- મહાનગરપાલિકા વિસ્તારમાં કારના રજિસ્ટ્રેશન ઉપર વધુ વેરો લાગતો હોય, બચત માટે ગ્રામ્ય વિસ્તારમાં રજિસ્ટ્રેશન કરાવવાનો નવો ટ્રેન્ડ
- જીજે 1 કરતા જીજે 38ની બોલબાલા
અમદાવાદમાં રૂ. 50 લાખથી વધુની બેઝ પ્રાઈઝ સાથે રસ્તાઓ પર દોડતી 25 લક્ઝરી કારમાંથી સરેરાશ નવની નોંધણી ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને બાવળામાં થાય છે. આ સેગમેન્ટમાં કુલ રજીસ્ટ્રેશનના 35% થી વધુ છે. પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં લકઝરી નોંધણી કરવાનો ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાર ખરીદનારાઓએ વાહનની મૂળ કિંમતના 1% થી 5% સુધીનો કોર્પોરેશન ટેક્સ ચૂકવવો પડશે. ઉદાહરણ તરીકે, જો વાહનની મૂળ કિંમત રૂ. 87 લાખ છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રહેતા વ્યક્તિએ કોર્પોરેશન વાહન ટેક્સ તરીકે રૂ. 4.35 લાખ ચૂકવવા પડશે, જ્યારે રાજકોટમાં તે રૂ. 2.61 લાખ છે, વડોદરામાં રૂ. 2.17 લાખ અને સુરતમાં 3.48 લાખ થશે. કોર્પોરેશનો દ્વારા રજીસ્ટ્રેશન ફી ઉપરાંત વાહન વેરો લેવામાં આવે છે. પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે 1 જાન્યુઆરીથી 20 મે સુધીમાં અમદાવાદ જિલ્લામાં લગભગ 28,900 કાર રજીસ્ટર થઈ હતી, જેમાંથી 50%થી વધુની કિંમત રૂ. 25 લાખથી વધુ હતી, જ્યારે 30 ટકાની કિંમત રૂ. 25 લાખથી વધુ હતી અને 20%ની કિંમત રૂ. 10 લાખથી ઓછી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે રૂ. 10 લાખથી ઓછી કિંમતના સેગમેન્ટમાં નોંધણી ઓછી હતી, જ્યારે રૂ. 15 લાખથી વધુ કિંમતના સેગમેન્ટમાં ટકાવારી ઘણી વધારે હતી.
રાજકોટ, વડોદરા અને સુરતમાં માત્ર એક જ આરટીઓ છે, જ્યારે અમદાવાદ પાસે ત્રણ છે – શહેર માટે અમદાવાદ (જીજે-01), શહેરના પૂર્વ ભાગ માટે વસ્ત્રાલ (જીજે -27) અને ગ્રામીણ વિસ્તારો માટે બાવળા (જીજે-38) છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં સરેરાશ રૂ. 80 લાખથી વધુની કિંમતની 25 કારમાંથી, 8 ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને બાવળામાં રજીસ્ટર થાય છે, જે આ સેગમેન્ટમાં કુલ રજીસ્ટ્રેશનના 30% જેટલા છે. અધિકારીએ કહ્યું કે જેમ જેમ મૂળ કિંમત વધે છે તેમ તેમ ગ્રામીણ વિસ્તારોમાં આવી કારના રજીસ્ટ્રેશનની સંખ્યામાં પણ વધારો થાય છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ વર્ષે 20 મે સુધી બાવળામાં 5,508 કાર રજીસ્ટર થઈ છે, જેમાંથી 40%થી વધુની કિંમત 25 લાખ રૂપિયાથી વધુ છે.
અધિકારીએ જણાવ્યું કે રૂ. 25 લાખની મૂળ કિંમતવાળી કાર માટે કોર્પોરેશન વિસ્તારોમાં વાહન વેરો લગભગ રૂ. 1.25 લાખ હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે એક બેઠક દરમિયાન અધિકારીઓએ ખાસ કરીને વિદેશી કાર માટે એક સમાન વાહન ટેક્સ માળખાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે કારણ કે અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં લક્ઝરી કાર ખરીદનારાઓએ વાહન નોંધણી પર મોટી રકમ ચૂકવવી પડે છે અને તેનો લાભ મેળવવા માટે તેઓએ માત્ર પોલીસ વેરિફિકેશન સાથે ભાડા કરાર રજૂ કરવાનો હોય છે,” અધિકારીએ જણાવ્યું હતું.