અમદાવાદમાં 27 લાખ જયારે સુરતમાં 18 લાખ માલવેર એટેકના પ્રયાસ!!
ગુજરાત તેના ડિજિટલ નેટવર્ક પર મોટા શહેરોની ઓફિસો અને કેન્દ્રીય ડેટા સર્વર્સ પર માલવેર અને બોટનેટ હુમલાના પ્રયાસોનો સામનો કરી રહ્યું છે. રાજ્યની ખાનગી અને સરકારી બંને કચેરી અને ઓફિસ પર વારંવાર માલવેર હુમલા નોંધાઈ રહ્યા છે. જે આંકડો ખુબ જ આશ્ચર્ય પમાડે તેવો છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં જ અંદાજિત 88 લાખ જેટલાં માલવેર એટેકના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જે દેશભરમાં બીજા ક્રમાંકે છે.
વર્ષ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ક્વિક હીલ સાયબર થ્રેટ વેધર (સીટીડબ્લ્યુ) નો અહેવાલ સુરત અને અમદાવાદ શહેરોને દેશમાં છઠ્ઠા અને આઠ સ્થાને મૂકે છે જ્યારે માલવેર હુમલાના પ્રયાસોની વાત કરવામાં આવે તો જેમાં અનુક્રમે 2.74 મિલિયન અને 1.83 મિલિયન પ્રયાસો નોંધાયા છે.
કુલ 8.81 મિલિયન હુમલાના પ્રયાસો સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમાંકે છે જયારે કુલ 10.52 મિલિયન હુમલાના પ્રયાસ સાથે મહારાષ્ટ્ર દેશભરમાં પ્રથમ ક્રમે છે.
આ હુમલાઓ વ્યક્તિગત માહિતીની ચોરી કરવા, કમ્પ્યુટરને નુકસાન પહોંચાડવા અથવા અક્ષમ કરવા અને સ્પામ ફેલાવવા માટે રચાયેલ છે.
રિપોર્ટ જે સમગ્ર ભારતમાં કોઈપણ સમયે થતા કમ્પ્યુટર સુરક્ષા હુમલાઓનો વાસ્તવિક સમયનો નકશો છે, દર્શાવે છે કે શનિવાર સાંજે 4.14 વાગ્યાથી રવિવાર સુધી 24 કલાકમાં અમદાવાદ શહેરમાં ઉપકરણો પર 2,132 માલવેર હુમલાના પ્રયાસો થયા છે. તેવી જ રીતે સુરતમાં 2,267, વડોદરામાં 632 અને રાજકોટમાં 450 માલવેર હુમલાના પ્રયાસો થયા છે.
ગુજરાત CID ક્રાઈમના સાયબરસેલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ તમામ હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અથવા તેમાં સ્થાપિત એન્ટી-વાયરસ સોફ્ટવેર દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.
સ્પામહૌસ લાઇવ બોટનેટ થ્રેટ્સ વર્લ્ડવાઇડ મેપ નામના અન્ય અહેવાલમાં છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય થયેલા ત્રણ બોટનેટ દર્શાવવામાં આવ્યા છે. જેમાં મિરાઈ, સ્ટીલરાટ અને ગામટનો સમાવેશ થાય છે.
સીઆઈડી અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં માલવેર અને બોટનેટ હુમલામાં નોંધપાત્ર વધારો જોઈ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું, એપ્રિલમાં અમે સૌથી વધુ લોકપ્રિય આઈઓટી માલવેર વેરિઅન્ટ્સમાંનું એક મીરાઈનું પુનરાગમન જોયું છે.