અબતક, રાજકોટ

સુરત ખાતે નવા વર્ષના પ્રારંભે સુરત જિલ્લા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સી.આર.પાટીલ જણાવ્યું હતું કે, આખા દેશમાં કોઇ રાજકીય પાર્ટી જિલ્લા પ્રમાણે દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરતી હોય તો તે ફકત ભારતીય જનતા પાર્ટી જ છે. અન્ય રાજકીય પાર્ટીઓ દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમ નથી કરી શકતા કારણ કે સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવા કાર્યકર્તાઓ અને આગેવાનો જોઇએ જે અન્ય પાર્ટી પાસે નથી.

સી.આર.પાટીલ વધુમાં જણાવ્યું કે, પક્ષ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હતા જેમા 60 વર્ષથી ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે કોર્પોરેશનમાં ટીકિટ નહી આપવાનો નિર્ણય કર્યો પરંતુ જો કોઇ અન્ય રાજકીય પાર્ટી આવો નિર્ણય કરે તો તેમને તો કોને ટીકિટ આપવી તે પ્રશ્ર્ન થાય અને બળવો થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબધ પાર્ટી છે અને એટલે જ દરેક કાર્યકરે આ નિર્ણયને સ્વીકાર્યો છે.

કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ નથી, ભાજપ પાસે કાર્યકર્તાઓની વિશાળ ફૌજ છે: પ્રદેશ ભાજપ પ્રમુખે આગામી ચૂંટણીમાં ટિકિટ કોઈપણને મળે કાર્યકરોને ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ લેવડાવ્યો

ભારતીય જનતા પાર્ટીએ નવયુવાનોને તક આપી છે તે બદલ શીર્ષસ્થ નેતૃત્વને અભિનંદન પાઠવ્યા. બીજો નિર્ણય એ કર્યો કે 3 ટર્મ જીત્યા હોય તે કાર્યકરોને ચોથી ટર્મમાં ટીકિટ નહી આપવી કાર્યકરોએ આ નિર્ણયને પણ સ્વીકાર્યો અને એક ઘરમાં એક જ હોદો આપવો તે નિર્ણયને પણ દરેક કાર્યકરે આવકાર્યો જેથી નવા કાર્યકરોને હોદ્દો મળ્યો. આવો પ્રયોગ કરવાની ભાજપ સિવાય કોઇ રાજકીય પાર્ટીની તાકાત નથી.

સી.આર.પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું નેતૃત્વ આપણને એક તાંતણે બાંધે છે. અને આખા દેશમાં કોઇ જગ્યાએ કોઇ પાર્ટીએ કયારેય સંપુર્ણ મંત્રી મંડળમાં ફેરબદલ નથી કર્યો પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની અંદર બધા જ મંત્રીઓને એક સાથે બદલ્યા અને નવા કાર્યકરોને જનતા જનાર્દનની સેવા કરવાનો અવસર આપ્યો છે. નવા મંત્રીઓને માર્ગદર્શન આપવાનું કામ જૂના મંત્રીઓએ ઉત્સાહપૂર્વક અને તકેદારીથી કરી રહ્યા છે. સી.આર.પાટીલે જણાવ્યું કે કોઇ કાર્યકરને મંત્રીઓને મળવુ હોય તો તે માટે સોમવાર અને મંગળવાર મળી શકે છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દરેક યોજના છેવાડાના માનવી સુધી પહોચાડી જે તે લાભાર્થીને લાભ અપાવવા કાર્યકરોને વિનંતી કરી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના યુવાનોની ચિંતા કરી છે યુવાનોને આત્મનિર્ભર કરવા આત્મનિર્ભર યોજના બનાવી છે. આત્મનિર્ભર યોજનામાં દેશના યુવાનને ધંધો કરવા 50 હજારથી લઇ 50 લાખ સુધીની લોન મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરી છે. નમો એપમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાઓની માહીતી છે તે જાણી દેશના યુવાનને લાભ અપાવવા હાંકલ કરી.

કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાઓના લાભ લાભાર્થીને અપાવવા કાર્યકરોને પેજ ઉપરના મતદારોને કઇ યોજનાનો લાભ મળી શકે છે ત્યાર બાદ બૂથ પર દેરક ઘરમાં જરૂરયિયાતમંદને યોજનાનો લાભ અપાવવા પ્રયાસ કરવા જણાવ્યું. ખેડૂતો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘણી યોજના કરી છે. એકસપ્રેસ હાઇવે અને બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન માટે ખેડૂતો નિરાશ થયા હતા પરંતુ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે તેમને અન્યાય નથી થવા દીધો.

પાટીલે પેજ કમીટીને લઇ જણાવ્યું કે, પેજ કમીટીની તાકાત અને પ્રદર્શન સૌ કોઇએ જોયુ. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના લોકો પણ  વિચારતા હતા કે આ પેજ કમીટી શું છે પેજ કમીટી બનાવવા કાર્યકરો જોઇએ કોંગ્રેસ પાસે કાર્યકર્તા જ નથી. ભાજપ પાસે કાર્યકરોની તાકાત છે તેના કારણે જ ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવ્યો અને 9 પેટા ચૂંટણીમાં કોગ્રેસની બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો. જિલ્લા પંચાયત 31 માંથી 25 કોંગ્રેસ પાસે હતી પરંતુ ભાજપે 31 માંથી 31 પર જીત મેળવી. નગરપાલિકા 81 માંથી 75, તાલુકા પંચાયતમાં 231માંથી 205 પર ભાજપનો ભગવો કાર્યકરોએ લહેરાવ્યો છે. સી.આર.પાટીલે ઉપસ્થિત દરેક કાર્યકરને આવનાર ચૂંટણીને લઇ સંકલ્પ કરાવ્યો કે પાર્ટી જેને ટીકિટ આપે તેને જીતાડવા મહેનત કરશે.

સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજય સરકારના નાણામંત્રી અને ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇ, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, રાજયકક્ષાના ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલ, મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ડોડીયા, ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, કામરેજના ધારાસભ્ય વિ.ડી.ઝાલાવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઇ પટેલ, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, સહપ્રભારી શ્રીમતી સુમીત્રાબેન પટેલ, સમુલડેરીના ચેરમેન અને માજી ધારાસભ્ય અને માજી સાંસદ માનસિંહજી પટેલ, સુરત જિલ્લાના  મહામંત્રીઓ યોગેશભાઇ પટેલ, દિપકભાઇ વસાવા, જગદિશભાઇ પારેખ સહિત જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.