માનવજાતને નવા નવાં સર્જનનો અને કઠોર શ્રમ ઉધમ તથા પ્રમાણિક પૂરૂષાર્થ દ્વારા રિધ્ધિ-સિધ્ધ પામવાનો રાહ બતાવતું શ્રી ગણેશનું આવાગમન: સર્વત્ર સર્વદા ‘શુભ’ના અબીલ-ગુલાલની મંગલકારી વર્ષાનો ઉત્સવ: વિઘ્ન હર્તા-શુભકર્તા ભગવાન અગ્રે અગ્રે શ્રી ગણેશ-અગ્રેઅગ્રે ગણપતિ બાપા, યુગો જૂની ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ સવા અબજ જેટલી જનસંખ્યા ધરાવતા આપણા દેશની અવનતિ અને અધોગતિ માટે જવાબદાર સહુ કોઈનો આપણી સંસ્કૃતિના પ્રતીક શ્રી ગણેશ જવાબ માગે અને ઉચિત સજા કરે એમાં જ સરવાળે દેશનું કલ્યાણ હોવાનો બહૂમતિ મત: બેસુમાર ગરીબી નહિ હટે તો રિધ્ધિસિધ્ધીના નાથ લાડુ નહિ જમવાનો દેશભરનાં ગરીબોના અંત: કરણનો પડઘો સંભવિત !
આપણો દેશ ધર્મપ્રધાન દેશ છે., આ દેશના લોકો ધર્મપરાયણ છે, આ દેશની પ્રજા ઘણેભાગે ધર્માભિમુખ રહી છે., આ દેશના નર નારી પાપ-પૂણ્યની ફિલ્સુફીને અનુસરતા રહ્યા હતા., આ દેશમાં મંદિર-સંસ્કૃતિને આદર અપાય છે. આપણો દેશમાં દેશવાસીઓનો એક મોટો વર્ગ એવું કહેતો થઈ ગયો છે કે આ દેશમાં ક્રમે ક્રમે રાજસત્તા અને ધર્મસત્તા બંને તેમના કર્તવ્યોમાં નિષ્ફળ ગયા છે.
અભિપ્રાયભેદ તો માનવ-માનવ વચ્ચે રહ્યા કરે છે. પરંતુ આ દેશમાં બેસુમાર ગરીબાઈ પ્રવર્તે છે. અને આ દેશની મુખ્ય સમસ્યા સતત વધતી રહેલી ગરીબાઈની જ છે, એ બાબતમાં કોઈ અભિપ્રાયભેદ નથી!
આપણા દેશમાં અસહાય ગરીબોને દરિદ્ર નારાયણ કહીને બિરદાવાય છે. અને બહુમાનિત કરવામા આવે છે, જો કે રસ્તા ઉપર ભીખ માગીને માંડ માંડ પેટ ભરતા ચીંથરે હલ ભીખારીને નારાયણ સ્વરૂપ માનીને કોઈ ખાવાનું લઈ આપતા નથી. મોટા ભાગે અહીં ગરીબો અને તેના બાળકો હાડય હાડય થાય છે!
આપણે ત્યાં રિધ્ધિ-સિધ્ધિના નાથ ગણાતા શ્રી ગણેશનું ગણપતિ બાપાનું છેલ્લા અમુક દિવસોમાં આવાગમન થયું.
શ્રી ગણેશનું આગમન થયું. શ્રી ગણેશ પધાર્યા, ભકતોએ એમને આવકાર્યા, હોંશે હોંશે વધાવ્યા. ભગવાનસમા મહેમાન તરીકે નિવસિત કર્યા. શાસ્ત્રોકત વિધિવિધાન પૂર્વક્એમની પૂજાઅર્ચના કરી. મોંઘેરા મહેમાન તરીકે જ નહિ પણ સહૂથી નીકટના સ્વજન તરીકે એમના ઓવારણા લીધા.
એમને ઈચ્છિત વિદાય આપી અને અપેક્ષીત બધું વિનવણીપૂર્વક માગ્યું પણ ખરૂં અને મેળવ્યું પણ ખરૂં ! વહેલા વહેલા પૂન: પધારવાનું નિમંત્રણ પણ આપ્યું, એવી ભાવના સાથે કે, હમણા સુધી તમે અમારી વચ્ચે, અમારી સાથે રહ્યા હતા હવે તમે સ્વયં વિદાય લો છો ત્યારેય અમે તમને વિસારીએ અને તમે પૂન: પધારવાની કૃપા કરશો ત્યાં સુધી અમે તમને અમારા હૃદય-મનમાં રાખશું અને વંદના કરશું.
