ડેલ્ટા વાઇરસ નામનો નવા પ્રકારનો કોરોના વેરિયન્ટ ગુજરાત પર આક્રમણ કરી રહ્યાની નિષ્ણાંતોની ચેતવણી વચ્ચે ગુજરાત સરકારે લોકોને હાશકારો કરાવતી એવી સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ડેલ્ટા પ્લસના કોઇ નવા કેસો નોંધાયા નથી. જે બે દર્દીઓ ડેલ્ટા સંક્રમિત માલૂમ પડ્યા છે એમનો રિપોર્ટ ગયા એપ્રિલમાં આવી ગયો હતો અને એ બંને દર્દીઓ પણ સાજા થઇ ગયા છે.
આજે સવારે ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે એપ્રિલમાં બે વ્યક્તિઓમાં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો હતો. એક સુરત અને એક વડોદરાના મહિલા દર્દી સપૂર્ણ સાજા થઇ ગયા છે. એ પછી કોઇ નવા કેસો રાજ્યમાં નોંધાયા નથી. અલબત તંત્રને સતર્ક રાખવામાં આવ્યું છે અને ડેલ્ટાના બીજા કોઇ દર્દી છે કે કેમ તે જાણવા માટે ટેસ્ટીંગની પ્રક્રિયા વેગવાન બનાવવામાં આવી રહી છે. જે દર્દીઓ સાજા થઇ ગયા છે તેમના ઉપર પણ સતત નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ બંને દર્દીઓના સંપર્ક જેટલા લોકો આવ્યા હતા એ તમામની પણ ચકાસણી કરી લેવામાં આવી છે. એ પૈકીના કોઇપણ ડેલ્ટાથી સંક્રમિત થયાં નથી.
સૌપ્રથમ કેસ સુરતમાં જોવા મળ્યો હતો. મેડિકલનો બીજા વર્ષનો વિદ્યાર્થી ડેલ્ટાથી સંક્રમિત જણાયો હતો. સારવાર બાદ એ વિદ્યાર્થી સાજો થઇ ગયો છે. તેના પરિવારજનો પણ સુરક્ષિત છે એ બધાનું પરિક્ષણ પણ કરી લેવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીએ કોઇ પ્રકારની વેક્સીન લીધી ન હતી. ડેલ્ટાનો ચેપ લાગ્યો એ 38 વર્ષની મહિલા વડોદરાની છે. આ મહિલાએ પરિવાર સાથે એમના વતન મહારાષ્ટ્રમાં જલગાંવની મુલાકાત લીધા બાદ આ મહિલાને ડેલ્ટા વાઇરસ વળગી ગયો હતો.
હવે એ સંપૂર્ણ સ્વસ્થ છે
મહારાષ્ટ્રની સરકારે જ આ મહિલા અંગે રાજ્ય સરકારને જાણ કરી હતી. બે મહિના પસાર થઇ ગયા હોવાથી મહિલા સુરક્ષિત છે અને તેના તમામ સંપર્ક પણ સુરક્ષિત છે. મહારાષ્ટ્રની સરકારે લીધેલા સેમ્પલની ચકાસણી કરી લેવામાં આવી છે. આ મહિલાના પતિ તથા બે સગીર પુત્ર-પુત્રીના ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યા છે. એમને પણ કોઇ ચેપ લાગ્યો નથી. રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે બંને દર્દીઓના અને એમના પરિવારોના સેમ્પલના ટેસ્ટીંગ અતિ આધુનિક લેબોરેટરીમાં કરવામાં આવ્યાં હતાં. હવે ગુજરાત ઉપર તાત્કાલીક કોઇ જોખમ દેખાતું નથી. ગુજરાતની લેબોરેટરીમાં 1000 સેમ્પલની ચકાસણી કરવાની ક્ષમતા ઉભી કરવામાં આવી છે.