જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફૂઈ…ની જેમ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે આપેલા એક નિવેદનમાં પાકિસ્તાનની હાસ્યાસ્પદ સ્થિતિ સામે આવી છે. ઈમરાન ખાને જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના ખાસ દરજ્જાની સમાપ્તીનો નિર્ણય જ્યાં સુધી ફેરવવામાં નવીદિલ્હી આગળ નહીં વધે ત્યાં સુધી પાકિસ્તાન ભારત સાથે કોઈ વાતચીત કરશે નહીં.
આઝાદીકાળથી પારકી ભુમી પર દાવો કરી ત્રણ-ત્રણ યુદ્ધમાં મોઢાની ખાઈને પણ પાકિસ્તાન હજુ તેના નાપાક ઈરાદા છોડી શકતું નથી. ભારતના અંગત મામલામાં ટાંગ અડાડી…અડાડીને પાકિસ્તાન અધમુવુ થઈ ગયું. વારંવાર કાશ્મીરનો રાગ આલાપી-આલાપીને ભારતની આંતરિક બાબતમાં ચંચુપાત કરીને બદનામ થઈ ગયેલું પાકિસ્તાન અત્યારે ભયંકર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્ર્વ બેંક અને મોનીટરીંગ ફંડની ખેરાત પર પાકિસ્તાનનું અર્થતંત્ર ચાલે છે. ઈમરાન ખાને મંગળવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતે જમ્મુ-કાશ્મીરનો સ્વાયત દરજ્જો આપતી કલમ 370 હટાવીને 5 ઓગષ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરના 2 કેન્દ્ર શાસીત પ્રદેશમાં વિભાજન કરી નાખ્યું. જો ભારત ઓગષ્ટ 5ના રોજ લેવાયેલા આ પગલાની ફેરવિચારણા નહીં કરે તો પાકિસ્તાન સરકાર ક્યારેય ભારત સાથે વાતચીત નહીં કરે. ઈમરાન ખાને એક જાહેર પ્રશ્ર્નોતરીમાં આ વાત ઉખેળી હતી. અગાઉ વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ કહ્યું હતું કે, અત્યારે ભારત સાથે કોઈપણ પ્રકારની વાતચીત શક્ય નથી.
નવીદિલ્હીએ કાશ્મીર અને લોકોની રાહત માટે નીતિ બદલવી જોઈએ. જમ્મુ-કાશ્મીરને ભારતે પોતાનો આંતરીક મામલો ગણાવો ન જોઈએ. આ યુનોમાં ગયેલો મુદ્દો છે. તેમ ઈસ્લામાબાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.
ઈમરાન ખાનના બેજવાબદાર અને બકવાસ નિવેદન સામે ભારતે વળતો જવાબ આપી જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અંતરીમ ભાગ છે. ભારત પોતાનો આ આંતરીક મુદ્દો પોતાની મેળે ઉકેલવા સક્ષમ છે. દિલ્હીએ ઈસ્લામાબાદને સાફ જણાવી દીધું છે કે, તે સારા પાડોશી રહેવાનો પ્રયાસ કરે અને સમગ્ર પ્રદેશમાં આતંક મુક્ત વાતાવરણ અને હિંસાનો અંત લાવવો જોઈએ. ભારત પાકિસ્તાનના સંબંધો જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરવાના ભારતના સંવેધાનિક પગલા બાદ બગડ્યા હતા.
2.