જધન્ય કૃત્યમાં સીધી કે આડકતરી મદદગારી કરનારા પણ એટલા જ દોષિત ગણાય: રાજ્ય સરકાર
ગુજરાત સરકારે ગોધરાકાંડના આરોપીઓને રહેમ રાહ આપવાનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો છે. ગુજરાતની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલા સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટનાના આરોપીઓને કોઈ છૂટ આપી શકાય નહીં. 2002 ના ગોધરાકાંડના આરોપીઓના રહેમ રાહ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આનો વિરોધ કરતાં ગુજરાત સરકારે કહ્યું હતું કે આ ઘટનામાં જાણી જોઈને ટ્રેનને આગ લગાડવામાં આવી હતી. જેના કારણે સાંપ્રદાયિક હિંસા થઈ અને 59 નિર્દોષ મોતને ભેટ્યા હતા. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે સુપ્રીમ કોર્ટે પોતે કહ્યું છે કે તેમાંથી કેટલાક પથ્થરબાજો છે અને લાંબા સમયથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, પથ્થરબાજને રહેમ આપવા અંગે વિચારણા કરી શકાય છે જેનો વિરોધ કરતા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ બાબત ફક્ત પથ્થરબાજીની નથી પરંતુ સળગતી ટ્રેનમાંથી મુસાફરોને બહાર નહીં નીકળવા દેવા માટે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે લોકોને જીવતા સળગાવી દેવા માટે મદદગારીની ભૂમિકા છે અને આવી ભૂમિકા ધરાવનારાઓને રહેમ આપી શકાય નહીં.
આરોપીની અપીલ અરજી 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હાની બેંચમાં થઈ હતી. લગભગ 17 વર્ષથી જેલમાં રહેલા આ કેસના આરોપીઓની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે, પથ્થરબાજીના આરોપીઓને રહેમ પર વિચાર કરી શકાય છે. જોકે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ માત્ર પથ્થરબાજીનો મામલો નથી. આરોપીઓએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. ચોક્કસ સમુદાયના મુસાફરોને નિશાન બનાવીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેના કારણે 59 હિન્દુ મુસાફરોના મોત થયા છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ વર્ષ 2017 માં જ 11 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી શકે છે. અન્ય વીસને આજીવન જેલની સજા કરવામાં આવી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામેલા 59 હિંદુ મુસાફરોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. જેમાં 29 પુરુષ અને 22 મહિલા યાત્રાળુઓ હતા. સાબરમતી એક્સપ્રેસના કોચની અંદર દાઝી જવાથી તમામના મોત થયા હતા. આ ઘટના 27 ફેબ્રુઆરી 2002 ની છે. આરોપીઓએ જાણીજોઈને ટ્રેનની એસ-6 બોગીમાં આગ લગાવી હતી. બીજી તરફ જ્યારે મુસાફરોએ કોચમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આરોપીઓએ મુસાફરોને પોતાનો જીવ બચાવવાની તક પણ ન આપી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આરોપીઓની તમામ અપીલો રદ કરવા વિનંતી કરી હતી.
સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેઓ આરોપીઓની ભૂમિકાની તપાસ કરશે. આ પછી કોર્ટ પાસે સમય માંગીને તેમણે કહ્યું કે તપાસના મામલામાં જ આરોપીના જામીન પર અભિપ્રાય આપી શકાય છે. આ મામલામાં કોર્ટે સોલિસિટર જનરલને આ મામલાની વહેલી તકે સમીક્ષા કરવા અને પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે કેસની સુનાવણી માટે આગામી 15 ડિસેમ્બરની તારીખ આપી છે.
સળગતી ટ્રેનમાંથી મુસાફરોને બહાર નહીં નીકળવા દેવા માટે કરાયો હતો પથ્થરમારો: સોલીસીટર જનરલ
સુપ્રીમમાં ચાલી રહેલી સુનવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પથ્થરબાજી કરનારાઓને રહેમ આપવા અંગે વિચારણા કરી શકાય છે. જેના વિરોધમાં સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ ફક્ત પથ્થરબાજીબી ઘટના નથી. આગ ચાંપી દેવાયેલા ટ્રેનના એસ-6 બોગીમાંથી જે મુસાફરો બહાર આવવા પ્રયત્ન કરી રહ્યા હતા તેમને બહાર નહીં નીકળવા દેવા માટે સતત પથ્થરમારો કરાઈ રહ્યો હતો. જે માનવવધ માટે મદદગારીની ભૂમિકા હતી જેના લીધે આવા લોકો પ્રત્યે રહેમ રાહ ન દાખવી શકાય.
ગોધરા કાંડમાં કુલ 31 ને તકસીરવાન ઠેરવી ફટકારાઈ હતી સજા
ગોધરાકાંડ માટે 3! મુસ્લિમોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011 માં એસઆઈટી કોર્ટે 11 દોષિતોને ફાંસી અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. તેના પછી ઓક્ટોબર 2017 માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને પણ આજીવન કેદમાં બદલી નાખી હતી.