ગાંધી જયંતી નિમિત્તે ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલનપુરની પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે કર્યો સીધો સંવાદ
અબતક, રાજકોટ : આજે ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરાયુ હતું. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. જેમાં પાલનપુરના પીપળી ગામના સરપંચ રમેશભાઈ પટેલ સાથે પ્રધાનમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ સરપંચ પાસે ગામમાં પાણીની વ્યવસ્થા અને ગુણવત્તા અને લોકોના સહકાર વિશે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતી કહેવત ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય…’ તેવુ કહીને ગામલોકોનો જુસ્સો વધાર્યો હતો. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં પાણીની તંગી અને તેની મહત્વતા વિશે વાત કરી લોકોને પાણીનું મહત્ત્વ સમજાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીંપળી ગામના લોકો સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી જળ જીવન મિશનની વાતચીત કરી. આ સંવાદમાં પીંપળી ગ્રામસભાએ પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. પીએમ મોદીએ ગામ લોકો સાથે અનેક મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ ગામના સરપંચ રમેશભાઈને પૂછ્યુ હતું કે, તમારા ગામમાં કેટલા ટપક સિંચાઇ પદ્ધતિ સાથે જોડાયેલા છે? તેમણે જવાબ આપ્યો હતો કે, ગામના 95 ટકા લોકો જોડાયા છે. આ ઉપરાંત પીએમ મોદીએ સવાલ કર્યો હતો કે, જ્યારે ચૂંટણી આવશે ત્યારે ગામથી બીજા ચૂંટણી લડશે અને કહી દેશે કે પાણી મફત આપીશું તો શુ કરશો? જેના જવાબમાં સરપંચે કહ્યુ કે, મફત પાણીની વાતો કરનારા પણ જાણે છે કે અમારી પાસે પાણી ઓછું છે, અનમોલ છે, પાણી આપવાનું પણ છે અને યોગદાન લેવાનું પણ છે. આમ અંતે, પીએમ મોદીએ ગામવાસીઓને કહ્યુ હતુ કે, આપણે ગુજરાતીમાં કહેવત છે, સિદ્ધિ તેની જોડે જાય જે પરસેવે નહાય, તમારા ગામના તમામ લોકોએ શ્રમ કર્યો તેનો ફળ તમને મળી રહ્યો છે. તમારા જેવા નાગરીકોનો શ્રમ જ સાચી શક્તિ છે.
વધુમાં મોદીએ કહ્યું કે, ભલે તે પૂર્વોત્તર હોય કે બુંદેલખંડ, દેશનો કોઈ પણ ભાગ પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરે. જળ જીવન મિશનના ફાયદાઓ જણાવ્યા અને લોકોને જાણ કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ કેવી રીતે જળ જીવન મિશન યોજનાનો લાભ મેળવી શકે છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેઓ દરરોજ તે કામમાં રોકાયેલા છે, જેથી દેશની માતાઓ અને બહેનોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે.
વડાપ્રધાન સાથે સંવાદના સમાચારથી જ પીપળી ગામ સહિત સમગ્ર પંથકમાં ગર્વની સાથે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. આ માટે તડામાર તૈયારીઓ કરાઈ હતી. આજે 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જયંતિ પ્રસંગે રાજ્યભરમાં સફાઇ અભિયાન સહિત રાજ્યની 14250 ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. આ કારણે હાલ નાનકડુ એવુ પીપળી ગામ સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યુ છે. જેને લઈને પીપળી ગામના લોકો સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશી ફેલાઈ છે.
ઉલ્લેખનીય છે કે પાલનપુરનું પીંપળી ગામ દેશનું પ્રથમ ‘નીરોગી’ ગામ બન્યું છે. નળ, ગટર, રસ્તા અને સફાઇમાં અવ્વલ છે. ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી, આ ગામમાં એકપણ ખુલ્લી ગટર નથી, જેથી મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહિવત્ જેટલો છે.
કૃષિ કાયદાઓના વિરોધીઓને મોદીએ આકરા પ્રહાર કર્યા, વિપક્ષનો પણ ઉધડો લીધો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે વિપક્ષ ખેડૂતોની સાથે દગો કરી રહ્યુ છે. અત્યાર સુધી સત્તા માટે સરકાર ચલાવવામાં આવતી હતી અને હવે જનતા માટે સરકાર ચાલે છે.
પીએમ મોદીએ કહ્યુ કે જે લોકો આજે ખેડૂત હિતેચ્છુ સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેમની પર નજર નાખીએ તો આપને બૌદ્ધિક બેઈમાની અને રાજકીય દગાખોરીનો સાચો અર્થ જોવા મળશે. વડા પ્રધાન મોદીએ કહ્યુ કે આ તે જ લોકો છે જે પહેલા મુખ્યમંત્રીઓને પત્ર લખીને માગ કરતા હતા જે આજે સરકારે કર્યુ છે. અમે દેશના નાના ખેડૂતોને દરેક પ્રકારથી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કેટલાક અન્ય રાજકીય દળ આ ત્રણ કૃષિ કાયદા જેવા સુધારને જ લાગુ કરી રહ્યા છે પરંતુ હવે તેમણે સમગ્ર રીતે યુ-ટર્ન લીધો છે અને બૌદ્ધિક બેઈમાનીનુ પ્રદર્શન કર્યુ છે. તેઓ સમગ્ર રીતે ઉપેક્ષા કરી રહ્યા છે કે ખેડૂતોને શુ લાભ મળશે? તેઓ માત્ર એ શોધી રહ્યા છે કે તેમને રાજકીય રીતે શુ ફાયદો થઈ રહ્યો છે.