કોરોના સંક્રમણના કારણે ધાર્મિક સ્થળો ભક્તજનો માટે બંધ કરવામાં આવ્યા હતા. હાલ સંક્રમણ ઓછું તથા મોટા ભાગના ધાર્મિક સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જયારે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈ ઘણા બધા તર્ક-વિતર્ક થતા હતા. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાને લઈ આખરી નિર્ણય આવી ગયો છે.
આ વર્ષે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે એ નક્કી થઈ ગયું છે. આ વર્ષે સવારે 7 વાગે ભગવાન બલભદ્રજી બહેન સુભદ્રાજી અને જગન્નાથ સાથે અમદાવાદની નગરચર્યાએ નીકળશે, અને બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે. આ રથયાત્રા પોલીસ, પત્રકારો અને મર્યાદિત લોકોની હાજરીમાં નીકળશે. આ વર્ષે રથયાત્રામાં ટ્રકો,અખાડા અને ભજનમંડળીઓને જોડવામાં નહીં આવે.
કોરોના મહામારીને લીધે ગત વર્ષે અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળી શકી નહોતી. પરંતુ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળશે એ નક્કી થઈ ગયું છે. આ મામલે સરકાર છેલ્લી ઘડીએ જાહેરાત કરી શકે છે. રથ નીકળે એ દરમિયાન રૂટ પરના વિસ્તારોમાં જનતા કર્ફ્યૂ લાદવાની વિચારણા કરવામાં આવી રહી છે.
આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને 144મી રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ રથ ખેંચીને ભગવાનને નગરચર્યાએ લઈ જશે. વહેલી સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ બાદ રથયાત્રાના પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે, પરંતુ રસ્તામાં રથને કોઈપણ જગ્યાએ ઊભી રાખવામાં નહીં આવે. ખલાસીઓ રથને સતત ખેંચી એકથી બે કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે. એક રથ સાથે માત્ર 40 ખલાસી હાજર રહેશે, જેને લઈ ખલાસીઓનું લિસ્ટ પણ મગાવવામાં આવ્યું છે. 150 જેટલા ખલાસીઓને જ હાજર રાખવામાં આવશે. આ તમામ 150 ખલાસી એવા હશે, જેમને વેક્સિનેટેડ કરી દેવાયા હશે.