આમ આદમી પાર્ટી જે સુવિધા આપવાની ગેરેંટી આપે છે તે તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આપતી આવી છે: ‘આપ’ને અરીસો બતાવતા ઉદય કાનગડ
કોર્પોરેશન દ્વારા ૧૩ સ્થળે ફ્રી વાઈફાઈ ઝોન કાર્યરત છે ત્યારે કોંગ્રેસ ફ્રી વાઈફાઈ ઝોનનું વચન આપી રહી છે
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચુંટણીને લઈને ગઈકાલે ૧૨૫ વર્ષ જુના વયોવૃધ્ધ રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને નવા સવા રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીએ પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેનો જડબાતોડ જવાબ આપતા પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે એવો અણીયાળો સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસે શપથ પત્ર નામથી ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે ત્યારે આ શપથ પત્રમાં કોની સહી છે? ભૂતકાળમાં કોંગ્રેસે ક્યાં શપથનું પાલન કર્યું છે તો ચુંટણી ઢંઢેરામાં આપેલા શપથનું પાલન કરશે ? આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ ગેરેંટી કાર્ડ નામથી ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કે પાર્ટીને રાજકોટની જનતા સ્વીકારશે કે નહિ તેની કોઈ ગેરંટી છે? રાજકોટ શહેરને ૧૯૭૩માં મહાનગરનો દરજ્જો મળ્યાથી હાલ ૨૦૨૧ સુધીના ૪૮ વર્ષના સમયગાળામાં ફક્ત એકજ વખત જનતાએ કોંગ્રેસને શાસન આપવાની ભૂલ કરી હતી ત્યારબાદ ક્યારેય તે ભૂલને દોહરાવી નથી. રાજકોટની જનતા શાણી અને સમજુ છે તે ક્યારેય ભાજપ સિવાય અન્ય કોઈને મત આપે નહિ ગમે તેવા વચનોની લહાણી થાય તો પણ રાજકોટ વાસીઓ છેતરાઈ તેમ નથી. રાજકોટની જનતાએ ક્યારેય કોઈ ત્રીજા રાજકીય પક્ષ કે અપક્ષને સ્વીકાર્યા નથી કારણકે શહેરી જનો સુપેરે જાણે છે કે સુશાસનતો ભાજપ જ આપી શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટને મોઢે માગ્યું આપ્યું છે અને નથી માંગ્યું તે પણ સામેથી આપ્યું છે.
“સેવા નહી સત્તાની રાજનીતિ કરતી રાજકીય પાર્ટીઓએ જનતાને હથેળીમાં ચાંદ બતાવ્યા પણ પ્રજા યોગ્ય રસ્તો બતાવી દેશે
પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ના ચુંટણી ઢંઢેરામાં જે ૧૬ મુદ્દાઓનો સમાવેશ કરાયો છે તે તમામ સુવિધા તો મહાપાલિકાના ભાજપના શાસકો વર્ષોથી આપે જ છે. વગર કહ્યે અને વગર માગ્યે જે સુવિધાઓ ભાજપ આપે છે. મહાપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપે જ છે તે સુવિધાઓ આપવાની કોંગ્રેસ વાત કરે છે, તેમાં નવું છે શું? રાજકોટ વાસીઓ તો કોંગ્રેસને વિપક્ષ તરીકે પણ નિષ્ફળ ગણે છે, તો શાસનની વાત જોજન દુર છે. કોંગ્રેસના ચુંટણી ઢંઢેરાની જાહેરાત વેળાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ગઈકાલે એવું કહ્યું હતું કે અમે ભાજપની જેમ ખોટા વાયદા કે વચન આપશું નહિ! પરંતુ હકીકત એ છે કે ભાજપ જે સુવિધા વર્ષોથી આપે છે તે સુવિધા આપવાના વચન કોંગ્રેસ ચુંટણી ઢંઢેરા માં આપે છે તો ખરેખર ખોટું કોણ ? તે શહેરીજનો સુપેરે સમજે છે. ખોટું બોલવું, વારંવાર બોલવું અને જોરશોરથી બોલવું તે કોંગ્રેસની ગળથુંથીમાં છે. જયારે ગઈકાલે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવું બોલ્યા હતા કે ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન કરવામાં નિષ્ફળ ગયા છે. તેમને જવાબ આપતા પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે ભાજપ જુઠું બોલવામાં નિષ્ફળ જાય છે. રાજકોટની એક પણ એવી સમસ્યા નથી જે ભાજપના શાસકોએ ઉકેલી ન હોઈ, પરંતુ કરેલા કામનો પ્રચાર કરવાના બદલે નવા વિકાસ કામોમાં વ્યસ્ત થઈ જવું તે ભાજપના સંસ્કાર છે. જયારે આમ આદમી પાર્ટીને આડે હાથે લેતા ઉદય કાનગડે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી રાજકોટ માં ટકશે તેની કોઈ ગેરંટી છે? આમ આદમી પાર્ટીનું આયુષ્ય કેટલું છે તે ચુંટણીના પરિણામો સાથે જ ખબર પડી જશે.
