લિક્વીડેશનની પ્રક્રિયા દરમિયાન જો લિકવીડેટરે બાકી રહેલા ટેક્સને ગણી લીધા હોય તો મહેસુલ વિભાગ કંપનીની મિલકતને ટાંચમાં લઈ શકે નહીં: કોર્ટનો ચૂકાદો
નાદાર જાહેર કરાયેલી કંપનીઓમાં વેરા વસુલાત કે મિલકતને ટાંચમાં લેવાનો અધિકાર લિક્વીડેટર સીવાય કોઈને નથી. તાજેતરમાં આ વાતને સ્પષ્ટ કરતો ચુકાદો નાદારી પ્રક્રિયાને લગતી અદાલત દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, લિક્વીડેશનની પ્રક્રિયા દરમિયાન જો લિક્વીડેટર દ્વારા અગાઉથી જ ટેકસની બાકી રકમને ધ્યાનમાં લેવાઈ ગઈ હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ જે તે કંપનીની સંપતિને ટાંચમાં લઈ શકે નહીં.
નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી)ની મુખ્ય ખંડપીઠ દ્વારા ઈન્સોલવેન્સી અને બેન્કરપ્ટી કોર્ડ અંતર્ગત લિક્વીડેટરને અનેક સત્તા આપવામાં આવી છે. સામાન્ય રીતે કંપનીની નાદારી બાદ લિક્વીડેટરની ભૂમિકા અગત્યની માનવામાં આવે છે. લિક્વીડેટરની સત્તાનો પ્રશ્ર્ન ગત ૧૫ જૂનના રોજ એસ.કુમાર નેશનલવાઈડ લી. (એસકેએનએલ)ની લિક્વીડેશન પ્રક્રિયા દરમિયાન ઉભો થયો હતો. રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીની મિલકત ટાંચમાં લેવાનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો.
આ કેસમાં કંપનીના લીકવીડેટર દ્વારા જણાવાયું હતું કે, રેવન્યુ વિભાગ દ્વારા તેની અગાઉથી જ બાકીની રકમ માટે અરજી કરાઈ ગઈ છે. આ ઉપરાંત કંપની દ્વારા પણ આ વાતને માની લેવામાં આવી છે. આવા સંજોગોમાં કંપનીની સંપતિ ટાચમાં લેવાનો હક્ક રેવન્યુ ડિપાર્ટમેન્ટને મળતો નથી. બીજી તરફ રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આઈબીસી (ઈન્સોલવેન્સી એન્ડ બેકરપ્સી કોડ) હેઠળ પોતાની લેણાની રકમ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. કંપનીની બેંકમાં પડેલી મુડીને ટાંચમાં લેવા પ્રયાસ થયા હતા. નેશનલ કંપની લો-ટ્રીબ્યુનલના પ્રમુખ એસબીવી પ્રકાશકુમારે લિક્વીડેટર દ્વારા થયેલી અરજીને મંજૂરી આપી હતી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ બેંક એકાઉન્ટનો કબજો છોડી દે તેવો આદેશ આપ્યો હતો. ટ્રીબ્યુનલે બેંક એકાઉન્ટમાં પડેલી રકમ કોર્પોરેટ દેણદારની સંપતિ ગણવાનું પણ ધ્યાનમાં લેવાયું હતું.
હવે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલો ચુકાદો નાદારી પ્રક્રિયા દરમિયાન કંપનીઓની ટાચમાં લેવાયેલી સંપતિ કે બેંક એકાઉન્ટ અંગે સમીકરણો બદલી નાખશે. અત્યાર સુધી નાદારીની પ્રક્રિયામાં લિક્વીડેટરની પ્રક્રિયાને નજર અંદાજ કરવામાં આવતી હતી પરંતુ હવે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલના ચુકાદાને પગલે લિક્વીડેટરની પ્રક્રિયાને ગંભીરતાથી લેવામાં આવશે.
લિક્વીડેટરની ભૂમિકા શું?
જ્યારે કોઈ કંપની નાદારી નોંધાવે ત્યારે લિક્વીડેટરની ભૂમિકા અહમ બની જાય છે. નાદાર કંપની પાસે સરકારી કે ખાનગી સેકટર નાણા વસુલવાનો પ્રયાસ કરતી હોય છે. જો કે, કોને કેવી રીતે પૈસા ચૂકવવાના થશે તેની ગણતરી લિક્વીડેટરની જવાબદારીમાં આવે છે. તબક્કાવાર નાણાને ચૂકવવામાં આવતા હોય છે. પ્રારંભીક તબક્કે સરકારને નાણા ચૂકવી દેવાય છે. ત્યારબાદ બેંક અથવા તો ધીરાણ પેઢીનો ક્રમ આવે છે. વ્યક્તિગત લેણાની રકમનો ક્રમ સૌથી છેલ્લે આવતો હોય છે. લિક્વીડેટર નક્કી કરે છે કે, નાણાને કેવી રીતે ચૂકવવામાં આવશે. કંપનીના એકાઉન્ટ સીઝ કરવા સહિતની સત્તા પણ લિક્વીડેટરને હોય છે. એકંદરે નાદાર કંપનીમાંથી પોતાના ફસાયેલા નાણાની પ્રાથમિકતા લિક્વીડેટર દ્વારા નક્કી થતી હોય છે.