સંસ્કૃતમાં એક શ્લોક છે કે, માઁ અને માતૃભાષા લોકોને સ્વર્ગથી પણ વધુ વ્હાલા હોય છે. તમને જે ભાષામાં સ્વપન આવે તે જ તમારી માતૃભાષા. અત્યારે ગુજરાતીઓ ગુજરાતી ભાષામાં જ લાપરવાહ થયા છે પોતાની માતૃભાષા ભૂલી અંગ્રેજીની મોટી મોટી વાતો કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ અંતે મોડે મોડે પણ જાગી છે અને એન્જીનયરિંગ સહિતના અભ્યાસક્રમો માતૃભાષામાં કરવા નવી શિક્ષણ નીતિમાં ભાર આપવામાં આવ્યો છે.
નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષા પર ભાર અપાયો: એન્જીનયરિંગ અને મેડિકલ સહિતના કોર્ષ હવે માતૃભાષા થઈ શકશે
માતૃભાષામાં શિક્ષણથી વિધાર્થીઓ તેને વધુ ઉંડાણપૂર્વક આત્મસાત કરી શકે છે અને પ્રચંડ સંશોધનાત્મક વૃતિને જન્મ આપે છે
કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માતૃભાષા પર પકડ હોવી ખુબ આવશ્યક છે, તેવી વ્યક્તિ જ સફળતા પ્રાપ્ત કરી શકે છે કે જે માતૃભાષામાં જમાવટ કરી શકે ત્યાં સુધી કે હાલ સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડ પણ માતૃભાષા તેમજ પ્રાદેશીક ભાષાને સિલેબસમાં મહત્વ આપી રહ્યું છે. તેવા સમયે દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે, આઈઆઈટી અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરાવતી યુનિવર્સિટીઓને માતૃભાષામાં અભ્યાસ કરાવવાનો આદેશ આપી દેવાયો છે.
હવે જ્યારે નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે મેડિકલ, ઇજનેરી સહિત તમામ ક્ષેત્રોનું શિક્ષણ માતૃભાષામાં જ આપીશું ત્યારે આપણે જાપાન અને ચીન જેવી વૈજ્ઞાનિક ક્રાંતિ કરીશું. જાપાન અને ચીનમાં વિધાર્થીઓને શાળાથી લઈને પોસ્ટગ્રેજ્યુટ અને પીએચડી સુધીના દરેક વિષયના અભ્યસક્રમો તેમના માતૃભામાં જ ભણાવવામાં આવે છે. જેથી ત્યાંના વિધાર્થીઓ તેને વધુ ઉંડાણપૂર્વક આત્મસાત કરી શકે છે અને પ્રચંડ સંશોધનાત્મક વૃતિને જન્મ આપે છે.
પરંતુ તમામ બાબતોમાં સિક્કાની બે બાજુની જેમ ફાયદા-ગેરફાયદા છુપાયેલા છે. કોઈપણ વ્યક્તિના સર્વાંગી વિકાસની શરૂઆત તેની માતૃભાષા પરની પક્કડથી જ થતી હોય છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવું એ તમામ વિદ્યાર્થીઓનો અબાધીત અધિકાર પણ છે. ત્યારે માતૃભાષામાં શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ વધુ સફળ બને તે બાબત પણ ભુલી શકાય નહીં.