કોંગ્રેસે ‘શપથ પત્ર’ સ્વરૂપે જાહેર કરેલો ચૂંટણી ઢંઢેરો ખતમ પત્ર બની રહેશે: કોંગ્રેસીઓ પાસે શહેરનો નહિ પરંતુ સ્વ વિકાસનો એજન્ડા કાયમ તૈયાર હોઈ છે
ઉદય કાનગડે અંતમાં જણાવ્યું હતું કે વિકાસનુ વિઝન ફક્ત ભાજપ પાસે છે. સારું શાસન અને શિષ્ટાચાર યુક્ત વહીવટ ફક્ત ભાજપ આપી શકે. તેમણે ઉમેર્યું હતું કે આ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ચુંટણી ઢંઢેરા નુ તેમને કરેલું નિરીક્ષણ અને વિશ્ર્લેષણ રાજકોટની જાહેર જનતા માટે અત્રે પ્રસ્તુત છે. હવે જનતાજ નક્કી કરે કે સાચું કોણ, સારું કોણ, અને ખરેખર જનતાનુ કોણ?
વેપારીઓને એક વર્ષ માટે ટેકસમાં રાહત આપવાની જાહેરાત કોંગ્રેસે કરી છે પરંતુ ક્યાં ટેકસમાં રાહત મળશે તેની કોઈ સ્પષ્ટતા નહીં: કાનગડ
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરાનું સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડે કેટલાંક બૌદ્ધિક જવાબ આપી સ્પષ્ટતા કરી છે.
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં એવું જાહેર કર્યું છે કે, વેપારીઓને એક વર્ષ માટે ટેકસમાં રાહત આપવામાં આવશે પરંતુ ક્યો ટેકસ તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મિલકત વેરામાં ૫૦ ટકાનો ઘટાડો કરાશે તેવું કહેવામાં આવ્યું છે પરંતુ કાર્પેટ એરીયા આધારીત આકારણીની અમલવારીથી વેરામાં રાહત હાલ છે જે ગુજરાઈટ કાર્ડ આપશે તેવું કહેવામાં આવ્યું છે પરંતુ હાલ રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કોન્ટ્રાકટ પ્રથા રદ કરવાનું વચન આપી કોંગ્રેસ યુવાનો પાસેથી રોજગારી છીનવી લેવા માંગે છે. મહાપાલિકામાં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે તેવું કહેવાય છે પરંતુ હાલ પુરજોશમાં ભરતી પ્રક્રિયા ચાલુ જ છે. મફત શિક્ષણની વાતો કરતી કોંગ્રેસને એ વાતની પણ ખબર નથી કે મહાપાલિકા મફત શિક્ષણ સાથે ગણવેશ ને સ્કૂલ બેગ પણ આપી રહી છે. ધો.