રૂ. ૨૪.૧૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૩ પ્રકલ્પોનું મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-ખાતમુહૂર્ત કર્યુ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ શહેરની માળખાગત સવલતો માટે રૂપિયા ૨૪.૧૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ પ્રકલ્પોનું ગાંધીનગર ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ ખાતે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા, મેયર ધીરૂભાઇ ગોહેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
મુખ્યમંત્રીએ જૂનાગઢનાં શહેરીજનો માટે પાયાની સવલતોના સુદ્રઢ વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, રસ્તા- પાણી, ભૂગર્ભ ગટર, સલામતી, સફાઇ સહિતની બાબતો પાયાની જરૂરિયાતો છે. જેમાં સરકાર કોઇપણ જાતની કચાશ રાખશે નહીં. વિકાસની સાથે પર્યાવરણ જાળવણીને પણ પ્રાધાન્ય અપાશે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભૂગર્ભ ગટરનું કામ બે વર્ષ સુધી ચાલે, લોકોને થોડી તકલીફ પડે, પરંતુ ત્યારબાદ કાયમની નિરાંત થઈ જશે. રાજકોટમાં પણ ભૂગર્ભગટર નિર્માણ વખતે રસ્તાઓ ખોદાયા હતા, પરંતુ આજે રાજકોટના રસ્તાઓની કાયાપલટ થઈ ગઈ છે. ત્યારે જૂનાગઢમાં પણ રસ્તાઓની કાયાપલટ થશે. તમામ કામ ઝડપથી પૂર્ણ થાય, ગુણવત્તાવાળા થાય તેવી મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
ઈ-ખાતમૂહુર્તનાં પ્રારંભે મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં બનેલ દુ:ખદ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ખાતમુહૂર્ત થયેલ પ્રોજેકટોમાં સ્વચ્છ ભારત મીશન અંતર્ગત ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે બાયો મિથેનેશન પ્લાન્ટનું કામ રૂ. ૪.૬૯ કરોડ ઉપરાંત અમૃત સ્કીમ અંતર્ગતના વોટર પ્રોજેક્ટસના વિવિધ ઝોન ૪, ૫, ૯ અને ૧૦ ના જુદાજુદા વિસ્તારોમાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઉચીટાંકી, ભુગર્ભ ટાંકી (સંપ) પમ્પીંગ સ્ટેશન, મશીનરી કમ્પાઉન્ડ વોલ માટે રૂ.૧૧.૪૬ કરોડ તેમજ લેગેસી વેસ્ટ જૂના ઘન કચરા નિકાલ માટે રૂ. ૮ કરોડના કામોનો સમાવેશ થાય છે.
જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ કહ્યું કે, જૂનાગઢ માટે સોનેરી દિવસ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન આપણે સાર્થક કરવાનું છે. તેમણે જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લાના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે, તેમ ઉમેર્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, નાયબ મેયર હિમાંશુભાઈ પંડ્યા, વોટર વર્કસ કમિટિના ચેરમેન લલિતભાઈ સુવાગિયા, કોર્પોરેટરો, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભમાં જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલે સ્વાગત પ્રવચન સાથે જૂનાગઢ શહેરમાં કાર્યરત વિકાસકામોની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતે કમિશનર તુષાર સુમેરાએ આભાર વિધિ કરી હતી.
જૂનાગઢનો કચરો હવે કોર્પોરેશન માટે આવકનું સાધન બનશે
જૂનાગઢ શહેરમાંથી દૈનિક ૧૩૦ મેટ્રિકટન જેટલો ઘન કચરો કોર્પોરેશન દ્વારા એકઠો કરવામાં આવે છે. જેમાં ૫૫.૭૬ મેટ્રિકટન જેટલો બાયોડિગ્રેડેબલ (ગ્રીનવેસ્ટ) ઉત્પનન થાય છે, આ વેસ્ટમાંથી બાયો મીથેશન પ્રોસેસ દ્વારા સી.એન.જી બનાવાશે, સી.એન.જી તેમજ તેમાંથી બનતુ ઓર્ગેનિક ખાતર જૂનાગઢ કોર્પોરેશન માટે આવકનું સાધન બનશે. રૂપિયા ૪.૬૯ કરોડનાં ખર્ચે ઇવનગર સાઇટ પર બનનાર બાયો મિથેશન પ્લાન્ટનું કામ આઠ માસમાં પૂર્ણ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા દૈનિક ૧૫ મેટ્રિકટન ગ્રીનવેસ્ટમાંથી અંદાજીત ૫૦૦ કિલોગ્રામ સી.એન.જી ઉત્પાદિત થશે જેને બોટલિંગમાં સંગ્રહ કરાશે. આ ઉપરાંત દૈનિક ૧૦૦૦ થી ૧૫૦૦ કિલોગ્રામ ઉચ્ચ કક્ષાનું ઓર્ગેનિક ખાતર પણ ઉત્પાદિત થશે. પ્રતિ મેટ્રિક ટન રૂ. ૮૦૦ જૂનાગઢ મહાનગરપાલીકાને આવક કરશે.
રૂ.૧૧.૪૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા પ્રોજેક્ટથી ચોબારી, ઝાંઝરડા અને જોષીપરાના ૯૦ હજાર લોકોને પૂરતા ફોર્સથી પાણી મળશે
આજે જૂનાગઢના ઝાંઝરડા, ચોબારી અને જોષીપરા વિસ્તારના ૯૦ હજાર જેટલા લોકોને પૂરતા ફોર્સથી પાણી આપવા રૂા. ૧૧.૪૩ કરોડના પ્રોજેક્ટનું ઈ-ખાતમૂહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જૂનાગઢના ઝોન ૪, ૫, ૯ અને ૧૦ ના ઝાંઝરડા, ચોબારી અને જોષીપરા વિસ્તારના ૯૦ હજાર લોકો માટે વિકાસ કામો થશે. આ કામગીરી પૂર્ણ થતા ૧૨૨.૨૦ લાખ લીટર પાણીની સંગ્રહ ક્ષમતાનો વધારો થશે અને અંદાજિત ૯૦ હજાર લોકોને ઘરે-ઘરે પૂરતા ફોર્સથી પાણી ની સુવિધા ઉપલબ્ધ બનશે.