વર્ષો જૂની સોસાયટીમાં રોડના અભાવે ચોમાસામાં રહીશોની માઠી દશા
પ્રાથમિક સુવિધાના અભાવે મોરબી રવાપર રોડ પાછળ આવેલી સાયન્ટિફિક વાડી વિસ્તારની શિવ સોસાયટી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરી રોડ નહિ તો વોટ નહિ ના ઠેર-ઠેર બોર્ડ મારવામાં આવ્યા છે.
મોરબીના રવાપર રોડ અને લીલાપર રોડની વચ્ચે આવેલ સાયન્ટિફિક વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો થી શિવ સોસાયટી વસેલી છે અને લોકો નિયમિત વેરા ભરતા હોવા છતાં પાલિકાતંત્ર દ્વારા અહીં રોડ, રસ્તા, લાઈટ, ગટર કે સફાઈ જેવી પ્રાથમીક સુવિધા આપવામાં આવતી ન હોવાથી લોકો હાલાકીનો ભોગ બની રહ્યા હોય નારાજ થયેલા લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ ન થવા ઉપરાંત સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા શિવ સોસાયટીના રહીશોના બાળકોને શાળાએ પહોંચવું પણ મુશ્કેલ બનતા સ્થાનિક લોકો દ્વારા ગટરના પાણી ભરી પાલિકામાં ઠાલવી હંગામો પણ મચાવ્યો હતો.
આ સંજોગોમાં વિધાનસભા ચૂંટણી આવતા શિવ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ઠેર-ઠેર બોર્ડ લગાવી રોડ નહિ તો વોટ નહી ના સૂત્રો લખવામાં આવ્યા છે.
હોવી જોવું એ રહ્યું કે તંદુરસ્ત લોકશાહીની વાતો કરતું વહીવટી તંત્ર રોડ-રસ્તા પ્રશ્ને મતદાનનો બહિષ્કાર કરનાર શિવ સોસાયટીને ન્યાય આપી શકે છે કે કેમ ?