૧ની અંગ્રેજી માધ્યમિક સ્કૂલ શરૂ કરવાનું વચન આપનારી કોંગ્રેસને ખબર નથી કે મહાપાલિકા દ્વારા પાંચ વર્ષ પૂર્વે જ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. ફ્રી વાઈફાઈ ઝોન અંગે ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરાયા છે પરંતુ વાસ્તવમાં શહેરમાં આજની તારીખે ૧૩ જગ્યાએ ફ્રી વાઈફાઈ ઝોનની સુવિધા ઉપલબ્ધ છે. ૨૦૩૦ સુધીનો વિકાસનો નકશો બનાવવામાં આવશે પરંતુ હાલ ૨૦૩૧ સુધીનો નકશો બનાવી દેવામાં આવ્યો છે. વધુ સમય પાણી આપવાનું કહેવાય છે પરંતુ ૨૪ કલાક પાણી આપવાના પાયલટ પ્રોજેકટનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી કોંગ્રેસ યુવાનો પાસેથી રાજગારી છીનવી લેવા માંગે છે, મફત શિક્ષણનું વચન પણ કોણીએ ગોળ જેવું કારણ કે મહાપાલિકા મફત શિક્ષણ ઉપરાંત ગણવેશ સાથે સ્કૂલ બેગ પણ આપે છે
આમ આદમી પાર્ટીના ચૂંટણી ઢંઢેરાનો પણ ઉદયભાઈ કાનગડે તાર્કીક જવાબ આપ્યો હતો. મહોલ્લા ક્લિનીક આપનારી આપને એ ખબર નથી કે રાજકોટમાં વર્ષોથી મોબાઈલ ક્લિનીક કાર્યરત છે. વિનામુલ્યે લેબોરેટરી ટેસ્ટની યોજના ચૂંટણી ઢંઢેરામાં મુકવામાં આવી છે પરંતુ અનેક આરોગ્ય કેન્દ્રમાં વર્ષોથી આ સુવિધા ચાલી રહી છે. ઘરવેરામાં ૫૦ ટકામાં કરવામાં આવશે તો વેરા વિના વિકાસ કેમ થશે અને શહેરીજનોને સુવિધા કેમ મળશે તેની સ્પષ્ટતા પણ આપ દ્વારા કરવી જોઈતી હતી. વ્યવસાય વેરો અને પાણી વેરો નાબૂદ કરવાની વાતો કરવામાં આવી રહી છે પણ મહાપાલિકા દ્વારા હાલ પ્રતિદિન પાણી વેરા પેટે માત્ર ૨.૩૦ રૂપિયા જેવી સામાન્ય રકમ વસુલ કરવામાં આવે છે. જ્યારે વ્યવસાય વેરાની નાબૂદીની સત્તા મહાપાલિકા પાસે છે જ નહીં તો આપ કેવી રીતે તેનું વચન આપી શકે. તમામ વેરાની સમીક્ષા કરાશે તેવું કહેવાય છું પરંતુ દર વર્ષે સમીક્ષા કરી વેરામાં રીબેટ આપવામાં આવ્યું રહ્યું છે. સ્ટે.કમીટીના પૂર્વ ચેરમેને કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ખરેખર ચૂંટણીમાં કોંગ્રેસ અને આપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરો છેતરામણો અને તદન આભાસી છે. દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી પોતાના ઉમેદવારને પણ સાચવી શકતી નથી તે રાજકોટના લોકોના સપનાના રખોપા કેવી રીતે કરશે ? તો બીજી તરફ આપની બાગડોર રાજકોટમાં એવા લોકોના હાથમાં છે કે, જેઓને અગાઉ તમામ રાજકીય પાર્ટીમાંથી જાકારો મળી ચૂક્યો છે અને હવે તેઓ ઝાડુ પકડી રાજકોટના વિકાસને સાફ કરવા નિકળ્યા છે. ચૂંટણી ઢંઢેરો તર્ક અને બૌદ્ધિકવાળો હોવો જોઈએ જે આપ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી.