દેશના બંધારણમાં કે દેશની શાસન પધ્ધતિમાં ક્ષતિઓ પૂન: સમીક્ષા કરી આપે એવા આંબેડકરની અને અન્ય ‘માઈના પૂત’ની દેશને ખોટ !
હમણા હમણા મોટાભાગના અહેવાલોમાં અર્થતંત્રની બેહાલી, બેસુમાર મોંઘવારી, બેરોજગારી, ખેડુતોની કફોડી સ્થિતિ, મહારાષ્ટ્રમાં સત્તાધીશ થવા રાજકીય પક્ષોના પ્રપંચો અને અયોધ્યા-મંદિરનાં મામલે અવિરત તકરારનાં સમાચારો ચમકયા કરે છે. આ બધામા આપણા દેશ માટે સૌથી વધારે ચિંતાજનક અને કસોટીકારક બાબત મંદીનું રાક્ષસી આક્રમણ અને અર્થતંત્રની બેકાબુ કફોડી હાલત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અર્થતંત્રની દુરસ્તીના તમામ ફાંફશની નિષ્ફળતા છે !
કેન્દ્ર સરકારનાં નાણાંપ્રધાન સીતારામને એવો સંકેત આપ્યો છે કે આપણા દેશની ઘરવખરીના બે મહત્વની અને આબરૂસમી મિલ્કતો માર્ચ સુધીમાં વેચાઈ જશે.
કેન્દ્ર સરકારની મલીકીની બે દેવાદાર કંપનનીઓ એર ઈન્ડીયા અને ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન આગામી વર્ષે માર્ચ સુધીમાં વેચાઈ જશે તેવી આશા સરકારે વ્યકત કરી છે. આપણો ઈતિહાસ આવી અસાધારણ અને કલંકભીની ઘટનાઓની સાક્ષી પૂરે જ છે!
આપણા દેશની આર્થિક બેહાલી અને કારમી મંદીના ઓછાયા હવે સરકારો અને સત્તાધીશો છૂપાવે તો પણ અ-છતા રહે તેમ નથી.
અર્થતંત્રને લકવો થયો છે. હજુ માઠા દિવસો અતિ બૂરો સમય આવવાનો છે. ખતરાની ઘંટડી વગાડતા આંકડા પ્રકાશમાં આવી રહ્યા છે. ગ્રામીણ ક્ષેત્રે આવક ઘટતી રહી છે. એને લીધે તમામ ચીજવસ્તુઓની માંગ ઘટી છે. અને હજુ પણ ઘટવાનાં ચિંનો દ્રષ્ટિગોચર થાય છે.
સરકાર હસ્તકની કંપનીઓ અને સરકારની ભાગીદારી હોય એવી કંપનીઓને ઘરવખરીની ચીજો કે નાની મોટી મિલ્કત તરીકે ગણીએ તો એમાં રોકાયેલા નાણા પાછા ખેંચી લેવા અને એ પ્રકારનાં નિવેશ દ્વારા જંગી રકમ મેળવીને અર્થતંત્રમાં રહેતી અબજો રૂપિયાની ખાઈને ન દેખાવા દેવાનીંભી યુકિત આપણી સરકારો અપનાવતી હોય છે. બીજી રીતે કહીએ તો ઘરવખરીની આ ચીજો વેચી વેચીને નાણાં ઉભાં કરવા જેવો ઘાટ આને ગણાય !
અહી એવો સવાલ ઉઠે જ છે કે, આપણા દેશની મોંઘેરી ઘરવખરી વેચી નાખવાનો અને દેશને ગીરો મૂકીને સત્તાનું સૂખ ભોગવવાનો હકક કોઈનેય અપાયો છે ખરો? બંધારણે આવો અધિકાર કોઈ ચમ્મરબંધીનેય આપ્યો નથી એ નિર્વિવાદ છે. કોણજાણે કોઈ ઉપરથી ઉજળો અને અંદરથી મેલો છૂપો દેશદ્રોહી રાજકારણ ટેન્ડર વિના આ દેશને વેચી નાખવાની ચેષ્ટા કરી બેસે,કયારેક અને કયાંક !
