રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટરની 31 જગ્યાઓ હતી : હવે તમામ જિલ્લાઓમાં જિલ્લા પુરવઠા અધિકારીને જ મધ્યાહન ભોજનની કામગીરી સંભાળવી પડશે
સરકારે મધ્યાહન ભોજન નાયબ કલેકટરની જગ્યાઓ રદ કરી છે. રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટરની 31 જગ્યાઓ હતી. હવે તમામ જિલ્લાઓમાં જિલ્લા પુરવઠા અધિકારીને જ મધ્યાહન ભોજનની કામગીરી સંભાળવાનો આદેશ અપાયો છે.
આ અંગે સરકાર દ્વારા ઠરાવ પસાર કરાયો છે. જેમાં જણાવાયું છે કે મધ્યાહન ભોજન યોજના એ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. જેનો ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર 60:40 પ્રમાણે ભોગવે છે. રાજ્યમાં આ યોજના સને 1984 થી કાર્યરત છે. આ યોજનાના અમલીકરણ માટે શિક્ષણ વિભાગના સંદર્ભ-(1) થી (4) સામેના ઠરાવોથી જિલ્લા કક્ષાએ અલગ અલગ સંવર્ગનું મહેકમ ઉભું કરવામાં આવેલ છે. તેમાં નાયબ કલેક્ટર સંવર્ગની જગ્યાઓ પણ ઊભી કરવામાં આવેલ છે.
તા.08/02/2018 ના રોજ મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને મળેલ મધ્યાહન ભોજન યોજનાની રાજ્ય કક્ષાની સ્ટીયરીંગ કમ મોનીંટરીંગ કમિટિની બેઠકમાં, મધ્યાહન ભોજન યોજનાની જીલ્લા કક્ષાની નાયબ કલેકટર-મધ્યાહન ભોજન યોજનાની કામગીરી, જીલ્લા પુરવઠા અધિકારીને સુપરત કરવા નિર્ણય કરવામાં આવેલ. તદ્દાનુસાર કમિશનર, મધ્યાહન ભોજન યોજનાની કચેરીના તા-12/02/2018 ના સંદર્ભ-(4) સામેના પત્રથી જિલ્લા કક્ષાની નાયબ કલેક્ટર (મધ્યાહન ભોજન યોજના)ની જગ્યાઓ રદ કરી મધ્યાહન ભોજન યોજનાની કામગીરી જિલ્લા પુરવઠા અધિકારીને સોંપવા દરખાસ્ત કરવામાં આવેલ. જે સરકારની વિચારણા હેઠળ હતી.
કાળજીપૂર્વકની વિચારણાના અંતે શિક્ષણ વિભાગના સંદર્ભ ક્રમાંક-(1) થી (4) સામેના ઠરાવોથી ઊભી કરવામાં આવેલ જિલ્લા કક્ષાની નાયબ કલેક્ટર(મધ્યાહન ભોજન યોજના)ની તમામ જગ્યાઓ એટલે કે કુલ 31 જગ્યાઓ આથી રદ કરવામાં આવે છે. તેમજ રાજયના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજનાની કામગીરી, જિલ્લા પુરવઠા અધિકારીને સુપ્રત કરવામાં આવે છે અને મધ્યાહન ભોજન યોજના અંગે સંબંધિત તાલુકાઓ માટે પ્રાંત અધિકારી અને મામલતદારને જે કામગીરી સોંપવામાં આવેલ છે તે યથાવત રાખવાની રહેશે.