશે
મોરબી : મોરબીમાં નિસ્વાર્થ ભાવે માનવતા મહેકાવી આપવાનો આનંદ સૂત્ર આપનાર યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી ને એક નહિ પરંતુ બબ્બે આંતરરાષ્ટ્રીય સંસ્થાન દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરાતા મોરબીનું નામ સમગ્ર વિશ્વકક્ષાએ ગુંજતું થયું છે. દેવેનભાઈને બબ્બે ડોક્ટરેટની ડીગ્રી એનાયત થતા તેમને મળેલું આ બહુમાન સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોની નિસ્વાર્થ સમાજ સેવાને આભારી ગણાવ્યું છે.
દિવાળી હોય કે, જન્માષ્ટમી હોય કે મકર સંક્રાંતિ દરેક તહેવારો અને પર્વ સમાજના છેવાડાના વંચિત લોકો અને ખાસ કરીને નાના બાળકો સમાજના અન્ય વર્ગની જેમ જ હસી-ખુશીથી ઉજવી શકે તે માટે છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના સભ્યો ગ્રુપના ફાઉન્ડર અને મેન્ટોર એવા દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ ગ્રુપ મેમ્બરો દ્વારા ગીવ એન્ડ જોય એટલે કે આપ્યાના આનંદના સૂત્ર સાથે નિસ્વાર્થ ભાવે પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરીની નોંધ લઈ વર્લ્ડ હ્યુમન રાઈટ કમિશન યુકે અને યુએસએ ઇન્ડિયન ચેપટર દ્વારા નવી દિલ્હી ખાતે તા.21 ફેબ્રુઆરીના રોજ ઉત્કૃષ્ઠ સમાજ સેવાને ધ્યાને લઇ એક્સલન્સી ડોક્ટરેટ એવોર્ડ સામાજીક કાર્યો માટે આપવાની સાથે આ સંસ્થાનું કાયમી માનદ આંતરરાષ્ટ્રીય સભ્યપદ પણ આપવામાં આવ્યું છે.
ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત આ વિશેષ સમારોહમાં પાપુઆ ન્યુ ગીની ડબ્લ્યુએચઓના પૌલિશ, સાઉથ આફ્રિકાના ચીફ એજ્યુકેશન ઓફિસર ક્રિસ્ટીઅન બોસ, યુએસએના કાઉન્સિલર ઓફ ટ્રેડ આલ્ફ્રેડ વિલી, કાઉન્સિલર ઓફ બુકરાનો જિન, ડાયરેકટર ઓફ ઇન્ડિયન ઇકોનોમિક કોર્પોરેશનના આસિફ ઇકબાલ, આઈએએસ ભીમબાદર પ્રધાન, હાઈ કમિશન ઓફ કેન્યા વિલી બીટ, ઇન્ટરનેશનલ ડાયરેકટર ઓફ ડબ્લ્યુએચઆરસી અભિના કે.આર.અને સુપ્રિમકોર્ટના એડવોકેટ ચારુ પ્રજ્ઞા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
મુંબઇમાં ય એવોર્ડ
આ ઉપરાંત ધી રોયલ અમેરિકન યુનિવર્સિટી (બોસ્ટન) દ્વારા તારીખ 6 માર્ચ 2021ના રોજ મુંબઇ ખાતે સામાજિક સમરસતા તથા માનવસેવા અને સમાજનાં છેવાડા લોકો માટે માનવતાભર્યા કાર્યો કરવા બદલ વિશેષરૂપે દેવેનભાઈ રબારીની સેવાઓને બિરદાવી ડોક્ટરેટ પદવી સાથે યંગર એચિવર સવોર્ડ એનાયત કરીને તેમનું વિશેષરૂપે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડો.મધુ કિશન (ચેરમેન,ડિપ્લોમેટિક મિશન અમેરિકા તથા ચીફ રેક્ટર, અમેરિકન યુનિવર્સિટી), બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોય, તથા ડો.પવન કુમાર (ભારત સ્થિત ધી રોયલ અમેરિકન યુનિવર્સિટી, બોસ્ટન)ના પ્રતિનિધિ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક સાથે બબ્બે ડોક્ટરેટ ડીગ્રી સાથે આંતરરાષ્ટ્રીયકક્ષાએ એવોર્ડ મળવાની આ સિદ્ધિને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોની મહેનત અને લગનને અભારી ગણાવી હતી અને આગામી સમયમાં પણ તેમના ગ્રુપ દ્વારા નિરંતર રીતે સમાજના વંચિત લોકો અને ખાસ કરીને બાળકો માટે આ ભગીરથ સેવા કાર્યનો વ્યાપ વધુને વધુ વિસ્તારવાની નેમ વ્યક્ત કરી હતી.