દેશમાં કાળુ નાણું અટકાવવું ખૂબ જ જરૂરી, મની લોન્ડરિંગ કાયદાનો આશય ખૂબ જ ઉમદા છે : ચીફ જસ્ટિસ
મની લોન્ડરિંગના કાયદા પીએમએલએ હેઠળ ધરપકડ સહિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની શક્તિઓ જાળવી રાખવાના તેના ચૂકાદાની સમીક્ષા કરતી અરજી પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે પીએમએલએ હેઠળ ઈડીની શક્તિઓને પડકારતી કરેલી અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમે કહ્યું પીએમએલએ કાયદો દેશ માટે ખૂબ જ જરૂરી છે.
દેશના વિકાસમાં મની લોન્ડરિંગ સૌથી મોટા વિઘ્નો પૈકી એક છે. મોટાભાગનું કાળું નાણું હવાલા મારફત દેશમાં ઠલવાતું હોય છે. ત્યારે મની લોન્ડરિંગ અટકાવવું ખૂબ જ જરૂરી છે અને તેના માટે જ ઇડીનો અધિકારક્ષેત્ર વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, હવે ઇડીનો અધિકારક્ષેત્ર વધતા તેનો ઉપયોગ રાજકીય પાવર તરીકે કરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે. ત્યારે હવે મની લોન્ડરિંગના કેસને વધુ મજબૂત બનાવવામાં આવે તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે તેવું સુપ્રીમે પણ નોંધ્યું છે. જો કેસના પુરાવા મજબૂત હશે તો આરોપી વિરુદ્ધનો ગુન્હો સાબિત કરવો પણ સસરળ બની જશે અને ઇડીની કાર્યવાહી પર આંગળી પણ ચીંધી શકાશે નહીં.
મની લોન્ડરિંગ એક્ટ અંગે સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની આગેવાનીવાળી બેન્ચે કહ્યું કે અમારું માનવું છે કે પીએમએલએ ચૂકાદાના માત્ર બે મુદ્દાઓ પર પ્રથમદર્શી રીતે પુનર્વિચારણા કરવાની જરૂર છે. આ બે મુદ્દાઓમાં આરોપીને એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફર્મેશન રિપોર્ટ (ઈસીઆઈઆર)ની નકલ ન આપવી અને નિર્દોષ હોવાના અનુમાનને ઉલ્ટો કરવાનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ, ન્યાયાધીશ દિનેશ માહેશ્વરી અને ન્યાયાદીશ સીટી રવિકુમારની બેન્ચે કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની વિનંતીને બુધવારે સ્વીકારી લીધી હતી. આ અરજીમાં ચિદમ્બરમે પીએમએલએ હેઠળ ધરપકડ, તપાસ અને સંપત્તિની જપ્તીના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની શક્તિઓને જાળવી રાખવાના સુપ્રીમ કોર્ટના ગયા મહિને અપાયેલા ચૂકાદા પર પુનર્વિચાર કરવા માટે ખુલ્લી અદાલતમાં સુનાવણીની વિનંતી કરી હતી. આ સુનાવણીની વિશેષતા એ હતી કે તે ખુલ્લી કોર્ટમાં થઈ હતી, જેમાં મીડિયા અને સામાન્ય લોકોને કોર્ટની કાર્યવાહી જોવાની મંજૂરી અપાઈ હતી.બેન્ચે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દેશમાં કાળા નાણાં અને મની લોન્ડરિંગને રોકવાનું સંપૂર્ણ સમર્થન કરે છે. દેશમાં આ પ્રકારના ગૂનાઓને ચલાવી લઈ શકાય નહીં. આ સંદર્ભમાં વધુ દલીલોની કોઈ જરૂર નથી. અમારા ત્રણેયનું સ્પષ્ટ માનવું છે કે પીએમએલએ અંગેના અગાઉના ચૂકાદામાં માત્ર બે જ પાસા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. આ કાયદાનો ઉદ્દેશ્ય ઉમદા છે અને મની લોન્ડરિંગનો ગૂનો ખૂબ જ ગંભીર છે.
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ભારત વ્યાપક સ્તરે વૈશ્વિક માળખાનો એક ભાગ છે અને આપણો કાયદો વૈશ્વિક માળખા સાથે સુસંગત છે તથા આ કાયદા અંગે અમે ખુલાસો કર્યો હતો અને બેન્ચે તેની પૂરેપૂરી ચકાસણી કરી હતી. આપણો કાયદો માત્ર વૈશ્વિક માળખા જ નહીં આપણા બંધારણને પણ અનુરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાયદામાં થોડોક પણ ફેરફાર ભારતને વિશ્વમાં એવા અન્ય દેશોની યાદીમાં ધકેલી દેશે, જ્યાં તેને ચોક્કસ નાણાકીય સહાય મળી શકશે નહીં તેમ મહેતાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સુપ્રીમની નોટિસ માત્ર આ બે મુદ્દા પુરતી મર્યાદિત રાખવી જોઈએ. આ કાયદાની સમીક્ષા કરવાની કોઈ જરૂર નથી.