પુલ ઉપર ચિક્કાર ભીડ જામી, અંધારું થવા આવ્યું હોય એન્જિનીયરે ટિકિટ બારીએ ટકોર પણ કરી કે હવે ટીકીટ ન આપો, લોકો અંદર સમાય તેમ નથી છતાં મેનેજમેન્ટે  વાત ન સાંભળી

અબતક, સુરેન્દ્રનગર

જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ…. આ કહેવત વઢવાણના 22 લોકોના પરિવાર માટે યથાર્ત સાબિત થઈ છે. આ પરિવાર જેવો પુલ ઉપરથી નીચે ઉતર્યો કે તુરંત જ ધડાકા ભેર પુલ તૂટી પડ્યો હતો. વધુમાં આ પરિવારવા એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે તેઓએ ટિકિટબારીએ એવી ટકોર પણ કરી હતી કે ચિક્કાર ભીડ છે હવે ટીકીટ ઇસ્યુ ન કરો. પણ તેઓની વાતને ગણકારવામાં આવી ન હતી.

1667280319749

વઢવાણમાં 80 ફૂટ રોડ ઉપર આવેલ નવરંગ 3માં રહેતા હસમુખભાઈ હડિયલ અને તેમના પુત્ર વિવેકભાઈ હડીયલ જે સુરેન્દ્રનગર પાલિકામાં એન્જીનીયર છે તેઓ 22 સભ્યોના પરિવાર સાથે મોરબી ગયા હતા. રવિવારના દિવસે તેઓએ પરિવાર સાથે ઝૂલતા પુલે જવાનું નક્કી કર્યું અને ત્યાં ગયા. તેઓના જણાવ્યા સાંજે તેઓ ગયા હતા. ત્યારે ટિકિટબારીએ ગયા હતા. જ્યાં ચિક્કાર ભીડ જોવા મળી હતી.

તેઓએ ટીકીટ લઈને ઝૂલતા પુલની મજા માણી હતી. જો કે આ દરમિયાન ઝૂલતા પુલ ઉપર પણ ખૂબ ટ્રાફિક જોવા મળ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓ પુલ ઉપરથી નીકળીને પરત જઈ રહ્યા હતા ત્યારે પણ ટીકીટ બારીએ લાંબી લાઈન હતી. માટે તેઓએ ટિકિટબારીએ સ્ટાફને કહ્યું કે હવે તમે ટીકીટ ઇસ્યુ ન કરો, અંધારું થવા આવ્યું છે અને પુલ ઉપર ભીડ સમાય શકે તેમ નથી.  તેઓએ ટીકીટબારિના સ્ટાફને ટકોર કરી હોવા છતાં તેઓની વાતને ત્યાંના સ્ટાફ દ્વારા ગણકારવામાં આવી નથી. બાદમાં જેવા તેઓ આગળ વધ્યા કે તુરંત જ ધડાકા ભેર પુલ તૂટવાનો અવાજ આવ્યો હતો. વધુમાં વિવેકભાઈએ કહ્યું કે પહેલા અમે અમારા પરિવારના સભ્યોને કારમાં બેસાડ્યા, બાદમાં અમે નદી તરફ ગયા હતા. જ્યાં ઊંડા પાણીમાં ઉતરી શકાય તેવી સ્થિતિ ન હતી. એટલે ત્યાં શક્ય તેટલા ઊંડા પાણીમાં જઈને જે ઇજાગ્રસ્ત હતા તેઓને બચાવ્યા હતા. આમ સદનશીબે હડિયલ પરિવારના 22 સભ્યો બચી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.