નોન કન્ટેન્મેન્ટ ઝોનના લોકોને અન્ય જિલ્લામાં કે શહેરમાં જવા માટે કોઈ પણ પ્રકારની મંજૂરી કે પાસ નહિ લેવો પડે
સવારથી જિલ્લા ફેર કરવા અંગે લોકોમાં પ્રવર્તી રહેલી અસમંજસની સ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા
ગઈકાલે રાજ્ય સરકારે નોન કન્ટેન્મેન્ટ ઝોનને છૂટછાટ આપવાની મહત્વની જાહેરાત કરી હતી. પરંતુ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જે મુદ્દે આજે સવારથી અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. માટે નાયબ મુખ્યમંત્રીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરીને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસની જરૂર નહીં પડે તેવુ જણાવ્યું છે.
લોકડાઉન -૪માં આજથી નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઘણી મોટી રાહત આપવામાં આવી છે. આ ઝોનમાં દુકાનો ખોલવાની છૂટ અપાઈ છે. સાથોસાથ પાસ વગર અવર જવર કરવાની પણ છૂટ આપવામાં આવી છે. પરંતુ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પાસ વગર આવવા – જવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. જો કે આજ રોજ મોટી સંખ્યામાં લોકો જિલ્લા ફેર કરવા નીકળી પણ પડ્યા હતા. ત્યારે અમુક જિલ્લામાં એન્ટ્રી અપાતી હતી. પરંતુ અમુક જિલ્લામાં નો એન્ટ્રી લાગુ કરીને લોકોને પાછા મોકલવામાં આવતા હતા.
જિલ્લા ફેર અંગે જનતામાં આજ સવારથી અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. આ અંગે કલેકટર તંત્રને પણ કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન આપવામાં આવી ન હતી. માટે કલેકટર તંત્રએ પણ લોકોને ધીરજ રાખવા અનુરોધ કર્યો હતો. જો કે આ વિટંબણાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી છે કે નોન કન્ટેન્મેન્ટ ઝોનમાંથી લોકો પાસ વગર અન્ય શહેર કે જિલ્લામાં જઇ શકશે.
ઉલ્લેખનીય છે કે કન્ટેન્મેન્ટ ઝોનના લોકોને બહાર જવા પર પ્રતિબંધ છે. માટે તેઓને આ જાહેરાત લાગુ પડશે નહિ.
ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકોને આવવા પણ મળશે નહીં. રાજય સરકારની આ સ્પષ્ટતાથી સવારથી પ્રવર્તી રહેલી અસમંજસની સ્થિતિનો અંત આવ્યો છે. વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા લોકોને ખાસ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
જો કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા લોકોએ ટુ વહીલર અને કારમાં જવા માટે નિયમોનું અનુકરણ ફરજિયાત પણે કરવું પડશે.
જેમાં ટુ વહીલરમાં માત્ર એક વ્યક્તિ જ જઈ શકશે અને ફોર વહીલરમાં માત્ર ડ્રાઇવર અને બે જ વ્યક્તિ જઈ શકશે. ઉલ્લેખનીય છે કે કેબ અને ઓટો સેવા પણ શરૂ થઈ છે. અને એસટી સેવા એકાદ બે દિવસમાં શરૂ થવાની છે. પરંતુ ખાનગી બસ સેવા ઉપર હજુ પાબંધી યથાવત રહી છે. આ સેવા આગામી દિવસોમાં શરૂ થનાર છે.