નાગરિકતા ન હોય તેવી વ્યક્તિને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સવલત નહીં આપવાની રાજ્ય સરકારની નીતિ પર પ્રતિબંધ મુકતું હાઇકોર્ટ !!
ગુજરાત હાઈકોર્ટે સોમવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે સોમવારે માનવ અવયવો અને પેશીઓના પ્રત્યારોપણ અધિનિયમ, 1994(ટ્રાન્સપ્લાન્ટ ઓફ હ્યુમન ઓર્ગન્સ એન્ડ ટીસ્યુસ એક્ટ,1994) ની જોગવાઈઓ હેઠળ શબમાંથી અંગોના પ્રત્યારોપણમાં ગુજરાતના રહેવાસીઓને પ્રાધાન્ય આપતી રાજ્ય સરકારની નીતિને રદ કરી દીધી છે.
મામલામાં ચુકાદો આપતા કોર્ટે કહ્યું કે, રાજ્ય માત્ર તેના નિવાસસ્થાન માટે સ્વાસ્થ્ય અને જીવનના અધિકારને રોકી શકે નહીં. આ અધિકાર વ્યક્તિ માટે ઉપલબ્ધ છે અને નાગરિક પૂરતો મર્યાદિત નથી.
આ સાથે ગુજરાત બહારની વ્યક્તિ ડોમિસાઇલ સર્ટિફિકેટ વિના અંગ મેળવનારની રાજ્યની યાદીમાં નોંધણી કરાવી શકશે. રાજ્યની હાલની માર્ગદર્શિકા ખાસ કરીને ગુજરાત મૃત દાતા અંગ અને પેશી પ્રત્યારોપણ માર્ગદર્શિકા (જી-ડોટ) ની કલમ 13.1 અને 13.10(સી) કહે છે કે ગુજરાત નિવાસી દરજ્જા વિના વ્યક્તિને પ્રાપ્તકર્તાઓની યાદીમાં અગ્રતા મળતી નથી અને તે નોંધણી કરાવી શકતી નથી.
જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું કે, જી-ડોટની આ બે કલમો એક્ટ અને નિયમોની જોગવાઈઓ વિરુદ્ધ છે. ફકરા નં.13(1) અને 13(10)(સી) દ્વારા, રાજ્યએ દર્દીના અંગ પ્રત્યારોપણ માટે રાજ્યની સૂચિમાં નોંધણી કરાવવા માટે તેની નોંધણી માટે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂરિયાતનો નવો માપદંડ દાખલ કરવાનો પ્રયાસ કર્યો છે. નિયમો ક્યાંય આવા માપદંડ માટે પ્રદાન કરતા નથી, તેવું કોર્ટે કહ્યું છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે નિયમોમાં જોગવાઈ છે કે દર્દી કોઈપણ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર દ્વારા નોંધણી કરાવી શકે છે, પરંતુ રાજ્ય અથવા પ્રદેશના માત્ર એક કેન્દ્ર પર જ નોંધણી કરાવી શકે છે. અદાલતે નોંધ્યું છે કે, આ પ્રકારના નિયમો સત્તાની અતિશયોક્તિ સમાન છ. આ ગાઈડલાઈન ગેરબંધારણીય, કારણહિન અને બંધારણીય અધિકારોના ઉલ્લંઘન સમાન છે.
આ મામલે હાઈકોર્ટમાં ત્રણ પિટિશન દાખલ કરવામાં આવી હતી. પ્રથમ પિટિશન એક કેનેડિયન નાગરિક હેમાલી અજમેરાની હતી. જેને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. તેણી 13 વર્ષથી ભારતમાં રહે છે, પરંતુ તેણીને ડોમિસાઇલ પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાથી તેનું નામ રાજ્યની સૂચિમાં નોંધાયેલું ન હતું અને તેને પસંદગી મળી ન હતી. બીજી અરજી વિદ્યા શાહ દ્વારા કરવામાં આવી હતી, જે ગુજરાતી મૂળની પરંતુ મધ્યપ્રદેશની રહેવાસી છે, જેને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે.
ત્રીજા અરજદાર ઝારખંડના હિમાંશુ શેખર હતા, જેમને કિડનીની જરૂર હતી. તેઓ સાત વર્ષથી અમદાવાદમાં નોકરી કરે છે અને રહે છે. તેમના નામ પ્રાપ્તકર્તાઓની યાદીમાં નોંધાયેલા નહોતા કારણ કે તેઓ ગુજરાતના નિવાસી નથી.
હાઈકોર્ટના વચગાળાના આદેશો પર સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા તેમના નામની નોંધણી કરવામાં આવી હતી.
જો કે, રાજ્ય સરકારે કેડેવર ટ્રાન્સપ્લાન્ટમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવાની તેની નીતિનો બચાવ કર્યો હતો અને દલીલ કરી હતી કે આ અંગ પ્રત્યારોપણના વ્યાપારીકરણને રોકવા અને અંગ પ્રત્યારોપણ પ્રવાસનને રોકવા માટે છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે દાનની અછતને કારણે આ પગલું અપનાવવામાં આવ્યું હતું.
કોર્ટે આ દલીલ સાથે સહમત ન થતાં કહ્યું કે આ કાયદાનો હેતુ અંગોના વેપારને રોકવાનો છે. અધિનિયમ અને નિયમોનો ઉદ્દેશ્ય ક્યારેય રાજ્યના નિવાસીઓને તબીબી સારવાર પર રોક લગાવવાનો ન હતો. ભારતના બંધારણની કલમ 21નું અર્થઘટન કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ’આરોગ્યનો અધિકાર’ એક અભિન્ન અંગ છે. ’જીવનનો અધિકાર’ અને રાજ્યની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની બંધારણીય જવાબદારી છે. અરજદારો કે જેઓ ગુજરાતના નિવાસી નથી તેઓને તબીબી સારવારનો ઇનકાર ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે, તેવું કોર્ટે અવલોકન કર્યું છે.