અમારા ઘરને, અમારા પરિવારને, અમારા સમાજને તથા અમારા દેશને તમે સુખ-સંતોષ તથા સંપત્તિ સન્મતિ, સમૃધ્ધિ, સુયશ અને શ્રમ-ઉધમ અને તમામ વ્યાપાર વ્યવહારોને એમની લાયકાત મુજબ બક્ષજો, કૃપા કરજો…!
શ્રીગણેશના આવાગમનનો એવો સંદેશ આપણે સૌએ ઝીલ્યો-ઝીલવાનો છે કે વિસર્જન વિના નવસર્જન નથી થાતાં, અને ખંડેર વિના મેડીઓ -મહેલાતો નથી સંભવતા… માનવ જાતને નવાં નવાં સર્જનનો અને કઠોર શ્રમ-ઉધમ તથા પ્રમાણિક પૂરૂષાર્થ દ્વારા રિધ્ધિસિધ્ધિનો રાહ આપણે કંડારવાનો છે. હવે પછી પણ સર્વત્ર અને સર્વદા શુભના અને શુકનના અબીલ-ગુલાલની મંગલમય વર્ષાના ઉત્સવો આપણે શ્રી ગણેશના ભકતોએ ઉજવાના છે. અને તે પણ પૂરેપૂરા ભકિતભાવે ઉજવવાના છે. વિઘ્ન હર્તા અને શુભકર્તા આ ભગવાનને ભકિતભાવે અગ્રે અગ્રે રાખવાના છે. કારણ કે યુગોજૂની ભારતીય સંસ્કૃતિનું એ અભિન્ન અંગ છે.
આવી સંસ્કૃતિ અને સંસ્કારિતા તથા સભ્યતા બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્ર્વરની પરમકૃપા સાથે આપણા ઋષિમૂનિઓનાં તપ દ્વારા નિષ્પન્ન થયા છે. અને વિશ્વભરમાં કયાંય તેનો જોટો નથી એમ માનવાનું સમજવાનું છે.
ગણપતિ જનગણના નેતા ગણાય છે. તેમના નયનો સમગ્ર વહીવટને ઝીણી આંખે અને ઝીણામાં ઝીણી નજરે જોવાનો ઉપદેશ આપે છે. તેમના કાન મોટા અને પહોળા છે. તે જનગણને શાંતિ ચિત્તે સાંભળવાનો સંકેત આપે છે. તેમનુંપેટ મોટું છે. એમાં સમગ્ર સમાજ પાસેથી સાંભળેલું બધું જ પેટમાં ઉતારી જવાનો સંકેત છે. તેમનું વાહન ઉંદર છે, અને ઉંદર તમામ જીવો કરતાં સૌથી વધુમાં વધુ ઉધમી છે. પીંજરૂ લોઢાનું હોવા છતાંતે એની સાથે તેનાંતીણા દાંત વડે એને કોરી ખાવાનો (અર્થાંત્ કટકટ કર્યા કરવાનોરૂ અધમ કર્યા કરે છે. અને જે સતત ઉધમ કરે છે, એ રિધ્ધિસિધ્ધિ પામે છે.
ગણશ ચતુર્થીનો તહેવાર ધાર્મીક પણ છે. અને સાંસ્કૃતિક પણ છે. વિસર્જન-નવસર્જનનો મહત્વનો બોધ એમાંથી નિષ્પન્ન થાય છે.
આવતા વર્ષે જયારે શ્રી ગણેશનું પૂન: આવાગમન થાય તે સમય દરમ્યાન શ્રી ગણેશ આપણા સહુ માટે, સમગ્ર સમાજને માટે અને દેશને માટે વિકાસની અને લાભશુભની નવી નવી દિશાઓ ખૂલે, નવાં નવાં સર્જનોનાં દ્વાર ખૂલે, ગરીબાઈ હટે અને પ્રત્યેક નવા દિવસો નવા મજાનાં સૂર્યોદયનું સૌભાગ્ય સાંપડે.