‘અબતક’ના અહેવાલ મુજબ સોનું, રિયલ એસ્ટેટ, ટ્રેકટર્સ, ટુ-વ્હીલર્સ જેવા સામાન્ય રીતે મહત્વના ગણાય એવા ક્ષેત્રે ખરીદી-ડિમાન્ડ વધતી જ નથી. શ્રમ-મજુરી જેવા ક્ષેત્રે સાત વર્ષથી બેહદ નીચી સપાટી રહી છે.
સરકારની રાષ્ટ્રીય આંકડાકીય કચેરીના ‘લીક’ થઈ ગયેલા સર્વેક્ષણમાં એવા ચિંતાજનક આંકડા બહાર આવ્યા છે કે, સરકાર એને પ્રજા સમક્ષ જાહેરમાં મૂકી શકે તેમ નથી અને જો ભૂલ્યે ચૂકયે ઉઘાડા થઈ જાય તો સરકાર બદનામ થાય તેમ છે!
‘લીક થયેલા, આંકડા મુજબ દેશમાં માઠાદીઠ ખર્ચશકિત ૪૫ વર્ષના તળિયે પહોચી છે. લોકોએ હવે ખાવા પીવાની ચીજોની જરૂરત પર કાપ મૂકવો પડે છે. ગામડાઓમાં આણા પરિયાણાનાં કાર્યક્રમો કાંતો રદ કરવા પડે છે. અથવા તો રીતરિવાજોમા કાપ મૂકવા પડે છે.
નાણામંત્રીનું નાણાશાસ્ત્ર બેહદ આંગળી ચીંધ બન્યું છે. એવો સવાલ પૂછાય છે કે, કરદાતાઓનાં પરસેવાનાં પૈસા આખરે કયાં જાય છે?
એક બાજુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સહિતની રાજય સરકારો બેફામ ખર્ચના અને વણસતી રહેલી નાણાકીય ખેંચને છાવરવા અજબગજબની ડંફાશો હાંકતી રહે છે, બીજી બાજુ, વૈશ્ર્વિક નાણા સંસ્થા ‘મૂડીઝ’એ ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ ઘટાડીને ૫.૬ ટકા કરી નાખ્યો છે.
ભારતના રાજનેતાઓ વાતોનાં વડા કરવામાં પાવરધા છે. એમને માતૃભૂમિ કરતાં રાજગાદી અને સત્તાનું સિંહાસન વધુ પ્યારા હોવાનું પૂરવાર થઈ ચૂકયું છે.
આપણા દેશની અર્થતંત્રીય હાલતની માત્રા એટલી હદે વણસી છે કે, આપણા વિત્તમંત્રીએ દેશની મૂલ્યવાન ઘરવખરી વેચવાનો વખત આવ્યો છે.
ઘરવખરી વેચવી એટલે ઘરની આબરૂને વેચવી .
ઘરવખરી વેચવી એટલે ઘરની શાખને વેચવી.
જોકે, આપણા દેશના બંધારણમાં કે દેશની શાસનપધ્ધિતમાં કશીક પણ ક્ષતિ ન હોય તો આવો બે આબરૂ થવાનો વખત ન આવે !
આ બધું જોતા, વર્તમાન કપરી પરિસ્થિતિનાં કારણોની પુન:સમીક્ષા કરવી જ પડે ! પરંતુ ખાટલે મોટી ખોટ કે, આવી સમીક્ષા કરી આપી શકે એવા આંબેડકરજી અને અન્ય માઈનાપૂત આપણી પાસે કયાં છે? દેશની આ ખોટ કોણ પૂરે અને કઈ રીતે પૂરે એ તો રામ જાણે !