265 એકર જેટલી જમીન એરપોર્ટ ઓથોરિટીની : જમીનનું શુ કરવું તે અંગે રાજ્યનો સિવિલ એવીએશન અને કેન્દ્રનો ઉડ્ડયન વિભાગ નિર્ણય લેશે
રાજકોટનું જૂનું એરપોર્ટ થોડા જ દિવસમાં બંધ થવાનું છે. ત્યારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કહ્યું છે કે આ એરપોર્ટની જમીનમાં કોઈ ખાનગી વ્યક્તિનું હિત નથી. જમીનનું શુ કરવું તે અંગે રાજ્યનો સિવિલ એવીએશન અને કેન્દ્રનો ઉડ્ડયન વિભાગ નિર્ણય લેશે.
રાજકોટની ભાગોળે હિરાસર ગામે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ 27 જૂલાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે ઉદ્ઘાટન થયાના દોઢ મહિના પછી નવા એરપોર્ટ પરથી ફ્લાઈટનું સંચાલન શરૂ થનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે આગામી 10 સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન નવા એરપોર્ટ પરથી થશે અને જૂના એરપોર્ટ પરથી આઠ સપ્ટેમ્બરે છેલ્લી ફ્લાઈટ ઉડાન ભરશે. જ્યારે તેના પછીના દિવસ એટલે કે નવ સપ્ટેમ્બરે એરપોર્ટ પર ફ્લાઈટનું સંચાલન બંધ રહેશે.
જૂનું એરપોર્ટ 265 એકરમાં પથરાયેલું છે. આ જમીન જે તે સમયે એરપોર્ટ માટે આપનાર રાજવી પરિવારને પરત આપી દેવામાં આવશે કે કેમ તે અંગે શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. પણ આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કહ્યું કે આ જમીન હાલ સરકારી ચોપડે એરપોર્ટ ઓથીરિટીના નામે છે.
કોઈ પણ ખાનગી વ્યક્તિનું હિત આ જમીનમાં નથી. આ જમીનનું શુ કરવું તે રાજ્યનો સિવિલ એવીએશન અને કેન્દ્રનો નાગરિક ઉડ્ડયન વિભાગ સંયુક્ત રીતે નિર્ણય લેશે. બીજી તરફ સુત્રોમાંથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ વિશાળ જમીન કોઈ સરકારી પ્રોજેકટ માટે ઉપયોગમાં લેવામાં આવે તેમ છે.