વધુ ઉત્પાદન નહીં ‘બજાર ખુલ્લી’ જવાથી ખેડૂતો મબલખ આવક રળશેવચેટીયાઓ હટી જતાં ખેડૂતો અને લોકો વચ્ચેનો સેતુ બનતી ઈ-મંડી: ઈ-કોમર્સના નવા પ્લેટફોર્મથી ખેડૂતોને મોકળુ મેદાન મળશે
ખેડૂતોની આવક વધારવા વડાપ્રધાન મોદીની સરકારે ઘડી કાઢેલી યોજના ધીમે ધીમે સફળ થઈ રહી છે. ખેડૂતો માટે ધીરાણ, વીમો અને લઘુતમ ટેકાના ભાવ તેમજ થોડા સમય પહેલા લેવાયેલો માર્કેટીંગ યાર્ડ જેવા વચેટીયા હટાવવાનો નિર્ણય સરકાર માટે માસ્ટર સ્ટ્રોક બની ગયો છે. હવેથી વધુ આવક માટે ખેડૂતોને માત્ર વધુ ઉત્પાદન ઉપર નહીં નિર્ભર રહેવું પડે. ખેડૂતોના માલ ખરીદવા માટે હરિફાઈ જોવા મળશે. જેથી આપો આપ ખેડૂતોની આવક વધશે. જમાનો ઈ-મંડીનો આવશે. લાંબા સમયથી ઈ-મંડીને લઈ અનેક પ્લેટફોર્મ તો હરકતમાં છે પરંતુ હવે આ પ્લેટફોર્મ ખુબ ઝડપથી ધમધમવા લાગશે.
અત્યાર સુધી ખેડૂતોનું ભવિષ્ય ઋતુ ઉપર નિર્ભર રહેતું હતું. જો મોસમ સારી જાય તો ખેડૂતોને આવક વધતી હતી. પરંતુ હવે ટેકનોલોજીના કારણે ખેડૂતોને આવક રળવા વિકલ્પો મળ્યા છે. અત્યાર સુધી વિદેશમાં કોન્ટ્રાકટ ફાર્મિગ સહિતના કોન્સેપ્ટ અમલમાં હતા જેથી ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ ભારતના ખેડૂતો કરતા સધ્ધર હતી. જો કે હવે ભારતમાં પણ વચેટીયા નાબૂદ થઈ જતાં ખેડૂતોની આવકમાં ૧૫ ટકા સુધીનો વધારો આવી શકે છે. હવેથી બ્રિટેનીયા, આઈટીસી, અદાણી એન્ટરપ્રાઈઝ તેમજ મસમોટી ઓઈલ અને દાળની મીલ પણ ખેડૂતોની જણસ સીધે સીધી ખરીદવા રસ દાખવશે. આ મામલે રિલાયન્સ તો તમામ કંપનીઓથી એક ડગલુ આગળ છે. રિલાયન્સે દર ૧ માઈલે પોતાનો સ્ટોર સ્થાપવા તખતો તૈયાર ઘડી કાઢ્યો છે.
ખેતીમાં પ્રારંભીક તબક્કે પ્લેટફોર્મ ખેડૂતનો સંપર્ક કરશે. જ્યારે ખેડૂત લણણીના તબક્કામાં હશે ત્યારથી લઈ ખેડૂતોનો માલ વેંચાય જાય ત્યાં સુધી આ કંપની સંપર્કમાં રહેશે. આ પધ્ધતિના કારણે બગાડમાં જતાં ખેત પેદાશો પણ અટકશે, સપ્લાય ચેઈનમાં ખામી હોવાના કારણે દર વર્ષે ૨ કરોડ મેટ્રીક ટન ખેત ઉત્પાદનનું નુકશાન થાય છે. આવા ઉત્પાદનો બગાડમાં જતાં જાય છે. જો કે, હવે ઈ-મંડીની પદ્ધતિથી ઈન્ફાસ્ટ્રકચર પણ મજબૂત બનશે. સરકારે તો ઈ-મંડી માટે ઘણા સમયથી પ્રયત્ન કર્યા હતા. ઈ-નામ ડિજીટલ પ્લેટફોર્મ પર ૨૦૦થી વધુ પ્લેટફોર્મ છે. ગુજરાતમાં આવા ૨૫ પ્લેટફોર્મ કાર્યરત છે. હવે ખેડૂતોને સરળતાથી જણસ વેંચવા ગ્રાહક મળશે. બીજી તરફ ગ્રાહકને પણ ક્વોલીટી મુજબ માલ ખરીદવા માટે તક મળશે.
દેશમાં અત્યારે ૪૫૦થી વધુ એગ્રી-ટેક સ્ટાર્ટઅપ કાર્યરત છે જેમાં દર વર્ષે ૫૦ ટકાનો વિકાસ થાય છે. આ સેકટરમાં પણ આંતરરાષ્ટ્રીય ફન્ડિંગ વધી રહ્યું છે. ૨૦૧૮ની સરખામણીએ ૨૦૧૯માં એગ્રી-ટેક સેકટરમાં ૩૦૦ ટકા વિદેશી મુડી રોકાણનો વધારો થયો હતો. લોકોને હવે ઈ-મંડીના કારણે તાજા ફળ, શાકભાજી અને સારી ક્વોલીટીના કઠોળ આંગળીના ટેરવે મળશે.
કઈ કઈ બજાર ખુલ્લી
- કોન્ટ્રાકટ ફાર્મિંગ
- ફોરવર્ડ ટ્રેડીંગ
- ઈન્ફાસ્ટ્રકચર
- ખેતીમાં ટેક્નોલોજી
- આંતરરાષ્ટ્રીયસ્તરની સર્વિસ
ઈ-મંડીનું માળખુ
- ખેડૂતોને પોતાના ઉત્પાદનની વિગતો આપવી પડશે
- વેપારીઓ કે કોર્પોરેટ પ્લેટફોર્મમાં ઓર્ડર મુકશે
- સોદો પાર થતા ગ્રાઉન્ડ સ્ટાફ હરકતમાં આવશે
- ખેડૂત કહે તે સ્થળેથી ખરીદનારના સ્થળે માલ પહોંચશે
- ટોટલ વેલ્યુના ૦.૨૫ થી ૦.૫૦ ટકા સુધી ચાર્જ વસુલાશે