- બ્લિંકિટે આલૂ ભુજિયાના 2.3 લાખ પેકેટ્સ અને સ્વિગી ઈન્સ્ટામાર્ટે પ્રતિ મિનિટ 853 ચિપ્સના ઓર્ડર નોંધ્યા
2025 નું આગમન થઈ ચૂકયું છે. જેની ભારતમાં ઉત્સાહપૂર્વક ઊજવણી કરાઇ છે. આ ઉજવણીનું સ્વરૂપ બદલાયું છે. ક્લબ કે પાર્ટીઓમાં જવાને બદલે લોકો ઘરમાં હાઉસિંગ પાર્ટીનું આયોજન કરતા થયા છે. અને ફુડ વેબસાઇટ પરથી ફુડ ઓર્ડર કરે છે. ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઘરમાં યોજાયેલ પાર્ટીઓ અને ઉજવણીઓ કેન્દ્ર સ્થાને રાખીને ભારતે 2025 ની ઉત્સાહભેર શરૂઆત કરી. બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને અન્ય ટોચના ઝડપી વાણિજ્ય પ્લેટફોર્મ્સનો ડેટા દર્શાવે છે કે ચિપ્સ, સોફ્ટ ડ્રિંક્સ અને પાણીની બોટલો જેવી પાર્ટીની ચીજ વસ્તુઓની માંગ જબરદસ્ત રહી છે, જે લોકોનો ઉજવણી કરવાનો ઉત્સાહ દર્શાવે છે. બ્લિંકિટના સીઇઓ અલબિંદર ધીંડસા અને સ્વીગી અને સ્વિગી ઇન્સ્ટામાર્ટના સહ-સ્થાપક ફની કિશન એએ સોશિયલ મીડિયાના માધ્યમથી સૌથી વધુ ઑર્ડર કરાયેલી આઇટમ્સ પર લાઇવ અપડેટ્સ આપતા પોસ્ટ્સ શેર કરી હતી.
પાર્ટીઓ નાસ્તા વગર અધુરી લાગે છે. જેને લઇને નાસ્તાના ઓર્ડરમાં ધરખમ વધારો થયો છે. બ્લિંકિટે 31 ડિસેમ્બર, 2024 ના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં આલૂ ભુજિયાના 2.3 લાખ પેકેટ્સ પહોંચાડવાની જાણ કરી હતી, જ્યારે સ્વિગી ઈન્સ્ટામાર્ટે સાંજે 7:30 વાગ્યાની આસપાસ 853 પ્રતિ મિનિટ ચિપ્સના ઓર્ડર નોંધ્યા હતા. સાંજના સમયે પ્લેટફોર્મની ટોચની ટ્રેન્ડીંગ ચીજવસ્તુઓમાં દૂધ, ચિપ્સ, ચોકલેટ, દ્રાક્ષ અને પનીરનો સમાવેશ થાય છે.
આઇસ ક્યુબ્સ અને કોલ્ડ ડ્રિંક્સ એ પાર્ટી માટે અન્ય આવશ્યક ચીજો છે. બ્લિંકિટે રાત્રે 8 વાગ્યા સુધીમાં આઇસ ક્યુબના 6,834 પેકેટ્સ પહોંચાડ્યા અને બિગબાસ્કેટે આઇસ ક્યુબ ઓર્ડરમાં 1290% નો વધારો નોંધ્યો છે. ફની કિશન એએ ટ્વીટ કરતા જણાવ્યું કે ” સાંજે 7:41 મિનિટે બરફનું વેચાણ 119 કિલોગ્રામ સાથે ટોચ પર રહ્યું.
બિન-આલ્કોહોલિક પીણાંમાં પણ તેજી જોવા મળી હતી, જેમાં બિગબાસ્કેટના વેચાણમાં 552 ટકા વધારો નોંધાયો હતો, જ્યારે નિકાલજોગ કપ અને પ્લેટમાં 325 ટકા વધારો જોવા મળ્યો હતો. સોડા અને મોકટેલના વેચાણમાં 200 ટકાથી વધુ વૃદ્ધિ નોંધવામાં આવી હતી. જે પરથી જાણવા મળે છે આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ધીંડસાએ જણાવ્યુ હતુ કે હૈદરાબાદના કોઈ ગ્રાહકે દિવસની સૌથી વધુ ટીપ ₹2500 અમારા ડિલિવરી બોયને આપી હતી. તેમજ સૌથી વધુ ટિપ આપનાર બેંગલુરુ છે જેની કુલ ₹1,79,735 છે.