- સંગમના પાણીમાં મળ અને કોલીફોર્મનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું
- પ્રયાગરાજમાં 73 સ્થળથી પાણીનું ટેસ્ટિંગ કર્યા બાદ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપી માહિતી
પ્રયાગરાજ મહાકુંભમાં ગંગા-યમુનાના સંગમ પર સ્નાન ચાલી રહ્યું છે. અત્યારસુધીમાં 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે. આ દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)નો એક અહેવાલ આવ્યો છે, જેમાં જણાવાયું છે કે બંને નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) ના અહેવાલને ટાંકીને, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) ને કહેવામાં આવ્યું હતું કે સંગમ (ગંગા-જમુના) નું પાણી પીવાના પાણી તો દૂર, નહાવા માટે પણ યોગ્ય નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના વિવિધ સ્થળોએ પાણીમાં ફેકલ કોલિફોર્મનું સ્તર સ્નાન માટે પ્રાથમિક પાણીની ગુણવત્તા માટે અનુકૂળ નહોતું.
સીપીસીબીના અહેવાલ મુજબ, ગટરના ગંદા પાણીમાં ફેકલ કોલિફોર્મની સ્વીકાર્ય મર્યાદા પ્રતિ 100 મિલી 2,500 યુનિટ છે. એનજીટીના ચેરમેન જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય જસ્ટિસ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય એ સેન્થિલ વેલની બેન્ચ પ્રયાગરાજ ખાતે ગંગા અને યમુના નદીઓમાં ગટરના પ્રવાહને રોકવાના મુદ્દા પર સુનાવણી કરી રહી હતી.
આ ઉપરાંત બેન્ચે જણાવ્યું હતું કે સીપીસીબી દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા અહેવાલમાં ચોક્કસ બિન-પાલન અથવા ઉલ્લંઘનો દર્શાવવામાં આવ્યા હતા. પ્રયાગરાજમાં અલગ અલગ સમયે અલગ અલગ સ્થળોએ પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આનાથી જાણવા મળ્યું કે પાણીમાં ફેકલ કોલિફોર્મનું સ્તર નિર્ધારિત એકમો કરતા ઘણું વધારે હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહાકુંભના પવિત્ર સ્નાન પ્રસંગે લાખો લોકોએ ગંગામાં ડૂબકી લગાવી હતી, જેના કારણે પાણીમાં કોલિફોર્મનું સ્તર વધુ વધી ગયું હતું.
આ સાથે નારાજગી વ્યક્ત કરતા એનજીટી બેન્ચે કહ્યું કે, ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ કાર્યવાહી અહેવાલ દાખલ કરવા માટે અમારી સૂચનાઓનું પાલન ન કર્યું. યુપીપીસીબીએ કેટલાક પરીક્ષણ અહેવાલો સાથે ફક્ત એક કવર લેટર દાખલ કર્યો હતો, જેની સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે વિવિધ સ્થળોએ મળના કાદવ અને કોલિફોર્મનું ઉચ્ચ સ્તર મળી આવ્યું હતું.